Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

PoKમાં ભારતીય સેનાના ઓપરેશન કર્યાની વાત PAKએ પણ સુર પુરાવ્‍યો રાજનાસિંહ સેના પ્રમુખ સાથે સતત સંપર્કમાં રહ્યા છે

નવી દિલ્હી:  ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ પર જબરદસ્ત કાર્યવાહી કરી. આર્ટિલરી ગન (તોપ)થી હુમલો કરતા આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા. આ  કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. ભારતની આ જવાબી કાર્યવાહીને લઈને રક્ષા મંત્રાલય અલર્ટ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ મામલે સતત સેના પ્રમુખ બિપિન રાવત સાથે સંપર્કમાં છે. આ બાજુ પાકિસ્તાને પણ સ્વીકાર્યું છે કે ભારતના હુમલામાં તેને ભારે નુકસાન થયું છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનની આ નાપાક હરકતમાં 2 જવાનો અને એક નાગરિક શહીદ થયા. 

ભારતની આ કાર્યવાહી મામલે પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે જુરા, શાહકોટ અને નૌશેરા સેક્ટરમાં કોઈ પણ ઉશ્કેરણી વગર યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાને તો ખોટો દાવો પણ કરી નાખ્યો કે તેણે 9 ભારતીય સૈનિકોને માર્યા જ્યારે બે ભારતીય બંકરો તબાહ કર્યાં. પાકિસ્તાને કહ્યું કે બંને તરફથી થયેલી આ કાર્યવાહીમાં અમારો એક સૈનિક અને 3 નાગરિકો માર્યા ગયાં જ્યારે 2 સૈનિકો અને 5 નાગરિકો ઘાયલ થયા છે. 

અત્રે જણાવવાનું કે ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે. આ કેમ્પોનો ઉપયોગ એક લોન્ચપેડ તરીકે કરવામાં આવતો હતો. 

હાલ ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર કરાયેલી ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાદ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલામાં પીઓકેની નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ્સ તબાહ કરાયા છે. આ આતંકી કેમ્પોમાં રહેલા આતંકીઓને ભારત મોકલવાની તૈયારી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન આર્મીના 4-5 સૈનિકો પણ માર્યા ગયા છે. અનેક ઈજાગ્રસ્ત થયા છે. 

(5:00 pm IST)