Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હવે નવાઝ શરીફ તેમજ પુત્રી મરિયમ જેલમાંથી મુક્ત થશે

ઇસ્લામાબાદ હાઈકોર્ટે સજા પર સ્ટે મુકી દીધો : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને થયેલી રાહત

ઇસ્લામાબાદ, તા. ૧૯ : પાકિસ્તાનમાં સત્તાથી દૂર કરવામાં આવેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ કેપ્ટન મોહમ્મદ સફદર માટે આજનો દિવસ સારો રહ્યો હતો. ઇસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા એવનફિલ્ડ કેસમાં ત્રણેયને ફટકારવામાં આવેલી સજા ઉપર આજે પ્રતિબંધ મુકી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી જુલાઈના દિવસે એકાઉન્ટીબિલિટી કોર્ટ દ્વારા નવાઝ શરીફ, મરિયમ અને શફદરને કઠોર સજા ફટકારી હતી. ડોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમએલ-એનના વડાના પરિવાર અને કેપ્ટન સફદરે કોર્ટના ચુકાદા સામે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. એકાઉન્ટીબિલીટી કોર્ટના ચુકાદા વખતે નવાઝ શરીફ લંડનમાં હતા. ત્યાં તેમની પત્નિ કુલસુમ નવાઝની સારવાર ચાલી રહી હતી. આદેશ બાદ નવાઝ શરીફ અને તેમની પુત્રી પાકિસ્તાન પરત ફર્યા હતા. લાહોરમાં બંનેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને અદીલા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જો કે તેમની મુશ્કેલી વધી ન હતી. કારણ કે, ૧૧મી સપ્ટેમ્બરના દિવસે કુલસુમ નવાઝને લાંબી બાદ લંડનમાં અવસાન થયું હતું. નવાઝ અને મરિયમને પેરોલ પર છોડી મુકવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ ફરી તેમને અદીલા જેલમાં મોકલી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી જુલાઈના દિવસે પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) સફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી હતી. એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં હાલમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.

(12:00 am IST)