Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણામાં, અમિત શાહ મહારાષ્ટ્રમાં રહ્યા : કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓ ઉપર બંનેના તેજાબી આક્ષેપો

નવી દિલ્હી,તા. ૧૯ : ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. એકબાજુ અમિત શાહે મહારાષ્ટ્રના નંદુરબારમાં રેલી યોજી હતી. અમિત શાહે કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીને પડકાર ફેકે છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો કલમ ૩૭૦ની જોગવાઈને ફરી લાગુ કરશે તેમ કહી બતાવે. અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને માત્ર પોતાની વોટબેંકની ચિંતા છે. રાહુલ ગાંધી કહે છે કે, મહારાષ્ટ્રમાં કલમ ૩૭૦ને લઈને શું લેવા દેવા છે પરંતુ તેઓ કહેવા માંગે છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો કલમ ૩૭૦ની જોગવાઈને લાગુ કરી બતાવશે. તેમ કહીને લોકોના મન જીતવાના પ્રયાસ કરે. બીજી બાજુ પ્રચારના છેલ્લા દિવસે મોદીએ હરિયાણામાં પુરી તાકાત લગાવી હતી. મોદીએ સિરસા અને રેવાડીમાં રેલી કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સંસદમાં ૧૯૬૪માં ડિબેટ દરમિયાન દેશના દિગ્ગજ નેતા નારાજ હતા. કોંગ્રેસમાં જ મતભેદો હતા. માંગ હતી કે કલમ ૩૭૦ને દુર કરવામાં આવે. એ ગાળામાં કોંગ્રેસ નેતાઓએ હાથ જોડીને કહ્યું હતું કે, એક વર્ષમાં દુર કરી દેવાશે. અન્ય નેતાઓ પણ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા.

(12:00 am IST)