Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બેંક લોન કેસ : કમલનાથના ભત્રીજાની કરાયેલ ધરપકડ

રાતુલ પુરીને કોર્ટમાં રજૂ કરીને કાર્યવાહી : ૩૫૪ કરોડના બેંક લોન કેસમાં મુશ્કેલીમાં વધારો થયો

નવી દિલ્હી, તા. ૨૦ : ૩૫૪ કરોડ રૂપિયાના સનસનાટીપૂર્ણ બેંક લોન કૌભાંડ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મધ્યપ્રદેશના મુૂખ્યમંત્રી કમલનાથના ભત્રીજા અને કારોબારી રાતુલ પુરીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ અંગેની માહિતી આજે આપવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ પુરીને મની લોન્ડરિંગ અટકાયત ધારાની જોગવાઈ હેઠળ હાલમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારોબારી સામે અનેક વખત બેંક લોન ઠગાઈ કેસમાં ઇડી દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૮મી ઓગસ્ટના દિવસે સીબીઆઈ દ્વારા આદેશ મળ્યા બાદ ક્રિમિનલ કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પુરી સામે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.

      પુરી, તેમના પિતા અને મોસર કંપની પ્રમોટર દિપક પુરીની સામે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીએ ત્ય્રાબાદ પીએમએલએ કેસ દાખલ કર્યો હતો અને રાતુલ પુરીની ધરપકડ કરી લીધી છે. આગામી દિવસોમાં આ મામલો પણ કોંગ્રેસના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓમાં જોરદાર નારાજગી જોવા મળે તેવી શક્યતા છે. આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાતુલ પુરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કમલનાથના ભત્રીજાની ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. રાતુલ પુરી હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં તપાસનો સામનો કરવા માટે પણ તૈયાર છે. તેમની સામે બિનજામીનપાત્ર વોરંટને લઇને રદ કરવાની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી ચુકી છે. હવે બેંક લોન ઠગાઈ કેસમાં તેમની સામે મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.

(7:59 pm IST)