Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કાશ્મીરની થશે કાયાપલટ :મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં લાગુ કરશે મોટો પ્લાન: 10 મુદ્દાઓ પર ફોક્સ :જાણો શું છે યોજના

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દીધો છે અને કલમ 370 હટાવી દીધી છે. હાલ મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે શાંતિ સ્થપાઈ રહે તે માટે કામ કરી રહી છે પણ કેવી રીતે જમ્મુ કાશ્મીરની કાયાપલટ કરવી તેની રણનીતિ પણ સરકારે તૈયાર કરી લીધી છે.

મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં મોટો પ્લાન લાગુ કરવા જઈ રહી છે. તેમને જમ્મુ કાશ્મીર માટે શું-શું યોજનાઓ બનાવી છે.

1. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા અંગે લોકોને સમજાવવા માટે આઈએએસ અધિકારીઓને મોકલવામાં આવશે. એક અધિકારી 20 જેટલા પરિવારોને મળશે અને શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો તેના ફાયદાઓ વિશે લોકોને સમજાવશે.

2. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી શું ફાયદાઓ થશે તેનો પ્રચાર સરકારી મીડિયા જેવા કે રેડિયો, ટેલિવિઝન ચેનલો પર કરવામાં આવશે.

3. સરકાર અવનવી યોજનાઓ લાવશે એટલું જ નહીં આ યોજનાઓ સીધી દેખરેખ ઉચ્ચ અધિકારીઓને સોંપશે.

4. 12થી 14 ઓક્ટોબર શ્રીનગર ખાતે ઈન્વેસ્ટર સમિટ બોલવવામાં આવી છે જેમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓને કાશ્મીરમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

5. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના 40 હજાર સરપંચ અને ગામડાઓ માટે 3700 કરોડ રુપિયાનું ફંડ સરકારે ફાળવ્યું છે.

6. બાગાયતી ખેતી જમ્મુ કાશ્મીરની જાન હોવાથી સરકાર તેને આધુનિક બનાવશે. ફળોની ખેતીની લઈને એસોશિયન બનાવવામાં આવશે.

7. જમ્મુ કાશ્મીરમાં દૂધ પંજાબ, હરિયાણામાંથી મગાવવાની ફરજ પડે છે. હવે સરકારે અમૂલ અને મદર ડેરીને ત્યાં ઉતારવાની તૈયારી બતાવી છે. આમ લોકોને પશુપાલન માટે સારી એવી સહાચ આપીને આ ડેરીક્ષેત્રે વિકાસ કરવામાં આવશે.

8. પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમ લાગુ કરવામાં આવશે. પેંશન યોજનાનો પણ ચુસ્ત અમલ કરવામાં આવશે. જે લોકો સુધી જાણકારી નથી પહોંચી તેને માહિતગાર કરવામાં આવશે.

9. જમ્મુ કાશ્મીરના વિકાસને લઈને અને ખાસ કરીને ત્યાંના સ્થાનિક યુવાનો-યુવતીઓ આગળ આવી શકે તે માટે અલગથી ટેલિવિઝન ટેલેન્ટ શૉ પણ બનાવવાની સરકારની યોજના છે.

10. બધી જ યોજનાઓમાં સરકાર કોઈ ગોટાળો ઈચ્છતી નથી. આથી સીધી જ દેખરેખ IAS અધિકારીઓને જ સોંપવામાં આવશે અને તેમાં સરકાર કોઈ જ બાંધછોડ ઈચ્છશે જ નહીં તેવું લાગી રહ્યું છે.

(1:01 am IST)