Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

એસબીઆઇ ડેબિટ-એટીએમ કાર્ડ બંધ કરશે

હવે યોનો કેશ પોઇન્ટ દ્વારા ડેબિટ-એટીએમ કાર્ડ વગર પૈસા ઉપાડી શકાશે

મુંબઇ તા.૨૦: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જો યોજના સફળ થશે તો હવે ટૂંક સમયમાં ડેબિટ-એટીએમ કાર્ડ ભુતકાળની વાત થઇ જશે. દેશની સૌથી મોટી બેન્કે હવે પ્લાસ્ટિક ડેબિટ-એટીએમ કાર્ડના સ્થાને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સ્ટેટ બેન્કના ચેરમેન રજનીશ કુમારે એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે અમારી યોજના હવે ડેબિટ કાર્ડની સિસ્ટમનો અંત લાવી કીશું.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૯૦ કરોડ ડેબિટ કાર્ડ અને ત્રણ કરોડ ક્રેડિટ કાર્ડ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોનો પ્લેટફોર્મની ડેબિટ કાર્ડ મુકત દેશ બનાવવામાં મહત્વની ભૂમિકા હશે.

યોનો દ્વારા  એટીએમ મશીનમાંથી રોકડ રકમનો ઉપાડ અથવા દુકાનો પરથી માલસામાનની ખરીદી કરી શકાશે.

તેમણે જણાવ્યું હતું કે બેન્ક આમ પણ પહેલેથી જ ૬૮ હજાર યોનો કેશ પોઇન્ટની સ્થાપના કરી ચૂકી છે અને આગામી ૧૮ મહિનામાં ૧૦ લાખ યોનો પોઇન્ટ ઊભા કરવાની યોજના છે. સ્ટેટ બેન્કે માર્ચ મહિનામાં યોનો કેશ સર્વિસ શરૂ કરી છે, જે ગ્રાહકોને ડેબિટ કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા આપે છે.આ સિસ્ટમ સરળ હોવા ઉપરાંત સુરક્ષિત પણ છે. શરૂઆતમાં આ સુવિધા ૧૬,૫૦૦ એટીએમમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે બેન્ક તેના તમામ એટીએમને આ સુવિધા માટે અપગ્રેડ કરી રહી છે.

(4:02 pm IST)