Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગોવામાં GST કાઉન્સીલની બેઠક

ઉદ્યોગ અને ઓટો સેકટર ઉપર સૌની નજર

ગોવા, તા.૨૦: મંદ પડેલી અર્થવ્યવસ્થાની ધીમી ગતિ વચ્ચે આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (GST) કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક ગોવામાં યોજાવવાની છે. જેમાં ઓટો સેકટરને રાહત મળવાની આશા છે અને સાથે જ હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ થોડી રાહત મળશે તેવા સંકેત છે.

મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની ગતિ વધારવા માટે આજે ગોવામાં GST કાઉન્સિલની ખાસ બેઠક યોજાશે. આ કાઉન્સિલની ૩૭મી બેઠક હશે. તેમાં અનેક વસ્તુઓના રેટ ઘટે તેવી આશા છે. ખાસ કરીને બિસ્કિટ, માચિસ અને હોટલ ઈન્ડસ્ટ્રીને રાહત મળવાની આશા છે. પરંતુ ઓટો સેકટરમાં રાહત મળવાનું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.

આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓટોમોબાઈલ, બિસ્કિટ, માચિસ, આઉટડોર કેટરિંગ સેગમેન્ટના GST રેટમાં બદલાવની વાત રજૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ફકત હોયલ ઈન્ડસ્ટ્રીને રાહત મળી શકે છે. જયારે ઓટો ઈન્ડસ્ટ્રીમાં કાર પર લાગતા ૨૮ ટકાના જીએસટીને દ્યટાડીને ૧૮ ટકા કરવાની માંગ છે. ઈન્ડસ્ટ્રીની આ માંગ પર અનેક રાજય સરકારની સાથે સહમત નથી. સાથે માચિસ ઉદ્યોગને પણ જીએસટી દરમાં મુશ્કેલી હોવાથી તેમાં રાહત મળવાની શકયતા છે.

GST કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીનું માનવું છે કે ઓટો સેકટરમાં રેટ ઘટાડવાથી GST કલેકશન પર અસર થશે. કેમકે આ સેકટરથી વાર્ષિક ૫૦-૬૦ હજાર કરોડ રૂપિયાના જીએસટીનું કલેકશન થાય છે. સૂત્રો જણાવે છે કે જીએસટી પરિષદની એડજેસ્ટમેન્ટ કમિટીએ મહેસૂલની સ્થિતિને જવાબદાર ગણાવીને બિસ્કિટથી લઈને કાર ઉદ્યોગમાં જીએસટીના ઘટાડાની માંગને નકારી દીધી છે.

હોટલ ઈન્ડસ્ટ્રીને જીએસટીની બેઠકમાં રાહત મળવાની આશા છે. હાલમાં ૭૫૦૦ રૂપિયા એક નાઈટના સ્ટેનો ચાર્જ કરનારી લકઝરી હોટલ પર ૨૮ ટકા જીએસટી લાગતો હતો. ઉલ્લેખનીય છે કે ટૂરિઝમને વધારવા માટે પીએમ મોદીની વાતને ધ્યાનમાં રાખીને ૧૦-૧૨ હજાર રૂપિયા એક રાતના સ્ટેનો ચાર્જ કરનારી હોટલો માટે જીએસટી રેટ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવશે. સાથે જ આઉટડોર કેટરર્સ પર પણ ૧૮ ટકા ટેકસ લાગે છે અને તેમને પણ રાહત મળી શકે છે.

ફિટમેન્ટ કમિટીના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ ૨૦૧૯ માં એકંદરે જીએસટી સંગ્રહ ૯૮,૨૦૨ કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન મહિનામાં ૯૩,૯૬૦ કરોડની તુલનાએ ૪.૫૧ ટકા વધારે હતો. જો કે આ જીએસટી કલેકશન લેવલ દર વર્ષના આધારે ઊંચું હતું. તેમ છતાં તે સરકારની અપેક્ષા મુજબ ૧ લાખ કરોડ રૂપિયાથી ઓછું હતું.

(11:35 am IST)