Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ખુશખબર...PPF-NSC-સુકન્યા સમૃધ્ધિ સહિત નાની બચતના વ્યાજદરમાં વધારો

કેન્દ્ર સરકારે ઓકટોબરથી ડિસેમ્બર સુધીના ગાળા માટે વિવિધ નાની બચતોના વ્યાજદરમાં ૦.૪ ટકા સુધીનો વધારો જાહેર કર્યો : PPF - NSC પર હવે ૭.૬ને બદલે ૮ ટકા વ્યાજ મળશે : KVPમાં ૭.૭ ટકા વ્યાજ, ૧૧૨ માસની મુદ્દત : સુકન્યા યોજનામાં ૮.૫ ટકા વ્યાજઃ ૫ વર્ષની લોંગ ટર્મ ડીપોઝીટ પર ૭.૮ ટકા, રીકરીંગ ડીપોઝીટ પર ૭.૩ ટકા અને સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમમાં મળશે ૮.૭ ટકા વ્યાજ

નવી દિલ્હી તા. ૨૦ : નાની બચત યોજનાઓમાં રોકાણ કરતા લોકો માટે આ ખુશખબરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) અને પીપીએફ સહિત અનેક નાની બચત સ્કીમો માટે ઓકટોબર - ડિસેમ્બર તિમાહીમાં વ્યાજદર વધારી દીધો છે. દરેક સ્કીમો પર ૦.૪ ટકા સુધીનો વધારો કર્યો છે. નાની બચત યોજના માટે વ્યાજદરો તિમાહી આધાર પર સંશોધિત કરવામાં આવ્યા છે. પીપીએફ અને એનએસસી પર હવે વર્ષના ૮ ટકાના દરથી વ્યાજ મળશે.

નાણામંત્રાલયે જાહેર કરેલા નિયમમાં કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની ત્રીજી ત્રીમાહી માટે વિવિધ નાની બચત યોજનાઓની વ્યાજદરો સંશોધિત કરવામાં આવે છે. પાંચ વર્ષની ફિક્ષ ડિપોઝીટની સાવધી જમા, આવર્તી જમા અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાની વ્યાજદરો વધારીને ક્રમશઃ ૭.૮ ટકા, ૭.૩ ટકા અને ૮.૭ ટકા કરવામાં આવી છે.

જોકે, બચત જમા માટે વ્યાજદર ચાર ટકા યથાવત છે. પીપીએફ અને એનસીસી પર હાલમાં ૭.૬ ટકાની જગ્યાએ હવે ૮ ટકાના વર્ષના દરથી વ્યાજ મળશે.

કિસાન વિકાસપત્ર પર હવે ૭.૭ ટકાની દરથી વ્યાજ મળશે અને હવે તે ૧૧૨ સપ્તાહમાં પરિપકવ રહેશે. સુકન્યા સમૃધ્ધિ ખાતા માટે સંશોધિત વ્યાજ દર ૮.૫ ટકા રહેશે. એકથી ત્રણ વર્ષની સાવધી જમા પર વ્યાજ દરમાં ૦.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ તમામ બચત યોજનાઓ પર અલગ-અલગ લોક-ઇન પીરિયડ છે, જેના કારણે લોકો નક્કી કરેલા સમયગાળા સુધી રોકાણ કરે છે અને ત્યારબાદ તે પોતાની જમા રકમ ઉપાડી શકાય છે. જોકે સરકાર પી.પી.એફ. સહિત તમામ યોજનાઓ માટે કાયદામાં પરિવર્તન કરવા જઇ રહી છે. જેના કારણે આ પ્રકારના તમામ નાના બચત ખાતાઓ બેન્કોમાં ચાલનારી સામાન્ય બચત ખાતામાં પરિવર્તિત થશે.

પી.પી.એફ. માં હાલમાં ૧૫ વર્ષનો લોક-ઇન પીરિયડ છે, જેમાં ૭ વર્ષ પછી ચાર વર્ષ સુધી જમા કુલ રકમની ૫૦ ટકા રકમ નીકાળી શકાય છે. આ યોજનામાં પાંચ વર્ષ પછી ખાતું બંધ કરાવી શકાય છે, પરંતુ ત્યારબાદ વ્યાજ નહીં મળે.

સ્મોલ સેવિંગ્સ એકટની સમાપ્તિ બાદ જે એકાઉન્ટ્સ પર સૌથી વધુ અસર પડશે, તેમાં પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ, નેશનલ સેવિંગ મંથલી ઇન્કમ, નેશનલ સેવિંગ આરડી એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ઘિ એકાઉન્ટ, નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ (૧,૨,૩ અને ૫ વર્ષ), સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કિમ, એનએસસી, પી.પી.એફ. અને ખેડૂત વિકાસ પત્ર સામેલ છે.

સરકાર જે નવો કાયદો લઇને આવશે, તે મુજબ ખાતાધારક કોઈ પણ ઇમર્જન્સીના સમયે ખાતામાંથી પૈસા અથવા તો એકાઉન્ટને બંધ કરાવી શકશે. સરકારનું માનવું છે કે આ કરવાથી વધુમાં વધુ લોકો આ પ્રકારની નાની બચત યોજનાઓમાં રોકાણ કરશે.

(3:28 pm IST)