Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અેપલ કંપની ન્યૂયોર્કમાં અેક ઇવેન્ટનું આયોજન કરતી હોવાથી OnePlus 6T ૨૯મીઅે લોન્ચ કરાશે

વનપ્લસે 30 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં OnePlus 6Tની ગ્લોબલ ઈવેન્ટની તારીખ બદલી છે. હવે આ સ્માર્ટફોન 29 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. કંપનીના મતે 30 ઓક્ટોબરે એપલ ન્યૂયોર્કમાં એક ઈવેન્ટનું આયોજન કરવાની હોવાથી તારીખ બદલવી જરૂરી હતી. 8 ઓક્ટોબરે વનપ્લસે જાહેરાત કરી હતી કે OnePlus 6T સ્માર્ટફોન ન્યૂ યોર્ક અને નવી દિલ્હીમાં 30 ઓક્ટોબરે એકસાથે લોન્ચ કરવામાં આવશે. પરંતુ ગુરુવારે એપલે ન્યૂ યોર્કના બ્રુકલિનમાં યોજાનારી ઈવેન્ટનું આમંત્રણ મોકલ્યું છે. આ ઈવેન્ટમાં કંપની નવા આઈપેડ અને મેક મોડલ લોન્ચ કરી શકે છે.

એપલની ઈવેન્ટ હોવાથી બદલી તારીખ

વન પ્લસના CEO પીટ લાઉએ OnePlus 6Tની લોન્ચિંગ તારીખમાં ફેરફાર કર્યાની જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, “8 ઓક્ટોબરે અમે OnePlus 6Tના લોન્ચિંગની જાણકારી આપી ત્યારે અમે ખૂબ ઉત્સાહિત હતા. અમને ખબર હતી કે અમે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડી શકીશું. પરંતુ 30 ઓક્ટોબરે એપલની ઈવેન્ટની જાણકારી મળતાં ફેરફાર કરવામાં આવ્યો છે.” OnePlus 6Tની લોન્ચ ઈવેન્ટ 29 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે શરૂ થશે.

ભારતમાં ક્યારે થશે લોન્ચ?

જો કે ભારતમાં હજુ સુધી OnePlus 6Tના લોન્ચની તારીખ બદલવામાં નથી આવી. વનપ્લસના ફોરમ કમ્યુનિટી મેનેજર ડેવિડ વાઈએ આવા જ સંકેત આપ્યા છે. એટલે કે, ભારતમાં OnePlus 6Tની લોન્ચ ઈવેન્ટ 30 ઓક્ટોબરે જ થશે.

OnePlus 6Tની કિંમતો

લોન્ચ પહેલા જ ભારતમાં આ ફોનની કિંમતોને લઈને ખુલાસો થયો છે. રિપોર્ટ્સ પ્રમાણે કંપની આ ફોન 3 રેમ અને સ્ટોરેજ વેરિયંટમાં લોન્ચ કરશે. OnePlus 6T (મિરર બ્લેક) 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 37,999 રૂપિયા. OnePlus 6T (મિરર/મિડનાઈટ બ્લેક) 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 40,999 રૂપિયા છે. લીક થયેલી માહિતી મુજબ OnePlus 6T (મિડનાઈટ બ્લેક) કલર વેરિયંટને 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ સાથે 44,999 રૂપિયામાં લોન્ચ કરાશે.

(5:19 pm IST)