Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ટૂંક સમયમાં RTOના ધક્કા ખાવામાંથી મુકિત મળશે

વિધાનસભાની પેટાચૂંટણી તથા ૮ મ્યુ. કોર્પો.ની ચૂંટણી પહેલા જ ગુજરાત સરકાર પ્રજાને આપશે રાહતઃ પાસપોર્ટ કઢાવવા જેવી સિસ્ટમ આવશેઃ ગુજરાત સરકાર સમગ્ર આરટીઓ સિસ્ટમ ઓનલાઈન કરવા જઈ રહી છેઃ સમગ્ર કામગીરી પ્રાઈવેટ પાર્ટીને સોંપાશેઃ ધીમા સર્વર કે રેકોર્ડ ગુમ થવાની ફરિયાદો દૂર થશેઃ માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જ આરટીઓ જવાનુ રહેશે

અમદાવાદ, તા. ૨૦ :. જો બધુ સમુસુતરૂ પાર પડશે તો તમારે આરટીઓ ઓફિસની મુલાકાત લેવાની અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. સુધારેલા મોટર વ્હીકલ એકટના દંડમાં ઘટાડો કર્યા પછી હવે ગુજરાત સરકાર આખી આરટીઓ સિસ્ટમને ઓનલાઈન કરવાનું આયોજન કરી રહી છે. સિસ્ટમ એકવાર ઓનલાઈન થઈ ગયા પછી તેને ચલાવવા માટે ખાનગી કંપનીને સોંપી દેવાનું પણ ગંભીરતાપૂર્વક વિચારાઈ રહ્યુ છે જેથી પ્રજાને સર્વર ધીમુ છે અને રેકોર્ડ નથી મળતા ? તેવુ સાંભળવાનો વારો ન આવે.

પુરતા દસ્તાવેજોના અભાવે દંડ ન ભરવો પડે તે માટે લોકો આરટીઓ ખાતે લાઈનો લગાવી રહ્યા છે અને ચારે તરફ હોબાળો મચી ગયો હોવાથી સરકારે આવો નિર્ણય કર્યો છે. નવા ડ્રાઈવીંગ લાયસન્સ, લાયસન્સ રીન્યુ, વાહનની આરસી બુકના કાગળો અને અન્ય દસ્તાવેજો મેળવવા દરેક જીલ્લાની આરટીઓમાં લોકોના ટોળાઓ ઉમટી રહ્યા છે.

હેલ્મેટ અને પીયુસી અંગેના નવા નિયમોને સરકારે ૧૫ ઓકટોબર સુધી મોકુફ રાખ્યા છે તેમ છતા ફકત અમદાવાદ શહેરમાં જ પહેલા બે દિવસમાં ૫૫ લાખ રૂપિયાનો દંડ જમા થયો છે.

ઉચ્ચ પદે બિરાજતા સૂત્રોએ જણાવ્યુ હતુ કે પ્રજાનો વિરોધ સરકાર સામે ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે માટે સરકાર આ યોજના સાત બેઠકોની પેટાચૂંટણી અને ડીસેમ્બરમાં થનારી આઠ કોર્પોરેશનોની ચૂંટણી પહેલા જ શરૂ કરવા માંગે છે.

પ્રજાજનોની મુશ્કેલીઓ

કોઈ આટલો મોટો દંડ ભરવા નથી ઈચ્છતું, પણઙ્ગઆરટીઓમાંથી દસ્તાવેજો મેળવવામાં પ્રજાને હાલાકી થઈ રહી છે. દરેક આરટીઓ કચેરીમાં મોટી મોટી લાઈનો છે, સર્વરો ધીમા ચાલી રહ્યા છે અને આરટીઓના રેકોર્ડસ પણ અમુક જગ્યાએ નથી મળી રહ્યા. લોકોને કોઈપણ જાતના વાંક ગુના વગર બબ્બે ત્રણ ત્રણ વાર ધક્કા ખાવાની ફરજ પડાય છે. લોકો આના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આવો કાળો કાયદો અમલમાં મુકતા પહેલા આ બધી સવલતો ઉભી કરવી જોઈએ. સૂત્રોએ જણાવ્યુ કે લોકો એમ પણ કહી રહ્યા છે કે આ કાયદાનો તબક્કાવાર અમલ કેમ નથી કરતા ? લોકજુવાળ પોતાની વિરૂદ્ધ થતો હોવાનું જોઈને સરકારે પ્રજા માટે આ કાર્યવાહી સરળ બનાવવાનું નક્કી કર્યુ છે.

સરકારના આ બાબતો સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, 'સરકાર આરટીઓ સિસ્ટમને પાસપોર્ટ સેન્ટરની કાર્યવાહી જેવી બનાવવા માંગે છે. પાસપોર્ટ ઓફિસની મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન થાય છે. એક ખાનગી એજન્સી આ સિસ્ટમનું સંચાલન કરે છે અને સરળતાથી ચલાવે છે. સરકાર આ મોડલ આરટીઓના કામ માટે અપનાવવા વિચારી રહી છે. લોકોએ તો પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આરટીઓ કચેરીએ જેવુ પડશે પણ બાકીનું પેપરવર્ક તથા પેમેન્ટ વગેરે ઓનલાઈન થઈ શકશે. આના લીધે વચેટીયાઓ અને ભ્રષ્ટાચારને પણ દૂર કરી શકાશે.'

અત્યારે મોટાભાગની આરટીઓ કચેરીઓમાં સ્ટાફની ૪૦ ટકા અછત છે. નવા લાયસન્સ મેળવવા માટેની એપોઈન્ટમેન્ટમાં મહિનાઓ લાગી જાય છે. અમદાવાદમાં અત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનું વેઈટીંગ લીસ્ટ બે મહિનાથી પણ વધારે લાંબુ છે. આ સમયગાળો ઘટાડવા માટે રાજ્ય સરકારે હવેથી રવિવારે પણ આરટીઓ કચેરીઓ  ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

(11:11 am IST)