Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સબરીમાલા વિવાદની તુલના બાબરીના વિવાદ સાથે કરાઇ

સીતારામ યેચુરીના નિવેદનથી વધુ હોબાળો : કોઇપણ શ્રદ્ધાળુને મંદિર ખાતે પ્રવેશથી રોકી શકાય નહીં અસામાજિક તત્વો હિંસા ફેલાવવા પર ઉતરેલા છે : યેચુરી

થિરુવંનતપુરમ, તા. ૧૯ : સબરીમાલામાં તમામ આયુની મહિલાઓના પ્રવેશના મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિવાદ રોકાઈ રહ્યો નથી. આજે પોલીસ ફોર્સની ઉપસ્થિતિમાં બે મહિલાઓએ પ્રવેશ કરવાના પ્રયાસ કર્યા હોવા છતાં દેખાવકારોએ આને સફળ થવા દીધા ન હતા. બીજી બાજુ સીપીએમના નેતા સીતારામ યેચુરીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સબરીમાલા પ્રદર્શન અને બાબરી પ્રકરણની પદ્ધતિ એક જેવી છે.

યેચુરીએ કહ્યું હતું કે, આ સમગ્ર વિવાદ ભાજપ અને સંઘના કારણે છે. સાથે સાથે કોંગ્રેસન ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ત્યાં ચોર લોકો જ પોલીસ ઉપર આક્ષેપ મુકી રહ્યા છે. કોઇપણ શ્રદ્ધાળુને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવા જોઇએ નહીં પરંતુ કેટલાક અસામાજિક તત્વો તેની આડમાં સમસ્યા ઉભી કરી રહ્યા છે. બીજી બાજુ કેરળ સરકાર સમગ્ર વિવાદને લઇને બેકફુટ ઉપર દેખાઈ રહી છે. રાજ્ય દેવાસન મંત્રી સુંદરમનું કહેવું છે કે, કેટલાક લોકો જાણી જોઇને સમસ્યા ઉભી કરી રહ્યા છે. આજ કારણસર તેમને દરમિયાનગીરી કરવાની ફરજ પડી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ મામલામાં કાવતરા રચવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, બે મહિલાઓ જ્યારે પવિત્ર ૧૮ની દિશામાં આગળ વધે છે ત્યારે પ્રદર્શનને સમગ્ર કેરળમાં ફેલાવવાના પ્રયાસ થયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે રક્તપાત કરવા માટે તૈયાર છે તે લોકોને અમે કોઇ કિંમતે ટેકો આપીશું નહીં. ૨૮મી સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. મોટી સંખ્યામાં દેખાવકારોના દેખાવના લીધે પોલીસને પીછેહઠ કરવી પડી છે. મહિલાઓને પ્રવેશની તક મળી નથી. કેરળ સરકારનું કહેવું છે કે, મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી છે પરંતુ કેટલાક કાર્યકર પણ ઘુસવાના પ્રયાસમાં છે.

(12:00 am IST)