Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

આપાગીગા ખુદ દીન-દુઃખીયા-રકતપિતયા અને ગાયોની સેવા કરતાં : ર૦૦ વર્ષ પહેલા આંબાજળ નદીના કાંઠે ઝુપડી બાંધી સેવાની ધુણી ધખાવી.. તે જ આજનું સતાધાર

ગધેય જ્ઞાતિમાં અલાયા ભગત અને સુરૈયાબાઇની કુખે વિક્રમ સંવત ૧૮ર૩માં જન્મેલા આપાગીગાનો અનેરો ઇતિહાસ : રસપ્રદ વિગતો

વિસાવદર, તા. ર૦  : ગીગડા પીર તરીકે દે-વિદેશના લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં અંકીત થયેલા પૂ. આપાગીગાનો ઇતિહાસ જાણવા જેવો છે. મુળવતન તોરી, ગધૈય જ્ઞાતિમાં અલૈયા ભગત અને ધર્મપત્ની સુરીબાઇની કુખે વિ.સ. ૧૮ર૩માં પૂ. આપાગીગાનો જન્મ થયો. દુષ્કાળને લઇ અલૈયા ભગત પોતાના માલ-ઢોર લઇ ગીર જંગલમાં ગયેલ. પાછળ સુરીબાઇ ઘરે એકલા પડયા.  નભી ખાવા મજુરી કરતા હતા. પ્રસવકાળ નજીક આવતા સગામાં જઇ પ્રસુતિ કરાવી એવું વિચારીને ચાલી નીકળ્યા સાપર (સડાવડ)ના પાદરમાં એકાંત ઝાડ નીચે પુત્ર પ્રસવ થઇ ગયો. આ વાતની સાપરના અમરાભાઇને ખબર પડતા પોતાને ત્યાં આશરો આપ્યો અને બાળક બે માસનું થયા પછી રાજગોર સાથે તેમને તેમના મામાના ગામ ચલાળા મોકલી આપ્યા.

કપરા વર્ષમાં માંડ પોતાના પેટનો ખાડો પૂરાતો હોય ત્યાં આ મા-દીકરાનો બોજો કોણ ઉપાડે આ કપરા કાળમાં દાન મહારાજે અનાથો માટે અન્નદાણ શરૂ કર્યો હતો. ત્યાં સુરીબાઇ તથા તેના બાળકનો બંદોબસ્ત કરી આપ્યો. સુરીબાઇ તન-મન અને નેક-ટેકથી તનતોડ સેવામાં લાગી ગયા. દુષ્કાળ વીતી ગયો પણ પણ મા-દીકરો જગ્યામાં જ સ્થાપઇ થઇ ગયા. દીકરાનું નામ દાન મહારાજે ગીગો પાડયું અને જેના પૂર્વના શુભ સંસ્કારે પૂર્ણ કૃપાને પાત્ર થયા અને એજ આપાગીગાએ ગીર ધરતીમાં સતાધારની જગ્યાની સ્થાપના કરી. વિ.સ. ૧૮૬પમાં આ હકીકત શ્રી ઝવેરચંદભાઇ મેઘાણીએ સૌરાષ્ટ્રના ખંઢેરોમાં પ્રતિપાદીત કરી છે.

સંવત ૧૮૬પમાં એટલે આજથી બરાબર ૧૯પ વર્ષ પૂર્વે આપાગીગાએ જયા અતિત, અભ્યાગત, સાધુ, ફકીર, લુલા-લંગડા, કોઢીયા અને રકતપિતીયાઓની સેવા માટે ધુણી ધખાવી હતફી તે સતાધાર આજે વિશ્વ વિખ્યાત શ્રદ્ધા સ્થાનક તરીકે ધમધમે છે. કોઇની સામે હાથ લંબાવ્યા વિના હરી ઉપર ઉપરના ભરોસે આપાગીગાએ સેવા ચાલુ રાખી હતી. સતના આધારે થયેલા કામોને લીધે આ જગ્યાનું નામ સતાધાર પડી ગયું છે. આપા કરમણને પોતાના ઉતરાધીકારી નીમીને આપાગીગાએ સંવત ૧૯ર૬માં જીવતા સમાધી લીધી તે પછીથી સતાધાર આપાગીગાની જગ્યાના નામે પણ એટલું જ મશહુર બન્યું છે. આજથી લગભગ રપ૦ વર્ષ પહેલા જયારે આપાગીગા ચલાલા દાન મહારાજબાપુના ચરણોમાં ગાયોની સેવા અને ભકિત કરતા હતાં ત્યારે જીવનના ઉમદા દિવસો જે બાળવયથી યુવા વયની હતી તે તેમણે પોતાના નીજી જીવનને ગુરૂ ચરણોમાં આપી દીધી અને પૂર્ણ રીતે તુંબડુ પરિપકવ થાય અને સંતના હાથે ચડે અને તેમાંથી અંદરનો ગર્ભ કાઢીને તેમાં રાખ ભેળવીને સાફ કરીને પછી તેને યોગ્ય રીતે કાપકુપ કરીને ઘાટ આપીને કમંડલ બનાવીને નીજ ઉપયોગમાં લેવા સાથે રાખે અને ભકિત તુંબડી સંત સાથે સંગત કરીને મીઠાશ વેરે તેમ પૂ. આપાગીગા દાનબાપુના ચરણોમાં રહીને ગુરૂ અને ગોસેવા કરે અને વખત મળે ત્યારે ભજન કરે એવામાં એક વાર પાળીયાદથી શ્રી વિસામળ બાપુ ચલાલા આવ્યા અને પરસાળમાં દાનબાપુ અને વિસામળબાપુ બેઠા હતાં ત્યારે આપાગીગા છાણનો સુંડલો માથે લઇને ત્યાંથી નિકળ્યા અને સુંડલામાંથી એક અળશિયુ જીવડુ નીચે પડયું...

