Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી... ખુબ જાણીતા સંગીતકાર ખૈયામની અલવીદા

૧૯૫૩ થી ૧૯૯૦ સુધી અનેક ફિલ્મો માટે સંગીત કમ્પોઝ કર્યુઃ જુહુની હોસ્પિટલમાં અવસાનઃ કભી કભી અને ઉમરાવ જાન માટે બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ, લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને પદ્દમભુષણથી પણ સન્માનિત હતાં: મુંબઇના અંધેરી ચાર બંગલા વિસ્તારના કબ્રસ્તાનમાં અંતિમવિધી

મુંબઇ તા. ૨૦: 'કરોગે યાદ તો હર બાત યાદ આયેગી..ઇસ અંજુમન મેં આપકો આના હૈ બાર બાર...કભી કભી..વો સુબહા અભી તો આયગેી...તુમ અપના રંજો ગમ...બહારો મેરા જીવન ભી...કભી કિસી કો મુક્કમલ જહાં નહિ મિલતા...દિખાઇ દીયે યું...' આવા અનેક સદાબહાર ગીતોના ખુબ જાણીતા વિતેલા જમાનાના સંગીતકાર મોહમ્મદ ઝહુર ખય્યામ હાશમી કે જેઓ ખય્યામના નામે જાણીતા હતાં તેમનું સાંજે જુહુની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. આજે મુંબઇના અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં દફનવિધી કરવામાં આવી હતી.

ખય્યામની જિંદગી ઉતાર ચડાવથી ભરેલી હતી. ૧૯૫૩થી ૧૯૯૦ સુધી તેઓ બોલીવૂડમાં સંગીતકાર તરીકે સક્રિય રહ્યા હતાં. વચ્ચે વચ્ચે સંગીત આપવાનું છોડી દીધુ હતું. ૧૯૭૭માં તેમને કભી કભી અને ૧૯૮૨માં ઉમરાવ જાન માટે બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૨૦૧૧માં ભારત સરકાર દ્વારા પદ્દભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ખય્યામનો જન્મ ૧૯૨૭ની ૧૮ ફેબ્રુઆરીએ બ્રિટિશ ઇન્ડિયાના નવાંસહર તહેસીલના રાહોનમાં થયો હતો. ભાગલા પછી આ સ્થળ હાલ પાકિસ્તાનના પંજાબમાં છે. ખય્યામ નાનપણમાં જ સંગીત શીખવા દિલ્હી જતાં રહ્યા હતાં. જો કે પરિવાર ઇચ્છતો હતો કે તેઓ અભ્યાસ કરે, આથી જબરદસ્તીથી ભણતર પુરૂ કરાવ્યું હતું. પરંતુ ખય્યામને સંગીતમાં જ રહસ હતો. યુવાનીમાં તેઓ ઘણીવાર ફિલ્મ જોવા જતા હતાં એ પછી તેમને હીરો બનવાની ઇચ્છા જાગતાં દિલ્હીમાં રહેતા અંકલને ત્યાં જઇ અભિનેતા બનવા તૈયારી કરી હતી. પરંતુ અંકલે તેમને સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને સંગીત શીખવાની રજા આપી. તેમણે પંડિત અમરનાથ પાસેથી સંગીત શીખ્યું હતું. ખય્યામ ફિલ્મમાં કામ મેળવવા પહેલા લાહોર ગયા હતાં. ત્યાં પંજાબી સંગીતકાર બાબા ચિસ્તી સાથે મુલાકાત થઇ હતી. તેમણે ખય્યામને આસિસ્ટન્ટ તરીકેની ઓફર આપી હતી. એ પછી લુધીયાણ ૧૭ વર્ષની વયે આવ્યા હતાં અને બીજા વિશ્વ યુધ્ધ બાદ મુંબઇ આવી ગયા હતાં. અહિ કમ્પોઝર શર્માજી-વર્માજીએ પહેલી વખત ઓફર આપી હતી. ૧૯૮૪માં હિરરાંઝા દ્વારા ખય્યામની બોલીવૂડમાં એન્ટ્રી થઇ હતી.

એક પછી એક ફિલ્મો મળવા માંડી હતી અને શોલા ઓૈર શબનમ પછી ખય્યામની ગણતરી ગ્રેટ કમ્પોઝરમાં થવા માંડી હતી. તેમણે સંગીત આપેલા અનેક હિટ ગીતો છે. ૧૯૬૬માં તેમણે કારકિર્દીમાંથી રજા લઇ આઠ વર્ષ સુધી નોનફિલ્મી ગઝલો પર ધ્યાન આપ્યું હતું. ૧૯૭૪માં ફરીથી ફિલ્મોમાં આવી જોરદાર સંગીત આપ્યું હતું. ૧૯૯૦માં રિટાયર્ડ થઇ ગયા હતાં. છેલ્લે ૨૦૧૪માં 'બાઝાર-એ-હુશ્ન' માટે સંગીત આપ્યું હતું. ખય્યામના પત્નિ જગજીતજી પણ ઘણા સમયથી બિમાર છે.

(12:16 pm IST)