Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભોળાનાથની આરાધના કરનારમાં ભોળપણ-ભરોસો અને ભીનાશ હોય, જે સતાધારના પૂ.જીવરાજબાપુમાં સૌને દેખાય છેઃ પૂ.રમેશભાઇ ઓઝા

વિસાવદર તા. ર૦ :.. પવિત્ર યાત્રાધામમાં યોજાયેલા સતાધાર ખાતે શ્રી સદ્ગુરૂ સેવા મહોત્સવ અને શિવચરિતામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં થોડા સમય પહેલા પ્રખર ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા આવ્યા હતા અને પૂ. આપાગીગાના સમાધી સ્થાનના દર્શન કર્યા હતાં. નવનિર્મિત બિલેશ્વર મહાદેવની મુલાકાત લીધી હતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાલતી પ્રતિષ્ઠા પ્રક્રિયા નિહાળી હતી. પૂ. રમેશભાઇ ઓઝા શિવકથામાં પણ સામેલ થયા હતા અને વ્યાસપીઠના દર્શન કર્યા હતા અને પોતાના શિષ્ય પ્રખર વકતા યજ્ઞેશભાઇ ઓઝાને આશિષ આપ્યા હતાં. પૂ. રમેશભાઇ ઓઝાનું પૂ. જીવરાજબાપુ, પૂ. વિજયબાપુ, પુ. મુકતાનંદબાપુ, પૂ. શેરનાથબાપુ સહિતના સંતોએ સન્માનિત કર્યા હતાં. પૂ. રમેશભાઇ ઓઝાએ અનન્ય ભાવ સાથે મનનીય પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ભોળાનાથની આરાધના કરનારમાં ભોળપણ-ભરોશો અને ભીનાશ હોય, જે ત્રણેય ગુણ સતાધારના પૂ. જીવરાજબાપુમાં સૌને દેખાય છે અને આ ભલાભોળા સંતનો ભાવ સૌને સતાધાર તરફ ખેંચી લાવે છે. સાચા સંતમાં સત્ય-તપ-પવિત્રતા-દયા-પ્રેમ-કરૂણાના આગવા ગુણ હોય, આ બધુ જ સતાધારના સંતોમાં જોવા મળે... અને અહીં બધુ જ માત્રને માત્ર આસ્થા-શ્રધ્ધાનો જ સમન્વય આ છે સતાધાર... અને સતાધારના સંતો અહી ર૦૦ વર્ષ પુરાણા શિવ-મંદિરને સોમનાથની પ્રતિકૃતિ સ્વરૂપ મંદિરનું નિર્માણ કરી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે. શિવચરીત જ્ઞાનયજ્ઞના રસપાન આયોજન કરાયુ છે તે ભાવિકો માટે સ્વભાવિકપણે અનેરી પ્રસન્નતાનો અવસર છે.

(11:51 am IST)