Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારૂની મહેફિલમાં ૧૦ પીધેલા મળ્યાઃ ધરપકડ બાદ જામીન મુકતઃ નિવૃત ડીવાયએસપી સહિત ૨૦ના બ્લડ સેમ્પલ લેવાયા

એસીપીએ રાત્રે 'પોપટવાણી' મુજબ વિગતો આપીઃ મહેફિલમાં ૩૦ જ લોકો હતાં: પાંચ પાસે પરમિટ હતીઃ વંડી ઠેંકીને કોઇ ભાગી ગયું કે કેમ? તેનો જવાબ આપવાનું ટાળ્યું : એસઓજીના નિવૃત એએસઆઇ રાજભા વાઘેલાએ પોતાના જન્મદિવસ નિમીતે આયોજન કર્યુ હતું: તેણે કહ્યું-મેં માત્ર જમવાની પાર્ટી રાખી હતી, કોઇ પોતાની રીતે બહારથી પીને આવ્યા હોય તો મને ખબર નથીઃ કુવાડવા પી.આઇ. એમ.આર. પરમારે ફરિયાદી બની ગુનો દાખલ કરી કાર્યવાહી કરી

ભારે થઇ ગઇ...જ્યાં દરોડો પડ્યો તે ક્રિષ્ના વોટર પાર્કનો ગેઇટ, બહાર પોલીસની ગાડીઓ, મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતાં એકઠા થયેલા મિડીયા કર્મચારી, નિવૃત એએસઆઇ રાજભા વાઘેલાને જન્મદિવસ નિમીતે શુભેચ્છા રૂપે મળેલા બૂકે, તથા અન્ય તસ્વીરોમાં પોલીસની કાર્યવાહીના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં શહેર એસઓજીના નિવૃત એએસઆઇ રાજભા ખાનભા વાઘેલાના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી મળતાં  ડીસીપી ઝોન-૧, એસીપી ઉત્તરની રાહબરી-સુચના હેઠળ કુવાડવા પોલીસ, બી-ડિવીઝન પોલીસ, એ-ડિવીઝન પોલીસે દરોડો પાડતાં   ભારે ઉહાપોહ મચી ગયો હતો. જન્મદિવસની પાર્ટીમાં પોલીસ ચોપડે થયેલી નોંધ મુજબ ૩૦ લોકો હતાં. જેમાં સૂર્યકાંત હોટેલવાળા તખુભા તલાટીયા સહિત ૧૦ લોકો કેફી પ્રવાહી પીધેલા જણાતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરાયા હતાં. કાયદેસરની કાર્યવાહી બાદ આ તમામને જામીન મુકત કરવામાં આવ્યા હતાં. બાકીના ૨૦ લોકો નશો કરેલા જણાયા નહોતાં. આમ છતાં તમામના બ્લડ સેમ્પલ લેવડાવાયા હતાં. અમુક વંડી ઠેંકીને ભાગી ગયાની અને અમુક મિડીયા કર્મચારીઓ પણ પાર્ટીમાં સામેલ હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે પોલીસે સત્તાવાર રીતે આ વાતને કોઇ સમર્થન આપ્યો નથી.

જે દસ લોકો નશો કરેલા પકડાયા તેની સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં પ્રોહીબિશન કલમ ૬૬-૧-બી મુજબ ગુનો નોંધાયો છે.    કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.આર. પરમારે એફઆઇઆર દાખલ કરાવી છે તેમાં જણાવ્યું છે કે, 'અમે ૧૯મીએ સાંજે સાડા આઠેક વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર હતાં ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્કમાં કોઇ નિવૃત એએસઆઇના જન્મ દિવસની પાર્ટી ચાલી રહી છે અને તેમાં અમુક લોકો દારૂ પીધેલી હાલતમાં છે તેવી ચોક્કસ હકિકત હતી. આથી અમે એસીપી ઉત્તરને જાણ કરી હતી. તેમની સુચનાથી બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એ-ડિવીઝન એસ.વી. સાખરા, કુવાડવા પીએસઆઇ એમ. કે. ઝાલા, બી-ડિવીઝન પી.એસ.આઇ. એમ. એફ. ડામોર તથા ડી. સ્ટાફના માણસો તેમજ પીએસઆઇ આર. પી. મેઘવાળ, પીએસઆઇ આર. એલ. ખટાણા સહિતનો સ્ટાફ રેઇડ માટે પહોંચ્યા હતાં.'

પી.આઇ. એમ.આર. પરમારે ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, 'અમે સાડા નવેક વાગ્યે કુવાડવા ક્રિષ્ના વોટર પાર્ક પાસે પહોંચ્યા હતાં. બે પંચોને હકિકતથી વાકેફ કરી વોટર પાર્કની અંદર ગાડીઓ જવા દીધી હતી. ત્યાં ગાર્ડન જેવા ભાગમાં અમુક માણસો જમતાં હતાં. જેમાંથી અમુક માણસો અમને પોલીસને જોઇ ભાગવા જતાં પોલીસની ટીમે કોર્ડન કરી પકડી લીધા હતાં અને બેસાડી દીધા હતાં. તેમજ તે લોકોને જે તે સ્થિતિમાં બેસાડી દેવાયા હતાં. જેઓએ ભાગવાની કોશિષ નહોતી કરી તેઓને પણ જે તે સ્થિતિમાં બેસવાની સમજ આપી હતી.'

