Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

એસેસમેન્ટમાં વિલંબ કેમ? CBDTએ આયકરનો કાન પકડયોઃ ૧૦ દિ'માં ૩૫૦૦૦ કેસ નિપટાવવા પડશે

સમયસીમા નક્કીઃ આવતા મહિના પછી તેને ફરી ખોલી નહિ શકાય

નવી દિલ્હી, તા.૨૦: આવકવેરા વિભાગે આ મહિનાના અંત સુધીમાં લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના આવકવેરા અંગેના ૩૫૦૦૦ થી વધારે ચાલી રહેલ કેસ તપાસ પછી પુરા કરવા પડશે. આ કેસોની સમયસીમા નક્કી કરાયેલી છે અને આવતા મહિને તેને ફરીથી નહીં ખોલી શકાય.

કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) ચેરમેન જેબી મહાપાત્રએ ચાલી રહેલા કેસોની સંખ્યા વધઘટ પર આવકવેરા વિભાગની તપાસ શાખાના ટોચના અધિકારીઓની ઝાટકણી કાઢી અને તેમને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આવા ચાલી રહેલા કેસોની એસેસમેંટ પ્રક્રિયા પુરી કરવા આદેશ આપ્યા છે. સુત્રોના અનુમાન અનુસાર આ કેસો પુરા કરવાથી લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો કર મળી શકે તેમ છે.

આવકવેરા વિભાગના મુખ્ય કમિશનરોને હાલમાં મોકલાયેલ પત્રમાં સીબીડીટીના વડાએ કહ્યું, 'આ બહુ ચિંતાજનક વાત છે કે કેન્દ્રિય ટીમો સમયબધ્ધ એસેસમેન્ટ પ્રક્રિયા સાથે સંકળાયેલ કેસો નિપટાવવામાં બહુ પાછળ છે.

ચાલી રહેલા કેસોનો હવાલો આપતા મહાપાત્રએ કહ્યું કે ગયા અઠવાડીયા સુધીમાં એસેસમેન્ટ અધિકારીઓ દ્વારા ફકત ૧૭૪૯ કેસોમાં આદેશ બહાર પાડયા છે જયારે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં આવા કુલ કેસ ૩૭૧૦૩ હતા. કર અધિકારીઓ પાસે હજુ પણ ૩૫૨૭૬ કેસ પડેલા છે અને તેને નિપટાવવા માટે ફકત ૧૫ દિવસ જ રહ્યા છે.

આવકવેરાની કલમ ૧૫૩ એ (તપાસ અંગેની) હેઠળ આવકવેરા અધિકારીઓને કરદાતાના ૬ વર્ષ જૂના ખાતાની તપાસ કરવાની પરવાનગી છે. અમુક કેસોમાં ૧૦ વર્ષ જૂના એસેસમેન્ટની પણ તપાસ કરી શકાય છે.

(12:52 pm IST)