Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાકિસ્તાનનો કાશ્મીર મુદે વધુ એક પરાજય

યુએનએચઆરસીમાં સભ્ય દેશોનો સાથ ન મળ્યોઃ નાપાક ઇરાદા ચકનાચુર

જીનેવા, તા.૨૦: જમ્મુ અને કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની વધુ એક કૂટનીતિક હાર થઈ છે. યુરોપીયન યુનિયન તરફથી ફટકાર લગાવાયા બાદ સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ ના મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનનો સાથ આપવાની ના પાડી દીધી છે. UNHRCમાં પાકિસ્તાન  જમ્મુ અને કાશ્મીર મુદ્દે સંકલ્પ રજુ કરવા માંગતું હતું પરંતુ તે તેના માટે જરૂરી સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયું. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

નિર્ધારીત સમય મર્યાદાની અંદર પાકિસ્તાન જરૂરી સભ્યોનું સમર્થન પત્ર UNHRCનેસોંપી શકયો નહીં. UNHRCના મોટાભાગના સભ્ય દેશોએ જમ્મુ કાશ્મીર મુદ્દે સંકલ્પ રજુ કરવાના પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કરવાની ના પાડી દીધી. જેના કારણે પાકિસ્તાનના નાપાક મનસૂબા પર પાણી  ફરી ગયું છે.

સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના પ્રથમ સચિવ કુમમ મિની દેવીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતની સંપ્રભુતા અને આંતરિક મામલો છે. પાકિસ્તાન ખોટી દાનતથી સરહદની ખોટી વ્યાખ્યા કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (POK)માં અન્યાય બધી મર્યાદા તોડી રહ્યો છે. અટકાયતમાં લઈને રેપ, હત્યા જેવી વારદાતોને અંજામ આપવામાં આવી રહ્યો છે. એકિટવિસ્ટ અને પત્રકારોના માનવાધિકારોનો ભંગ ત્યાં સામાન્ય વાત છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને ગુરુવારે મોડી રાત સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયનું પૂરતું સમર્થન મળ્યું નથી. પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સમુદાય પાસે કાશ્મીર મુદ્દે સમર્થન માટેની દરેક શકય કોશિશ કરી રહ્યું છે. આ બાજુ તેને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)નું પણ સમર્થન મળી શકયું નથી. ભારતના કૂટનીતિક પ્રયાસોની સફળતા અહીં સ્પષટપણે જોઈ શકાય છે.

 અત્રે જણાવવાનું કે બુધવારે ૧૮ સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર પર યુરોપિયન યુનિયને પાકિસ્તાનને ખુબ જ ફટકાર લગાવી. પોલેન્ડે આકરા તેવર અપનાવતા કહ્યું કે ભારતમાં આતંકીઓ ચંદ્ર પરથી નથી આવતા પરંતુ પાકિસ્તાનમાંથી આવે છે. પોલેન્ડે આ વાત ઈયુની સંસદમાં કહી. આ બાજુ ઈટલીએ કહ્યું કે પાકિસ્તાની આતંકીઓ યુરોપમાં હુમલાની યોજના ઘડી રહ્યાં છે. ફ્રાન્સના સ્ટ્રોસબર્ગમાં યુરોપીય સંદ્યની સંસદે બુધવારે ગત ૧૧ વર્ષોમાં પહેલીવાર કાશ્મીર પર ચર્ચા કરી અને ભારતને પોતાનું સમર્થન જાહેર કર્યું. અહીં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે વાતચીત થઈ. આ અગાઉ ૨૦૦૮માં અહીં કાશ્મીર મુદ્દો ઉઠયો હતો.(૨૩.૨)

 

(11:11 am IST)