Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રાફેલ અને એનપીએને લઇ રાહુલ ખોટું બોલી રહ્યા છે

રાહુલ ગાંધી મુરખ રાજકુમાર છે : જેટલી : એક બાબતને વારંવાર ખોટીરીતે રજૂ કરી રહ્યા છે : જેટલી

નવી દિલ્હી, તા.૨૦ : નાણામંત્રી અરુણ જેટલીએ રાફેલ ડીલ અને નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)ને લઇને રાહુલ ગાંધી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. જેટલીએ કોંગ્રેસ પ્રમુખને મુરખ રાજકુમાર અથવા તો (ક્લાઉન પ્રિંસ) તરીકે ગણાવીને તેમની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, રાહુલ આ બંને વિષય ઉપર સતત ખોટુ બોલી રહ્યા છે. જેટલીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી એ રણનીતિ ઉપર કામ કરી રહ્યા છે. જે જુઠ્ઠાણા ઉપર આધારિત છે અને તેને વારંવાર બોલવામાં આવે છે. જેટલીએ કહ્યું હતું કે, રાફેલને લઇને તેમના દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો રાહુલ તરફથી જવાબ આવ્યો નથી. જેટલીએ ફેસબુક ઉપર એક વિસ્તૃત નોટ લખીને રાફેલ અને એનપીએ ઉપર તેમને જવાબ આપ્યા છે. જેટલીએ લખ્યું છે કે, રાહુલ બે સફેદ જુઠ્ઠાણા બોલી રહ્યા છે. રાફેલ ડિલને લઇને અને ૧૫ ઉદ્યોગપતિઓની અઢી લાખ કરોડ રૂપિયાની લોન માફીને લઇને ખોટુ બોલી રહ્યા છે. આ બંને આક્ષેપમાં રાહુલ ગાંધીની દરેક બાબત ખોટી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ એનપીએની વધતી સમસ્યાને લઇને મોદી સરકાર ઉપર પ્રહારો કરી રહી છે. નાણામંત્રીએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, રાહુલ ઉદ્યોગપતિઓને જે લોન માફીની વાત કરી રહ્યા છે તે વર્ષ ૨૦૧૪ પહેલા થઇ હતી. જેટલીએ કહ્યું હતું કે, યુપીએની સરકાર ગઇ તે વખતે એનપીએનો આંકડો ૨.૫ લાખ કરોડ રૂપિયાનો હતો. આ વાસ્તવિકતા છે કે, એનપીએ કાર્પેટની અંદર છુપાયેલી બાબત છે. ૨૦૧૫માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એક એસેટ ક્વાલીટી રિવ્યુની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેટલીએ કહ્યું હતું કે, પારદર્શીરીતે જ્યારે બેંકોએ કબૂલાત કરી ત્યારે જાણવા મળ્યું કે, એનપીએનો આંકડો ૭.૯૬ લાખ કરોડ રૂપિયાનો હતો. એનપીએની રિકવરી અથવા તો કમી માટે યુપીએ સરકારમાં કોઇ પ્રભાવશાળી પગલા લેવામાં આવ્યા ન હતા. જેટલીએ રાહુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાફેલ અને એનપીએ બંને મામલે રાહુલ ખોટું બોલી રહ્યા છે.

(7:30 pm IST)