Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાજપના નેતા કિરીટ સોમૈયાની અટકાયત

કિરીટ સોમૈયાને મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડીમાં લીધા છે : કિરીટ સોમૈયાની પોલીસે સતારા શહેરના કરાદ રેલવે સ્ટેશન પર અટકાયત કરી છે

મુંબઇ તા. ૨૦ : ભારતીય જનતા પાર્ટીનાં નેતા કિરીટ સોમૈયાને મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડીમાં લીધા છે. કિરીટ સોમૈયાની પોલીસે સતારા શહેરનાં કરાદ રેલવે સ્ટેશન પર અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, કિરીટ સોમૈયા આજે કોલ્હાપુર જવાના હતા. પરંતુ કોલ્હાપુર DM એ કિરીટ સોમૈયા સામે પ્રતિબંધિત આદેશો જારી કર્યા હતા અને કલમ ૧૪૪ લાગૂ કરી દીધી હતી, જેના કારણે ૨૦ અને ૨૧ સપ્ટેમ્બરનાં રોજ લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકયો હતો.

મહારાષ્ટ્ર ભાજપનાં નેતા કિરીટ સોમૈયાની પોલીસે સતારા જિલ્લાનાં કરાદ રેલવે સ્ટેશન પર અટકાયત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોમૈયા સોમવારે એટલે કે આજે કોલ્હાપુર જવાના હતા. કોલ્હાપુર જિલ્લા કલેકટરે તેમની વિરૂદ્ઘ પ્રતિબંધિત આદેશો જારી કર્યા હતા. એટલું જ નહીં, ૨૦ અને ૨૧ સપ્ટેમ્બરે ભેગા થવા પર પ્રતિબંધ મૂકતા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અગાઉ, ભારતીય જનતા પાર્ટીનાં નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે, કોલ્હાપુર જિલ્લાનાં અધિકારીઓએ તેમને જિલ્લામાં પ્રવેશતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનાં મંત્રી હસન મુશરીફ પર ભ્રષ્ટાચારનાં આરોપો લગાવવામાં આવ્યા છે. આ પછી, જિલ્લા વહીવટીતંત્રએ સુરક્ષાની ચિંતા અને કાયદો અને વ્યવસ્થાને ટાંકીને આ પગલું ભર્યું છે. કિરીટ સોમૈયાએ સોમવારે સવારે ટ્વિટ કર્યું હતું કે, પોલીસે મને કરાદમાં પ્રતિબંધિત આદેશો હેઠળ અટકાવવાનું કામ કર્યું છે.

કિરીટ સોમૈયાએ ૧૩ સપ્ટેમ્બરે ગ્રામીણ વિકાસ મંત્રી અને કોલ્હાપુર જિલ્લાનાં કાગલનાં ધારાસભ્ય મુશરીફ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અને સંબંધીઓનાં નામે 'બેનામી' મિલકત હોવાનો આરોપ લગાવ્યો હતો. સોમૈયાને સોમવારે પશ્ચિમ મહારાષ્ટ્રનાં આ જિલ્લાની મુલાકાત લેવાની હતી. તેમણે કોલ્હાપુર જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ રેખવાર દ્વારા જારી કરાયેલા ૧૯ સપ્ટેમ્બરનાં આદેશને દર્શાવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સોમૈયાને તેમના જીવનું જોખમ અને તેમના પ્રવાસને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાને ખલેલને ધ્યાનમાં રાખીને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(10:46 am IST)