ફરિયાદમાં પી.આઇ. શ્રી પરમારે આગળ નોંધાવ્યું છે કે અમે હાજર તમામ ૩૦ લોકોના મોઢા સુંઘવાની કાર્યવાહી કરી હતી. જેમાંથી ૧૦ લોકોના મોઢામાંથી કેફી પ્રવાહી પીધાની ખાટી અને તિવ્ર વાસ આવતી હોઇ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બાકીના ૨૦ના મોઢા પણ સુંઘવામાં આવ્યા હતાં. જેણે કેફી પ્રવાહી પીધું ન હોવાનું જણાયું નહોતું.

પાર્ટીમાં હાજર તમામની પુછતાછ થતાં તેણે કહ્યું હતું કે રિટાયર્ડ એએસઆઇ રાજેન્દ્રસિંહ વાઘેલાની જન્મદિવસની પાર્ટીમાં તેઓ આવ્યા છે. વોટર પાર્કમાં સર્ચ કરતાં દૂર દિવાલ પાસેથી ટુબર્ગ કંપનીના બે બિયરના ખાલી ટીન મળ્યા હતાં. જેની કિમત ૦૦-૦૦ ગણી કબ્જે કર્યા હતાં. વોટર પાર્કની બહાર પાર્ક કરાયેલી ગાડીઓના ફોટા પણ લેવડાવવામાં આવ્યા છે.

જે ૧૦ લોકો કેફી પ્રવાહી પીધેલા પકડાયા છે તેની પાસે પાસ પરમીટ માંગતા ન હોવાનું કહ્યું હતું. જેથી ગુનો નોંધી રાત્રે ૧-૧૦ કલાકે અટક કરવામાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમ ફરિયાદના અંતમાં જણાવાયું છે. એફઆઇઆરમાં જેની સામે ગુનો નોંધાયો તે ૧૦ના નામ છે અને જે પીધેલા જણાયા નથી તે ૨૦ના પણ નામ છે. આ ૨૦ના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવ્યા છે.

બીયરના બે ખાલી ટીન મળ્યા તે કબ્જે

વોટર પાર્કમાં પોલીસે સર્ચ કરતાં દૂર દિવાલ પાસેથી ટુબર્ગ કંપનીના બે બિયરના ખાલી ટીન મળ્યા હતાં. જેની કિમત ૦૦-૦૦ ગણી કબ્જે કર્યા હતાં.

બહાર પાર્ક કરાયેલી કારના ફોટા લેવડાવાયા

દરોડો પાડનાર પોલીસની ટીમે વોટર પાર્કની બહાર જેટલી કાર પાર્ક કરવામાં આવી હતી તેના ફોટા પણ લેવડાવ્યા હતાં.

દારૂ કે બીયર મળ્યો નથી

પોલીસે વોટર પાર્કના ગાર્ડનમાં સર્ચ કરતાં કયાંયથી દારૂ કે બીયર મળ્યા નહોતાં. ઝડપાયેલા લોકો પાસેથી પણ આવા કોઇ પીણા મળ્યા નથી.

અમે દરોડો પાડતાં અમુકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, તેને કોર્ડન કરીને પકડી લેવાયા હતાં: પી.આઇ. પરમાર

કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ.આર. પરમારે જણાવ્યું હતું કે અમે બાતમી મળતાં દરોડો પાડ્યો હતો. તે સાથે જ બગીચા જેવા ભાગમાંથી અમુક લોકો ઉભા થઇ ભાગવા જતાં અમે કોર્ડન કરી પકડી લીધા હતાં અને જે તે સ્થિતિમાં બેસી જવા સુચના આપી હતી. તેમજ બીજા લોકો જે બેઠેલા હતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો નહોતો. અમે દરોડો પાડ્યો એ પહેલા કોઇ ભાગી ગયું હોય તો અમને ખબર પડી નથી.  જેણે નશો કર્યો હતો એ દસની ધરપકડ કરવામાં આવી હતી અને વહેલી સવારે કાર્યવાહી પુર્ણ થયા બાદ જામીન મુકત કરવામાં આવ્યા છે. એએસઆઇ રાજભા વાઘેલાએ કહ્યું હતું કે મેં માત્ર ભોજનનું આમંત્રણ આપ્યું હતું. કોઇ પીને આવ્યું હોય તો મને ખબર નથી. અમે દારૂની પાર્ટી યોજી નહોતી.

