Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કેલિફોર્નિયાની આગ મોહાવી રણના વિસ્તારોમાં ફેલાતા અનેક મકાનો નાશ પામ્યા

લોસ એન્જેલસના ઉતરપૂર્વના ૮૦ કિ.મી. વિસ્તારમાં આગ પ્રસરી છે

જુનિપેર હિલ્સ, :ભારે પવન ફૂંકાવાને કારણે કેલિફોર્નિયાની આગ મોહાવી રણના રહેણાંક વિસ્તારોમાં ફેલાઇ જતાં અનેક મકાનો નાશ પામ્યા છે. આ દરમિયાન આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગમાં એક ફાયર ફાઇટરના મોતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

યુએસ ફોરેસ્ટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મોત સાન બર્નાર્ડિનો નેશનલ ફોરેસ્ટમાં થયું હતું. લોસ એન્જેલસ કાઉન્ટીના ઉત્તરમાં લાગેલી આગને કારણે સેમી રૂરલ ડેઝર્ટમાં આવેલી મિલકતોને પણ નુકસાન થયું છે.

લોસ એન્જેલસના ઉત્તર પૂર્વના ૮૦ કિલોમીટરના વિસ્તારમાં લાગેલી આગમાં કેટલા મકાનોેને નુકસાન થયું તે જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પવન ઓછો થશે અને તાપમાનમાં ઘટાડો થશે તો ફાયર ફાઇટર્સને આગને અંકુશમાં લેવામાં મદદ મળશે.

૬ સપ્ટેમ્બરથી લાગેલી આ લાગ અત્યાર સુધીમાં ૨૯૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રસરી ગઇ છે. જેમાંથી અત્યાર સુધી ફક્ત ૧૫ ટકા વિસ્તારમાં જ આગ પર કાબૂ મેળવી શકાયો છે. ગયા સપ્તાહની સરખામણીમાં ચાલુ સપ્તાહમાં આગ બમણા વિસ્તારમાં ફેલાઇ ગઇ છે.

કેલિફોર્નિયામાં ચાલુ વર્ષે ૭૯૦૦ વખત જંગલમાં આગ લાગી છે અને કુલ ૧૩,૭૨૭ ચો કિમીના વિસ્તારમાં નુકસાન થયું છે.

(2:59 pm IST)