Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વિશ્વ વિખ્યાત શ્રધ્ધા સ્થાનક તરીકે ધમધમતુ સતાધારધામ

'સત'ના આધારે થયેલા કામોનાં લીધે જગ્યાનું નામ 'સતાધાર' પડી ગયુઃ પાંડવોએ ૧૩ વર્ષના અરણ્યવાસ દરમિયાન રોકાઇને શિવજીની ઉપાસના કરી હતી

વિસાવદર તા. ર૦ :.. જુનાગઢ જિલ્લાના વિસાવદરથી ૭ કિ. મી. દૂર ગીરનાં જંગલમાં આવેલ આ પવિત્રધામ શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. આપા ગીગા સંતની સમાધિ પર શ્રધ્ધાળુઓ પોતાની બાધા ઉતારવા, દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે.

આ સતાધારની જગ્યા સવંત ૧૮૬પ ની (ઇ.સ. ૧૮૦૯) ની સાલમાં બંધાઇ હતી. 'દેને કો ટુકડા, લેને કો હરી નામ'ના સિધ્ધાંત સાથે અન્નદાનનો મંગલ આરંભ કર્યો હતો. તોરી રામપર ગામે ગધ્ધઇ કુટુંબમાં જન્મેલા ગીગા ભગતે ચલાલાના સમર્થ ભકત આપા દાનાની જગ્યામાં ઉછરીને સતાધાર ગામે સેવા ભકિતનાં આદર્શથી આ સંસ્થા શરૂ કરી ઇ.સ. ૧૮૦૯ માં આપા ગીગાએ જયાં અતિત, અભ્યાગત, સાધુ, ફકીર, દિવ્યાંગો અને રકતપિતના દર્દીઓને સેવા માટે ધુણી ધખાવી હતી. તે સતાધાર આજે વિશ્વ વિખ્યાત શ્રધ્ધા સ્થાનક તરીકે ધમધમે છે. કોઇની પાસે હાથ લંબાવ્યા વિના હરિ ઉપરના ભરોસે આપા ગીગાએ સેવા ચાલુ રાખી હતી.

સતના આધારે થયેલા કામોને લીધે આ જગ્યાનું નામ 'સતાધાર' પડી ગયું છે. એવી દંતકથા પણ છે કે, પાંડવોએ ૧૩ વર્ષનાં અરણ્યવાસ દરમ્યાન અહિં વાસ કર્યો હતો અને કૌરવો સાથેનાં સંભવિત યુધ્ધ માટે શકિત પ્રાપ્ત કરવા શિવજીની ઉપાસનાં કરી હતી. એ શીવલીંગ આજે પણ સતાધારમાં છે. સતાધારનાં પ્રત્યેક મહંતો પ્રતિરોજ તેની પુજા કરે છે. સતાધારની જગ્યામાં આપા કરમણને પોતાના ઉતરાધિકારી નીમીને આપા ગીગાએ સવંત ૧૯ર૬ માં (ઇ.સ. ૧૮૭૦) જીવતી સમાધી લીધી. ત્યાર પછીથી સતાધાર આપા ગીગાની જગ્યા નામે એટલું જ મહશુર બન્યું છે. અહીં એક દેવતાઇ પાડો હતો એવી માન્યતા છે. દંતકથા મુજબ આ પાડો હંમેશા શીવલીંગનાં દર્શન કરવા આવતો અને જયારે  તેને કતલખાનામાં લઇ જાવામાં આવ્યો ત્યારે કતલખાનાનાં ઓજાર બ્લેડ તુટી ગયેલી એવી ચમત્કારીક ઘટનાં બનેલી. આ પાડાની સમાધિ પણ જગ્યાના સામેના ભાગમાં છે. વર્ષથી આ ભૂમિ પર સંતો-મહંતોએ અયાચકવૃતિ રાખીને આશરે આવેલાનાં કોઠા ટાઢાં કર્યા છે, અને આશરો આપ્યો છે. આ પરંપરા આજે પણ જળવાઇ રહી છે.

હાલમાં આ જગ્યામાં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર, ધર્મશાળા, ગૌશાળા, નબળા તેમજ બિનવારસી પશુ માટે પાંજરાપોળ જેવી પશુ સેવા પણ આ પુનિતધામમાં જોવા મળે છે. બિમાર પશુઓની સારવાર કરવી, ઘાસચારો પુરો પાડવો જેવા કાર્યો પણ આ સંસ્થા કરે છે. દુષ્કાળ જેવા કપરા સમયમાં પોતાનાં પશુઓને ઘાસચારો પુરો ન આપી શકે એવા સમયમાં લોકો પોતાનં પશુઓને આ જગ્યામાં આવેલા પાંજરાપોળમાં મુકવા જાય છે, અને ત્યાં તેની વિનામુલ્યે સેવા કરવામાં આવે છે. આમ સમગ્ર વિશ્વમાં સતાધારની જગ્યાની ખ્યાતિ પ્રસરેલી છે.

(11:50 am IST)