આપાગીગા ભરેલો સુંડલો હતો તે સાથે નીચે બેસીને ઇ અળશીયુ હાથમાં લઇને પાછુ ટોપલામાં નાખી દીધું. ઇ વિસામળબાપુએ જોયું.. અને ટકોર કરી કે, દાનબાપુ હવે આ ગીગડા ભાર હળવો કરો અને ઇ વાત સાંભળીને દાનબાપુ બોલ્યા કે, બાપુ આપ જેવા સંતની હાજરી હોય તો હાલો આજે જ કામ કરી નાંખીએ અને દાન મહારાજે ગીગાબાપુને બોલાવીને કહ્યું બકે, ગીગા જાવ.. જઇને સ્નાન, ધ્યાન કરી નવા કપડા પહેરીને આવો.. ગીગાબાપુ થોડીક વારમાં ન્હાય ધોઇને નવા લુગડા પહેરીને દાનબાપુ પાસે આવ્યા.. એટલે પહેલાથી જ કરેલી તૈયારી રૂપે ત્યાં જ થાળ હતો તેમાંથી કંકુ લઇને દાન મહારાજે તિલક કરીને વીધીવત રીતે ભકિતની અને પોતાના અંશ-અવતારના અનુયાયી તરીકે વરણી કરીને કહ્યું કે, ગીગડા એક અહીં ગૌ-ધન છે તેમાંથી અધુ ગૌધન તું લઇને ગાયની પાછળ પાછળ હાલજે અને જયાં ગાય બેસી જાય ત્યાં આસપાસ જો જે લોબાનની ભભક આવે અને જમીન જયાં તને આકર્ષે ત્યાં જઇને માટી ખોદતા ચોખ્ખાનો સાથીયો તેની પર રૂપિયો તેની પર સોપારી કંકુવાળી મળે તો જાણેજે કે, હવે મારે અહીં રહીને ગૌમાતા અને અભ્યાગતોની સેવા કરવાની છે અને ગીગડાબાપુ ત્યાંથી બંને બાપુના આશિર્વાદ લઇને નિકળ્યા અને ધીરે ધીરે ગાય ચરતી ચરતી આગળ વધે છે પણ ત્રણ-ત્રણ દિવસ થયા છતાં ગાય કયાંય બેસતી નથી. રાત્રે પણ ગાય ઉભી ઉભી આરામ કરે પણ બેસે નહીં અને ચોથા દિવસે આંબાજળ નદીના કાંઠે ગાય ચરતી ચરતી સંધ્યા થઇને અને ગાય ત્યાં બેઠી.. અને તરત જ લોબાનની ભભક છૂટી અને થોડું ખોદયુ તો એમાંથી દાન મહારાજે જે કહ્યું હતું તેમ સાથીયો, રૂપિયો ને સોપારી મળ્યા અને આપાગીગા ત્યાં ધુણી બનાવીને રહેવા લાગ્યા અને ત્યાં રહીને ગાયોની અને ગીરનાર જતા પદયાત્રાએ જતા સાધુ-સંતોની અને અભ્યાગતોની સદાવ્રતથી સેવા કરવા લાગ્યા. અને ત્યાં ને ત્યાં ધુણી ધખાવી... આ એજ જગ્યા એટલે  આજનું સતાધાર...

જયાં હરહંમેશ સતનો આધાર રહેલ છે. જયાં દિન દુખીયાના આંસુ લુંછાય છે.. જયાં સાધુ સંતો ગરીબ ગુરબા અને જયાં દેવોને પણ જાવાનું મન થાય તેવા સતાધારને સૌ કોટી કોટી વંદન કરે છે... કોઇ આધારના રહે., નિરાધાર થઇ જાય ત્યારે એક વાર મન દઇને આપાગીગાના તથા શામજીબાપુને હાંક મારે એ તેમની સાથે જ હશે... આદમ કો ખુદા ના કહો, આમદ ખુદા નહીં હૈયા લેકિન ખુદા કે નુર સે આદમ જુદા નહીં હૈ.. જયારે પણ મન મુંઝાય તો પૂ. જીવરાજબાપુના ચરણોમાં અને પૂ. વિજયબાપુના સાનિધ્યમાં એક વાર જઇ આવજો.. જયાં અશ્રુઓનું મૂલ્ય સમજાય ત્યાં જ તેનું સમાધાન સંધાય.. ગીગડા પીરની જય...

(11:49 am IST)