Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સામાન્ય કરદાતા-કોર્પોરેટરને મોટી રાહત આપવા તથા સરચાર્જ-મેટ-ડીડીટી સમાપ્ત કરવા ભલામણ

ડાયરેકટ ટેક્ષ અંગેના ઉચ્ચકક્ષાના ટાસ્ક ફોર્સે પોતાનો રીપોર્ટ સોંપ્યોઃ આયકર એકટમાં ધરખમ ફેરફારોની હિમાયત : સ્ટાર્ટ અપને ઉત્તેજન આપવા ખાસ ટેક્ષ સિસ્ટમની પણ ભલામણ

નવી દિલ્હી,તા.૨૦: ડાયરેકટ ટેક્ષમાં  સુધારા માટે બનેલા ટાસ્ક ફોર્સે નાણામાંથી નિર્મલા સીતારમણને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. ટાસ્ક ફોર્સે જયાં એક તરફ સામાન્ય લોકો મટે ઇન્કમ ટેક્ષનાં દરોમાં અને સ્લેબમાં મોટા પાયે ફેરફારો કરવા ભલામણ કરી છે. તો કોર્પોરેટ માટે ડિવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ (ડીડીટી) અને મીનીમમ અલ્ટરનેટીવ ટેક્ષ (મેટ)ને અને મીનીમમ અલ્ટરનેટીવ ટેક્ષ (મેટને સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. ટાસ્ફ ફોર્સનું માનવું છે કે વર્તમાન ઇન્કમ ટેક્ષ છુટ, તેના દરો અને સ્લેબ વર્તમાન આર્થિક પરિસ્થિતિને અનુરૂપ નથી.

ડાયરેકટ ટેકસ અંગેના એક ઉચ્ચ સ્તરીય  સરકારી ટાસ્ક ફોર્સે આવક પરના સરચાર્જની ફેરવિચારણા કરવાની વાત કરી છે. આ ઉપરાંત તેણે દેશમાં સ્ટાર્ટઅપ્સને ઉત્તેજન આપવા માટે એક ખાસ ટેકસ સિસ્ટમ રચવા, ઇન્કમટેક્ષ એકટને ધરમૂળથી બદલીને તેને કરદાતાલક્ષી બનાવવાની હિમાયત કરી છે.

ટાસ્ક ફોર્સે સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારામનને તેનો રીપોર્ટ સોંપ્યો હતો. સરકારે આ રિપોર્ટ જાહેર કર્યો નથી.

જાણકાર વ્યકિતએ કહ્યું કે, 'આખી બાબતમાં એવી ટેકસ પ્રણાલી પર ભાર મૂકવામાં આવ્યો છે જેનું પાલન કરવું સરળ હોય, કરદાતા સાથે ફેસલેસ ઇન્ટરેકશન થાય અને બીઝનેસને ઉત્તેજન મળે.' વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ ઓગષ્ટે ઇટીને આપેલી મુલાકાતમાં જે ફિલોસોફી વ્યકત કરી હતી તેની સાથે આ રીપોર્ટ સુસંગત છે. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ભાષણ વખતે પણ તેમણે આવો જ મત વ્યકત કર્યો હતો.

ડાયરેકટ ટેકસ  અંગેના ટાસ્ક ફોર્સની આગેવાની સીબીડીટીના સભ્ય અખિલેશ રંજન સંભાળે છે. નાણા અને કોર્પોરેટર બાબતોના મંત્રી નિર્મલા સીતારામને અખિલેશ રંજનનો અહેવાલ મેળવ્યો છે. તેમ નાણામંત્રાલયે ટિવટ દ્વારા જણાવ્યું હતું.

અગાઉ આ ટાસ્ક ફોર્સનો રીપોર્ટ ૩૧ મે સુધીમાં મળવાનો હતો. પરંતુ ત્યાર પછી તે સમયના નાણામંત્રી અરૂણ જેટલીએ આ કવાયત પૂરી કરવા બે મહિનાનું એકસ્ટેન્શન આપ્યું હતું. એક સૂત્રે કહ્યું કે ટાસ્ક ફોર્સે સ્ટાર્ટઅપ્સ માટે અલગ વ્યવસ્થાની હિમાયત કરી છે જે સામાન્ય કંપનીઓ કરતાં અલગ હશે. આ ઉપરાંત બીજા બિઝનેસ ફ્રેન્ડલી પગલાં પણ જરૂરી જણાય છે.

ટેકસને લગતા કેસ ઘટાડવા તથા કરદાતા અને ડીપાર્ટમેન્ટ વચ્ચેનો સંબંધ 'ફેસલેસ' બનાવવાની પણ વાત કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સે આંતરરાષ્ટ્રીય ટેકસ સિસ્ટમને ધ્યાનમાં લીધી  છે.

(1:17 pm IST)