Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

૧૯૬૪માં કોંગ્રેસે પણ ૩૭૦ને દુર કરવાના પ્રયાસો કર્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારના છેલ્લા દિવસે હરિયાણામાં છવાયા : કલમ ૩૭૦ દુર કરવા માટેની ખાતરી અપાઈ હતી પણ પરંતુ તેના નેતાઓ કલમ દુર કરવામાં નિષ્ફળ રહ્યા હતા

રેવાડી, તા. ૧૯ ઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના છેલ્લા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરવાને લઈને મોદીએ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસે પણ ૧૯૬૪માં આને દુર કરવાનું વચન સસદમાં આપ્યું હતું પરંતુ તેમના નેતા આવુ કરી શક્યા ન હતા. છેલ્લા દિવસે મોદીએ સિરસા અને રેવાડીમાં રેલીઓ યોજી હતી અને મોદીએ કહ્યું હતું કે, સંસદમાં ૧૯૬૪માં ડિબેટ દરમિયાન દેશના દિગ્ગજ નેતા નારાજ હતા. કોંગ્રેસમાં જ મતભેદો હતા. માંગ હતી કે કલમ ૩૭૦ને દુર કરવામાં આવે. એ ગાળામાં કોંગ્રેસ નેતાઓએ હાથ જોડીને કહ્યું હતું કે, એક વર્ષમાં દુર કરી દેવાશે. મોદીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૦ કરોડ ભારતીઓ માટે જો કાંઈ કરી શક્યા છે તો તેના માટે રેવાડીની માટીનું પણ યોગદાન છે. એ વખતે કહ્યું હતું કે, ભારતમાં એવી સરકાર હોવી જોઈએ કે દુનિયાથી આંખ મિલાવીને વાત કરી શકે.

               આજે ભાજપ દુનિયાની સમક્ષ મજબુતી સાથે ઉભુ છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ૪૦ વર્ષથી જેની માંગ થઈ રહી હતી એ વન રેન્ક વન પેન્શન લાગુ કરી ચુક્યા છે. એકલા હરિયાણામાં બે લાખ પૂર્વ જવાનોને આશરે ૯૦૦ કરોડ રૃપિયાની રકમ એરિયર તરીકે મળી ચુકી છે. મોદીએ કહ્યું હતું કે, સેનાના જવાનોને પહેલા પુરતા પ્રમાણમાં હથિયારો મળી રહ્યા ન હતા. બુલેટપ્રુફ જેકેટ અને આધુનિક રાઈફલો પણ ન હતી. આજે આધુનિક સબમરીન સાથે સાથે રાફેલ જેવા યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટરો અમારી સેનાની હિસ્સા બની ચુક્યા છે. સહીદોના નામ ઉપર સ્મારક બનાવ્યું છે. કૌભાંડો કરનાર લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારની સામે કઠોર કાર્યવાહીનો સિલસિલો  આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે તેવો સંકેત મોદીએ આપ્યો હતો.

(12:00 am IST)