Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

બહારવટામાં પણ નીતિ ધર્મ ચુસ્ત પાલન કરાતુ... કોઇ દુઃખિયાના બેલી બની બેસતા : આવા જ નોખી માટીના માણસ એટલે મુળુ માણેક

કાઠિયાવાડની ધરતી પર અનેક બહારવટિયાઓ એકે એક દેશી રજવાડામાં થયા હતા. એમાંના મોટા ભાગના તો પોતાના કોઈ અન્યાય કે પારકાના અન્યાયને લઈને પણ બહારવટે ચડેલા ને અંગ્રેજો અને રાજાઓને મોઢે ફીણ લાવી તોબા પોકારાવી દીધા હતા. એવા એક નેક દિલ અને ઓખાનો રાજા ગણાય એવા મૂળુ માણેકના બહારવટાના એક પ્રસંગની આજ વાત માંડવી છે.

પરદુઃખભંજન ઓખામંડળના જોધો માણેક અને મૂળુ માણેક કઇક આવુ જ  બહારવટુ ખેડતા હતા. આ વાઘેર બહારવટિયાઓને ગાયકવાડ સરકાર અને અંગ્રેજોએ અન્યાય કર્યો અને બેટ દ્વારકા અને દ્વારકા પર તોપું મુકાણી ને મંદિરો પણ ઉડાવી દેવાયા ત્યારે આ વાઘેરોએ જબરી ટોળી ઊભી કરીને બ્રિટિશ સરકારની શાન ઠેકાણે લાવવા અનેક લાંઘણો કરી ઉજાગરા ને રજળપાટ કરી બહારવટું આદર્યું, આ બહારવટામાં નીતિ ધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું જેમાં  સ્ત્રી,બ્રાહ્મણ,ચારણ,વિષ્ટિકાર કે નબળાને કદી રંજાડવામાં આવતા નહિ.

એના બહારવટાનો એકે એક પ્રસંગ જોવો તો આજે પણ આપણને તેની ખાનદાની અને રખાવટ પર ઓળઘોળ થઇ જવાનું મન થઇ જાય! મૂળુ માણેક વડોદરાની જેલ તોડીને પાછો કાઠિયાવાડમાં આવ્યો છે ને માધવપુરના માધવરાયના મંદિરના દરવાજા ખોલાવી પોક મૂકી રડેલો એ મૂળુ માણેક. પોરબંદર પંથકના ગામડાઓ ધમરોળી રહ્યો છે,લોકો તેને ઓખાનો રાજા માની રહ્યા છે,બરાબર આવે સમયે એક વિધવા બાઈ સુતારના દીકરાનું સગપણ થયેલું પણ તેને તેની સાથે ન પરણાવતા જેને બીજે દેવાય ગઈ છે. સવેલી ઉપાડયા જેવું બન્યું છે.

સુતારની આંખમાંથી ઊંઘ ઉડી ગઈ છે રાત દિવસ સુતાર તો વિચારો જ કર્યા કરે છે કે જો આ લગન નહિ થાય તો મારી વિધવા માને તો બિચારીને આખી જિંદગી દુઃખના જ દાડા રહેશે,આથી બિચારો આના માટે દરદર ભટકી પોતાને થયેલા અન્યાયની વાતો માંડી રહ્યો છે, પણ દરેક તેને ઠીક લાગે એવા રસ્તા બતાવે ને આશ્વાસનો આપે છે. છેવટે સુતારે પોતાની નાતને પણ વાત કરી,નાત પટેલના કહ્યા મુજબ રૃપિયા ભર્યાને જમણવાર કર્યો પણ છતાં સુતારનું કામ થયું નહિ ત્યારે બિચારાને થયું કે હવે તો પોરબંદર જઈને મહારાણા વિકમાતજીને આ સામાજિક અન્યાયની વાત કરું તો કાંક મારું ગાડું ગબડેને સામાવાળા ઢીલા પડે,પરંતુ રાજ તો આવા કામમાં શેનું આડું પડે. સુતાર તો ગયો છાયાના દરબારગઢમાં ને માંડીને વાત કરી તો રાજવાળા એ સાંભળીને કહે અરે ભાઈ! તારી નાતના કામમાં રાજને વચે પાડીને તું શું કામ અમારો સમય બગાડે છે.

