Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

બીમારીની અફવાથી નારાજ થયેલા બિગબીએ હોસ્પિટલેથી આવીને સૌપ્રથમ બ્‍લોક લખ્‍યો : મેડિકલ સ્‍થિતિ કોઇ વ્‍યકિતનો ગુપ્‍ત વ્‍યકિતગત અધિકાર હોય છે તેનું વ્‍યવસાયી કરણ થાય તે યોગ્‍ય નથી : શુક્રવારે તેઓને હોસ્‍પિટલમાંથી રજા મળી હતી

નવી દિલ્હી : બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર બિગબીએ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. અમિતાભ બચ્ચન આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી. 

તેમણે બ્લોગ પર લખ્યું કે, ‘વ્યવસાયિક નિયમો પર નજર ન રાખો. બીમારી અને મેડિકલ સ્થિતિ એક ગુપ્ત વ્યક્તિગત અધિકાર છે. તેથી આ પ્રકારનું આચરણ શોષણ કરે છે. આ વિશે જરૂરી સમજ રાખો અને તેનું સન્માન કરો અને બધુ જ દુનિયામાં વેચાવા માટે નથી હોતું. 

પોતાના બ્લોગ પોસ્ટમાં સદીના મહાનાયક પ્રેમ અને મળેલી દુઆઓ માટે પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અભિનેતાએ મંગળવારે લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)નું શુટિંગ ફરીથી શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. હાલ આ શો ઉપરાંત બિગબી સુજીત સરકારની ગુલાબો સિતાબો, નાગરાજ મંજુળેની ઝુંડ, રુમી ઝાફરીની ચહેરે અને અયાન મુખરજીની બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત છે.

(5:09 pm IST)