Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

લેન્ડીંગ પ્રોગ્રામમાં લોચાને કારણે કદાચ લેન્ડર વિક્રમ ક્રેશ થયું: તપાસનું તારણ

જો કે દેશ હજુ ચમત્કારની આશા રાખી બેઠો છે

ચેન્નાઇ, તા.૨૦: ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડર સાથે ફરીથી સંપર્ક થવાની ઉમ્મિદ સમગ્ર દેશ કરી રહ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિકોને શરૂઆતથી જ જાણકારી મળી ગઈ હતી કે તેની સાથે સંપર્ક મુશ્કેલ છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ ૭ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ જાણકારી મળી ગઈ હતી કે લૂનર ક્રાફ્ટ લેન્ડીંગ બાદથી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂકયું છે. ચંદ્રયાન-૨ના અસફળતાનું આકલન કરી રહેલી ટીમે માન્યું કે ઓટોમેટિક લેન્ડીંગ પ્રોગ્રામમાં ખરાબીના કારણે લેન્ડર વિક્રમનો અકસ્માત થયો.

ઈસરોના જાણકાર લોકોએ અમારા સહયોગી ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આ એકસકલુઝિવ જાણકારી આપી. ૧૪૭૧ કિલોનું વિક્રમ અને તેની સાથે જોડાયેલું ૨૭ કિલોગ્રામનું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટીથી માત્ર થોડા જ અંતરે ક્રેશ થઈ ગયા. વૈજ્ઞાનિકોની ટીમનું માનવું છે કે અત્યાર સુધીની તપાસથી એવું લાગી રહ્યું છે કે ક્રેશ બાદ લેન્ડર વિક્રમનું ફરીથી કામ કરવું લગભગ અશકય છે. વૈજ્ઞાનિકોનો મત છે કે લેન્ડર વિક્રમના ક્રેશ લેન્ડીંગના કારણે તે પલટી ગયું છે અથવા તો વળી ગયું છે, પરંતુ એટલું વધારે ક્ષતિગ્રસ્ત નથી થયું કે ઓળખી ન શકાય.

તસવીરનું આકલન કરનારા એક વૈજ્ઞાનિકે કહ્યુ, અત્યાર સુધી મેં જે જોયું છે તેના આધારે કહી શકું છું કે લેન્ડર વિક્રમનો પડછાયો મને નજર આવ્યો છે. હું નિશ્યિત રીતે કહી શકું છે વિક્રમ પોતાના પગ પર લેન્ડ નથી થયું. મને એવું લાગે છે કે વિક્રમના ૪ પગને નુકસાન થયું છે. અન્ય એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે વિક્રમ ચંદ્રની સપાટીથી ૧૦ કિમી પહેલા જ અનિયંત્રિત થઈ ગયું હતું. જયારે તે ચંદ્રની સપાટીથી ૩૩૦ મીટર ઉપર હતું ત્યારે ઈસરોના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો.

બે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસથી લાગી રહ્યું છે કે લેન્ડીંગ પ્રોગ્રામમાં કોઈ ખરાબી હતી. લેન્ડીંગ પ્રોગ્રામ યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર બેંગલુરુ તરફથી લખવામાં આવ્યો હતો. એક વૈજ્ઞાનિકે કહ્યું, અમારે તે જોવું પડશે કે લેન્ડીંગ પ્રોગ્રામને જારી કરતા પહેલા તેનું યોગ્ય રીતે પરીક્ષણ કરાયું હતું કે નહીં. સોફટવેર પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીને સ્પર્શવાના ૧૫ મિનિટ પહેલા સુધી અંતર અને ઉંચાઈના આધારે કંટ્રોલ નિયંત્રિત કવાનો હતો.

ઉલ્લેખનીય છે કે ચંદ્રથી જોડાયેલા અંતરિક્ષ મિશનના જનક દેશો માટે પણ સોફ્ટ લેન્ડીંગ એક મોટી સમસ્યા છે. અમેરિકા અને રશિયા જેવા અંતરિક્ષ વિજ્ઞાનના અગ્રણી દેશો માટે પણ આ કામ મુશ્કેલ છે. ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડીંગ ઝીરો ગ્રેવિટી અને વધારે સ્પીડના કારણે ખૂબ મુશ્કેલ છે.

(11:34 am IST)