Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

૩ દિ'માં સેન્‍સેકસ ૯૭૦ ઘટયોઃ રોકાણકારોના ૩.૬૨ લાખ કરોડ ઓગળી ગયા

સેન્‍સેકસ બે મહિનાના નીચલા સ્‍તરેઃ પેટ્રોલ-ડીઝલના ભાવ, રૂપિયાનું તૂટવુ અને ટ્રેડ વોરનુ ટેન્‍શન જવાબદાર

મુંબઈ, તા. ૨૦ : શેરબજાર માટે માઠા દિવસો ચાલી રહ્યા છે. ૩ દિવસથી શેરબજાર એકધારૂ તૂટી રહ્યુ છે જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં ૩.૬૨ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્‍યો છે.

ગઈકાલે સેન્‍સેકસ બે મહિનાના નીચલા સ્‍તરે આવી ગયો હતો. ડોલર સામે રૂપિયો ઘટતા અને અમેરિકા-ચીન વચ્‍ચે ટ્રેડ વોર ચાલતા સોમવારથી શેરબજારમાં ૯૭૦ પોઈન્‍ટ એટલે ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે બીએસઈમાં લીસ્‍ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી ૩ લાખ ૬૨ હજાર ૩૫૭.૧૫ કરોડ રૂપિયા ઘટીને ૧ કરોડ ૫૨ લાખ ૭૩ હજાર ૨૬૫ કરોડ રૂપિયા ગઈ છે.

બજારના નિષ્‍ણાંતોનું માનવુ છે કે, ટ્રેડ વોર, પેટ્રોલ-ડીઝલના ભાવ અને રૂપિયો તૂટવાથી રોકાણકારો માટે માઠા દિવસો શરૂ થયા છે. બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે.

સેન્‍સેકસના ૩૦ શેરોમાંથી ૧૬ તૂટયા છે જ્‍યારે ૧૪ના ભાવ વધ્‍યા છે. ઈન્‍ડસ ઈન્‍ડ બેંક, મારૂતિ, એચડીએફસી, યશ બેંકના શેરો વધુ તૂટયા છે જ્‍યારે કોલ ઈન્‍ડીયા, ઓએનજીસી, ટાટા સ્‍ટીલ, હીરો, મોટો કોર્પ વગેરે વધ્‍યા છે. બોમ્‍બે સ્‍ટોક એકસચેન્‍જ પર ૧૭૦૪ શેર તૂટયા જ્‍યારે ૧૭૩ શેરના ભાવ યથાવત રહ્યા છે. ગઈકાલે બીએસઈના ૧૮૦ શેરોએ ૫૨ સપ્તાહની નીચી સપાટી દર્શાવી હતી.

(10:35 am IST)