Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પંજાબમાં માતમઃ રાજકીય શોકઃ કાર્યાલયો-શૈક્ષણિક સંસ્થાઓ બંધ

અમૃતસર ટ્રેન દુર્ઘટનાનો મૃત્યુઆંક ૬૧: ૧૦ સેકન્ડમાં જ લોકો મોતને ભેટયાઃ રેલ્વે ટ્રેક લોહીલુહાણઃ પાટાથી ૧૫૦ મીટર દૂર સુધી મૃતદેહોના ટુકડા વિખેરાયેલા માલુમ પડયા

અમૃતસર તા.૨૦: દશેરાના દિવસે અમૃતસરમાં થયેલ ભયાનક રેલ દુર્ઘટનાના કારણે પંજાબ સરકારે રાજકીય શોકની જાહેરાત કરી છે. શનિવારે પંજાબની બધી  સ્કૂલ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે. મુખ્યપ્રધાન અમરિન્દ્રસિંહે રાહત અને બચાવ કાર્યની દેખરેખ રાખવા માટે આરોગ્ય પ્રધાન બ્રહ્મ મોહિન્દ્રની આગેવાની હેઠળ સમિતિની નિમણૂંક કરી છે. સમિતિનાં અન્ય બે પ્રધાનો સુખવિંદરસિંહ સરકારીયા અને ચરણજીતસિંહ ચન્ની સભ્યરૂપે શામેલ કરાયા છે. પરિસ્થિતિની જાણકારી અને કામગીરીની દેખરેખ રાખવા માટે આ ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે અમૃતસરમાં રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રાવણદહન જોઇ રહેલા ટોળા પર ટ્રેન ચડી ગઇ હતી. ટ્રેનની ઝડપ એટલી વધારે હતી કે લોકોને બચવાનો મોકો નહોતો મળ્યો. લોકોને કંઇ ખબર પડે તે પહેલા તો મોત બનીને આવેલી ટ્રેન પોતાની પાછળ લાશો બિછાવીને ચાલી ગઇ. આમાં ઓછામાં ઓછા ૬૧ લોકોના મોત થયા હતા અને ૫૧ લોકો ધાયલ થયા હતા.

આ ઘટનામાં ૧૫૦ થી વધુ લોકોને ઇજા થઇ છે. માર્યા ગયેલાઓમાં બાળકો અને મહિલાઓ પણ છે. અત્યાર સુધીમાં ૩૯ મૃતકોની ઓળખ થઇ છે. માત્ર ૧૦ સેકન્ડમાં જ ૬૧ માનવ જીંદગી છીનવાઇ ગઇ હતી. ફટાકટાના અવાજમાં લોકો ટ્રેનનો અવાજ સાંભળી શકયા નહોતા અને ટ્રેને લોકોને કચડી નાખ્યા.

ટ્રેન અકસ્માતની ઘટનાથી દેશ સ્તબ્ધ છે. દુર્ઘટના બાદ જે તસ્વીરો સામે આવી છે તે બિહામણી છે. પાટાથી ૧૫૦ મીટર દૂર સુધી મૃતદેહો પડેલા જોવા મળ્યા હતાં.

(11:30 am IST)