Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મુંબઇમાં શાળાની પરમિશન વગર પર્યુષણ નિમિતે રજા રાખનાર ૩૨ વિદ્યાર્થીઓને સ્‍કૂલમાંથી હાંકી કઢાયા

મુંબઇઃ મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલ એક શાળામા 32 વિદ્યાર્થીઓ મંજૂરી વગર પર્યુષણપર્વ નિમિતે શાળામાં રજા પાડતા તેમને ત્રણ દિવસ માટે સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. સોમવારથી બુધવાર સુધી આ તમામ જૈન વિદ્યાર્થીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા. જોકે, ભૂતકાળમાં શાળાએ આ મામલે થોડું નરમ વલણ અપનાવ્યું હતું પણ આ વખતે સ્કૂલે શિસ્તપાલનને લઇને કડક પગલા લીધા છે. જો શાળામાંથી કોઇ સામાજિક કે ધાર્મિક કારણોસર રજા જોઇતી હોય તો સ્કૂલના સત્તાધીશોની પરવાનગીથી રજા મંજૂર કરવામાં આવે છે. પરંતુ, આ માટેની જાણ શાળાને અગાઉથી કરવાની રહે છે. શાળાના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, ગત અઠવાડિયે પર્યુષણપર્વને લઇને છ થી આઠ દિવસની રજા વિદ્યાર્થીઓએ પાડી હતી

શાળાના ટ્રસ્ટી રોહન ભટ્ટે જણાવ્યું હતું કે, શાળામાં 1600થી વધારે જૈન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમને બીજા વિદ્યાર્થીઓ સાથી બીજો કોઇ વાંધો નથી. વાલીઓએ શાળાની મંજૂરી લેવા માટે જણાવ્યું હતું અને પછી શાળા રજા આપે છે. એ તમામ વિદ્યાર્થીઓને ખોટી રજા બદલ ત્રણ દિવસ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે. શાળાની વાલી સાથેની મિટિંગમાં રજા માટેની ચોખવટ કરવામાં આવે છે, કેટલાક વાલીઓએ શાળા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ધાર્મિક ગ્રૂપનો સંપર્ક કર્યો છે. આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ શહેરની બહાર જઇને પોતાના ઉપવાસ કરે છે અને ધાર્મિક ભાષણો આપે છે તથા સંતોના ભાષણમાં ભાગ લે છે.

શાળાના આચાર્યએ દાવો કર્યો હતો કે, વિદ્યાર્થીઓ સંતોના આદેશ આ પરંપરા અને ઉપવાસને અનુસરે છે. પર્યુષણપર્વને લઇને મુંબઇ જૈન સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. જેમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધીના વર્ગનો સમાવેશ થાય છે. શાળાના સત્તાધીશોને વિદ્યાર્થીઓનું સસ્પેનશન રદ કરવા માટે પત્ર લખીને અપીલ કરવામાં આવી હતી. કારણ કે સસ્પેડ કરવાથી વિદ્યાર્થીઓના ભણતરને સીધી અસર થઇ રહી છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પણ માનસિકતાણનો સામનો કરી રહ્યા છે.

એક સભ્યએ જણાવ્યું હતું કે, આગામી વર્ષથી પર્યુષણપર્વની રજામાં વધારો કરવા માટે શાળાને સલાહ આપવામાં આવી છે. ત્રણ દિવસની રજા પાંચ દિવસ સુધી કરવા સૂચન આપવામાં આવ્યું છે. આ માટે શાળાને લેખિતમાં અરજી કરવામાં આવી છે. જોકે, શાળાએ પણ ખાતરી આપી હતી કે, આ અંગે કમિટી સાથે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. ભટ્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ અરજીને ગંભીરતાથી ધ્યાને લઇને વિચારણા કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને અગાઉથી રજાનો એક લાભ મળી શકે.

(5:07 pm IST)