પોલીસે જે ૧૦ના મોઢા સુંઘી પીધેલાનો કેસ કર્યો તેના નામ અને સરનામા

પકડાયેલાઓની ઉમર ૪૦ થી ૬૫ વર્ષ સુધીનીઃ એક રિટાયર્ડ આર્મીમેન, સૂર્યકાંત હોટેલવાળા તખુભા તલાટીયા પણ નશો કરેલી હાલતમાં મળ્યા

(૧) જયેન્દ્રસિંહ ભુપતસિંહ ગોહિલ (ઉ.૬૦-રહે. હસનવાડી શેરી નં. ૨, રાજકોટ)

(૨) સુખદેવસિંહ નટવરસિંહ ચોૈહાણ (ઉ.૫૧-રહે. રામધામ-૧ કાલાવડ રોડ રાજકોટ)

(૩) ભરતભાઇ હરિશંકરભાઇ ભરાડ (ઉ.૬૩-રહે. 'ઘનશ્યામ', યુનિયન બેંક સોસાયટી એરોડ્રામ રોડ ફાટક પાસે રાજકોટ)

(૪) હર્ષદભાઇ હરિભાઇ ઝાલા (ઉ.૬૮-રહે. પૂજા પાર્ક એપાર્ટમેન્ટ, વિકાસ નગર રોડ, પાલડી અમદાવાદ)

(૫) કૃષ્ણરાજસિંહ દાદુભા જાડેજા (ઉ.૬૧-રહે. બજરંગવાડી-૩, કોપરસીટી જામનગર રોડ, રાજકોટ- રિટાયડ આર્મીમેન)

(૬) તખુભા રામસિહ તલાટીયા (ઉ.૬૩-રહે. ઇન્દ્રપ્રસ્થનગર, સૂર્યોદય ઉપાશ્રયવાળી શેરી, રાજકોટ)

(૭) જયંતિભાઇ લક્ષમણભાઇ તલસાણીયા (ઉ.૬૩-રહે. જનકપુરી કોમ્પલેક્ષ બ્લોક નં. ૬૪/૧૦ યુનિવર્સિટી રોડ, રાજકોટ)

(૮) રમેશ ઘોઘાભાઇ સિંધવ (ઉ.૪૦-રહે. સંત કબીર રોડ પાંજરા પોળ પાસે, રાજકોટ)

(૯) ચંદ્રકાંતભાઇ અમરચંદ મહેતા (ઉ.૬૫-રહે. રાજશ્રી ટોકિઝ પાસે, ૨૧-પ્રહલાદ પ્લોટ, રાજકોટ)

(૧૦) રમણિક લક્ષમણભાઇ ઝીંઝવાડીયા (ઉ.૫૨-રહે. માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર નં. ઇ-૨/૨-રાજકોટ)નો સમાવેશ થાય છે. આ તમામની ધરપકડ કરી બ્લડ સેમ્પલ લેવડાવાયા હતાં. ધરપકડની કાર્યવાહી બાદ વહેલી સવારે તમામને પોલીસ મથકમાં જ જામીન મુકત કરવાની કાર્યવાહી થઇ હતી.

(3:10 pm IST)
  • વિરામ બાદ ફરી રાજકોટમાં મેઘરાજાનું આગમનઃ સાંજે ૫ વાગ્યા સુધીમાં ૦ાા ઈંચ પડી ગયો શહેરના સદર બજાર, ત્રિકોણબાગ, શાસ્ત્રી મેદાન, રેસકોર્ષ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી ગયોઃ અસહ્ય બફારા બાદ ઠંડક પ્રસરી : ફાયરબ્રિગેડમાં નોંધાયા મુજબ સાંજે ૫ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોન એટલે કે મધ્ય રાજકોટમાં ૧૨ એમ.એમ., વેસ્ટ ઝોન એટલે કે નવા રાજકોટમાં ૧૦ એમ.એમ. અને ઈસ્ટ ઝોન એટલે કે સામાકાંઠે ૮ એમ.એમ. આ મુજબ વરસાદ નોંધાયેલ : આમ, સાંજે રાજકોટમાં હળવા - ભારે વરસાદી ઝાપટાથી ૫ વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ થયાની નોંધ સત્તાવાર રીતે થઈ છે : વરસાદને કારણે ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી access_time 5:53 pm IST

  • રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવા સરકારનો નિર્ણય : રાજકોટઃ નવા નિયમોની અમલવારી માટે વાહન ચાલકો આરટીઓ કચેરીએ ઉમટી પડતા હોય લોકોની સરળતા માટે હવે રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રખાશે. access_time 6:59 pm IST

  • જામનગર : વકીલ કિરીટ જોશી હત્યા કેસના ભાગેડુ આરોપી જયેશ પટેલની ચાર કાર સહિત ચાર કરોડની મિલ્કત જપ્ત કરતી પોલીસ : કુલ 37 મિલ્કત પર તંત્રની વોચ : કેટલીક મિલ્કતમાં ભાડુઆત હોવાથી નોટિસ ફટકારી access_time 8:09 pm IST