Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પત્નિનું બીજા સાથે લફરૂ પતિ માટે યાતના સમાન

પંજાબ-હરીયાણા હાઈકોર્ટનો ફેંસલોઃ હાઈકોર્ટે મહિલાની અરજી ફગાવી

ચંદીગઢ, તા. ૨૦ :. પંજાબ-હરીયાણા હાઈકોર્ટે એક કેસમાં ટીપ્પણી કરતા કહ્યુ છે કે મહિલાનુ કોઈ બીજા વ્યકિત સાથે લફરૂ તેના પતિ માટે માનસિક ત્રાસના દાયરામાં આવે છે. આ આધાર પર તે લગ્ન તોડવા પણ હક્કદાર છે. જસ્ટીસ રાજન ગુપ્તા અને જસ્ટીસ મંજરી કૌલની ખંડપીઠે કહ્યુ છે કે જો આને ક્રૂરતા ન ગણવામાં આવે તો ક્રૂરતાની વાસ્તવિક પરિભાષા શું છે ? કોર્ટને પણ તેનો અંદાજ નહી હોય.

કોર્ટે મહિલાની અરજી ફગાવતા આ ફેંસલો આપ્યો હતો. આ મહિલાએ ગુરૂગ્રામ ફેમીલી કોર્ટના લગ્નભંગ કરવાના ફેંસલાને પડકારતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. લગ્નને એ આધાર પર તોડવાનો ફેંસલો સંભળાવાયો હતો કે મહિલાનો કોઈ બીજા શખ્સ સાથે સંબંધ છે અને તેના કારણે તેનો પતિ ટેન્શનમાં હતો. ફેમીલી કોર્ટના ફેંસલાને પડકારતા મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે ફેમીલી કોર્ટ એ તથ્યને આંકવામાં નિષ્ફળ રહી છે કે તેની વિરૂદ્ધ ત્રાસના આરોપ પર તેનો પતિ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકયો નથી.

તેણે પોતાની અપીલમાં તર્ક આપ્યો હતો કે આ આરોપોને હળવા મતભેદ કે ગેરસમજણ પણ કહી શકાય છે જે દરેક લગ્નમાં હોય છે. દંપતિના લગ્ન ૨૦૧૪માં થયા હતા અને હજી બાળકો નથી. બીજી તરફ પતિએ આરોપ મુકયો છે કે તેની પત્નિનો વ્યવહાર મારા અને મારા પરિવાર પ્રત્યે ઘણો ખરાબ અને ગંદો રહ્યો છે, એટલુ જ નહિ હનીમુન દરમિયાન પણ સંબંધ બાંધવાનો ઈન્કાર કર્યો હતો. તેણે ફરીયાદ કરી હતી કે પત્નિનું લફરૂ ચાલે છે અને ઈમેઈલના પુરાવા છે. આ બધાથી હું ટેન્શનમાં રહુ છું.

બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યુ હતુ કે લગ્નમાં ત્રાસની સચોટ પરિભાષા આપવી સંભવ નથી. કોર્ટે એવુ પણ કહ્યુ છે કે, મહિલાએ બીજા સાથે ઈમેઈલ એકસચેન્જ વાત સ્વીકારી અને પતિ પાસે માફી પણ માંગી. કોર્ટે કહ્યુ કે મહિલાએ પતિ વિરૂધ્ધ ખોટો આરોપ લગાવી એફઆઈઆર નોંધાવી હતી. જેમાં બાદમા તેણે છોડી મુકાયો હતો.

બાદમાં કોર્ટે કહ્યુ હતુ કે એ સ્પષ્ટ થાય છે કે પત્નિએ જાણીજોઈને આવો વ્યવહાર કર્યો હતો. તેણે વિચાર્યુ નહોતુ કે પોતાના વ્યવહારથી પોતાના પતિને માનસિક ત્રાસ અને યાતનાનો સામનો કરવો પડશે. જો તેને ક્રૂરતા નહિ ગણાય તો પછી કોને કહેવાય એને કોર્ટ પણ નથી જાણતી.

(3:26 pm IST)