આવું સાંભળી બિચારો સુતાર લાચાર બની પાછો દરબારગઢમાંથી પોચા પગલે વળી રહ્યો છે ત્યારે તેને ઓખામંડળ બહારવટિયાઓ પોતાની મદદે આવશે એવું ઓહાણ આવ્યું તો એ ગામેગામથી મૂળુ માણેકના ઠામ ઠેકાણા પૂછતો આવ્યો અને મૂળુ માણેકના પડાવના ઠેકાણે પહોંચ્યો ત્યાં તો ચોકી કરતા પહરેદારને અચરજ લાગી કે આ સુતાર વળી અહીં શું કામ આવ્યો હશે ? આપણે કયા ગઢના કમાડો અહીં ઘડાવવા છે? નજીક આવીને સુતાર માંડીને વાત કરે છે કે હું બધેથી હારીને આવ્યો છું ને મને અન્યાય થયો છે આ બાબતે મને મદદ કરો, ત્યારે પેલા તો મૂળુ માણેક ખિજાયો કે શું અમે કોઈને પરણાવવા નીકળ્યા છીએ જા જા. પણ આખરે સુતારની લાંબી અને મનદુઃખી વાત સંભાળતા મૂળુ માણેકનું દિલ પીગળી ગયું કે લે સુતાર હું હવે તારું દુઃખ ભાંગુ નહિ ને તને ત્યાં જ પરણાવું નહિ તો વાઘેર મટી જાવ બસ.

વળી પાછો મૂળુ માણેકના મનમાં વિચાર આવ્યો કે કયાંક આમાં અવળું ન કરી બેસું હો નહીતર માધવરાય મારી ભેગા નહિ રહે, તો સુતારને પૂછ્યું કે હેં સુતાર કન્યાને તો તારી સાથે પરણવાની ઈચ્છા છે કે નહિ ? સુતાર કહે હા બાપુ એ તો પરણવા રાજી જ છે .

મૂળુ માણેકે સુતારને પરણાવવાના વચનને સીલ માર્યું અને કહ્યું અમારી એક શરત તારે પાળવી પડશે. અમે તને પરણાવશું ખરા પણ તારે પરણ્યાની પેલી રાત સિવાય વધુ એક રાત પણ ઘરે રહેવાનું નહિ. અને અમારી સાથે જ પછી હાલી નીકળવું પડશે. સુતાર થોડો ખંચકાયો પણ સામાવાળાની ખીજ અને પોતાની મનની માનેલીને સવેલી બનાવી કોઈ ન ઉપાડી જાય માટે મંજૂર થઇ ગયો.

વાઘેર બહારવટિયાઓએ સુતાર પાસેથી બધું જાણી લીધું કે જે દી જાન નીકળે તે દી જ વચેથી રોકી લેવીને એ જ કન્યા સાથે સુતારને પરણાવવો. હવે બહારવટિયાઓ ઓડા બાંધી બેઠા છે ત્યાં તો લગન ગીતના જકોર બોલતા સાંભળ્યાં ને તરત બધા બહારવટિયા જાનને ઘેરી વળ્યા કે ખબરદાર કોઈ દેકારો મચાવતા નહિ વરરાજાનું જ અમારે કામ છે એમ કહી વરરાજા પાસે આવી તેના શરીરેથી તમામ શણગાર ઉતરાવી લીધોને, એ બિચારા પેલા ગરીબડા સુતારને પહેરાવ્યો, પેલો વરરાજો તો બિચારો નિમાણો થઇ પડ્યો સામે બહારવટિયા ઊભા છે કશું બોલે તો ચગચગતિયું સગી ન થાય એ જાણે છે.

આ રીતે સુતારને શણગારી વરરાજો બનાવી જાનડિયું પાસે પાછા ગીત ગવરાવી પેલી સવેલી ઉપાડી જનારની જ બેન પાસે લુણ ઉતરાવી સુતારને ચાર ફેરા ફેરવ્યા ને સુતારને થયેલ અન્યાય રોકાવ્યો.

વિશેષ નોધઃ આ વાઘેર બહારવટિયામાં જોધો માણેક ગીરમાં તાવને કારણે મૃત્યુ પામ્યો જે જગ્યા આજે જોધા આંબલી તરીકે ઓળખાય છે અને તેના બે ભત્રીજામાં દેવા માણેકનું મોત માછરડાની ધાર પરની તા.૨૯-૧૨-૧૮૬૭ની લડાઈમાં થયું ને મૂળુ માણેકનું મોત પોરબંદર પાસેના વાછોડા ગામના ધિંગાણામાં તા. ૭-૫-૧૮૬૮ના રોજ થયું. (સ્ત્રોત-લોકકથાની વાતો) (૧૬.૨)

- ડો.પ્રદ્યુમ્ન ખાચર

(12:13 pm IST)
  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST

  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST