Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જેટ એરવેઝની મુંબઇ - દિલ્‍હી ઓફિસમાં IT સર્વે

જેટ એરવેઝે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં રૂા. ૧,૩૦૦ કરોડની રેકોર્ડ ખોટ કરી હતી

નવી દિલ્‍હી તા. ૨૦ : આવકવેરા વિભાગે બુધવારે જેટ એરવેઝની મુંબઈ અને દિલ્‍હીની ઓફિસોમાં સરવે હાથ ધર્યો હતો. એરલાઇન પર નાણાંની ઉચાપતના કેસમાં સરકારની તપાસ ચાલતી હોવાથી I-T વિભાગનો સરવે મહત્ત્વ ધરાવે છે. આવકવેરા અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘મુંબઈ અને દિલ્‍હીની બે-બે ઓફિસમાં સરવે હાથ ધરાયો હતો. જેનો હેતુ ખર્ચના વેરિફિકેશનનો હતો.' જેટ એરવેઝે જણાવ્‍યું હતું કે, ‘સરવે IT વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્‍યો છે.'

એરલાઇને જણાવ્‍યું હતું કે, ‘આવકવેરા અધિકારીઓએ જેટ એરવેઝની ઓફિસમાં સરવે હાથ ધર્યો છે.' આવકવેરા વિભાગના દરોડાની તુલનામાં સરવે અલગ હોય છે. સરવેમાં એરલાઇનના દસ્‍તાવેજની ચકાસણી કરવામાં આવે છે.

ઉપરાંત, કંપનીના એક્‍ઝિક્‍યુટિવ્‍સની એ દસ્‍તાવેજના આધારે પૂછપરછ થાય છે. ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ ગિરીશ વાનવરીએ સ્‍પષ્ટતા કરી હતી કે, ‘સરવે કોઈની ફરિયાદ કે આશંકાના આધારે કરવામાં આવે છે. આવકવેરાનો કાયદો ફરિયાદ કે આશંકાના આધારે ટેક્‍સ અધિકારીઓને સરવેની સત્તા આપે છે. જે કંપનીનો સરવે કરવાનો હોય તેની પસંદગી શંકાના આધારે કરવામાં આવે છે.' વાનવરી ટેક્‍સ, રેગ્‍યુલેટરી અને બિઝનેસ એડાઇઝરી ફર્મ ટ્રાન્‍ઝેક્‍શન સ્‍ક્‍વેરના સ્‍થાપક છે.

ઉલ્લેખનીય છે કે, કંપની બાબતોના મંત્રાલયે જેટ એરવેઝ દ્વારા નાણાંની કથિત ઉચાપતના આરોપ મુદ્દે ઔપચારિક તપાસનો આદેશ આપ્‍યો છે. મંત્રાલયને કંપનીના હિસાબોમાં નાણાકીય અનિયમિતતા અને ભંડોળની ઉચાપતના પુરાવા મળ્‍યા હતા. એરલાઇન્‍સ પર વેચાણ અને ડિસ્‍ટ્રિબ્‍યુશન ખર્ચ હેઠળ નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાના આરોપ થયા હોવાનું કહેવાય છે. એરલાઇન ખાનગી ક્ષેત્રની હોવાના કારણે પ્રમોટર દ્વારા આ પ્રકારની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ અંગે તપાસ થઈ રહી છે.

જેટ એરવેઝ નાણાકીય દબાણમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં એરલાઇને કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કર્મચારીઓના એક વર્ગે પગારમાં ઘટાડો સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ટોપ મેનેજમેન્‍ટના પગારમાં ૨૫ ટકા ઘટાડો કરવામાં આવ્‍યો હતો. જેટ એરવેઝે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્‍વાર્ટરમાં ઈં ૧,૩૦૦ કરોડની રેકોર્ડ ખોટ કરી હતી. હવે એરલાઇન ભંડોળ એકત્ર કરવા માટે વિવિધ વિકલ્‍પો ચકાસી રહી છે.

(11:53 am IST)