Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

દિલ્હીમાં ફરી ક્લિન-સ્વીપ કરવા ભાજપની રણનીતિ

ચાર ઘર વચ્ચે એક કાર્યકરઃ દિલ્હી ભાજપનો ગજબ વ્યૂહ

દિલ્હી તા.૨૦: ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં દિલ્હીની સાતે સાત લોકસભા બેઠકો પર જીત મેળવીને ભાજપાએ ભગવો લહેરાવ્યો હતો. હવે ૨૦૧૯ની ચુંટણીમાં પોતાનું જુનુ પ્રદર્શન ફરીથી કરવાનું તેના પર જોરદાર દબાણ છે.

આ દબાણની જ અસર છે કે જેવું પક્ષ પ્રમુખ અમિત શાહને લાગ્યું કે દિલ્હી ભાજપા સંગઠનમાં નબળાઇ છે, તરતજ તેમણે પોતાના વિશ્વાસુ સાથીદાર અરૂણ સિંહને સુપર પ્રભારી બનાવીને મોકલી આપ્યા છે. હવે અરૂણસિંહે દિલ્હીના રાજકારણમાં પોતાનો હસ્તકોપ વધારી દીધો છે અને પક્ષના સંગઠનમાં રહેલા કાટા-ઝાખરા દુર કરવામાં લાગી ગયા છે તે જીલ્લા એકમોમાં એક એક કરીને બેઠક કરીને બુથ સ્તર સુધીની તૈયારીઓ ચકાસી રહ્યા છે.

ગયા અઠવાડીએ તેમણે પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના બંન્ને જીલ્લા શહાદરા અને મયુરવિહારની પક્ષ મીટીંગ કરી. આ મીટીંગમાં દિલ્હી પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી, સંગઠન મહામંત્રી સિધ્ધાર્થન, વિશ્વાસનગરના ધારાસભ્ય ઓ પી શર્મા, શહાદાર જીલ્લા પ્રભારી સંજીવ શર્મા અને પૂર્વ દિલ્હીના સંસદસભ્ય મહેશગિરી સહિત પાંચસો કાર્યકર્તા હાજર હતા.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ મીટીંગમાંજ અરૂણસિંહે ભાજપા બુથ પ્રમુખોને મહત્વ આપવાની રણનીતી અમલમાં મુકવાના સખત આદેશ આપ્યા. પક્ષના મહત્વના પદો ખાલી હોવા બાબતે પણ તેઓ નારાજ થયા હતા. પક્ષના યુવા મોરચા સહીત કેટલાય મહત્વના પદો પર નિયુકતી કરવાની બાકી છે.

આ મીટીંગમાં હાજર દિલ્હી ભાજપાના નેતા અનુસાર અરૂણસિંહના કડક વલણની અર આ મહીનાની પક્ષની ગતિવિધીઓમાં ચોક્કસ જોવા મળશે. બધા મહત્વના પદો પર યોગ્ય વ્યકિતઓની નિમણુંક બહુ જલ્દી થઇ જશે. આમાં બૂથ સ્તર સુધીના લોકોના નામ નક્કી કરવામાં આવશે.

પક્ષ સુત્રો અનુસાર ભાજપા આ વખતે પોતાની તૈયારીઓમાં કોઇ કસર નહીં રાખે આના માટે તે એકદમ નવી રણનિતી પર કામ રહી છે. આ વખતે ચુંટણીમાં દરેક ચાર ઘર વચ્ચે એક કાર્યકર્તા નિમવાની વાતો થઇ રહી છે.

આ કાર્યકર્તાનું કામ દરેક ઘરના દરેક મતને પોલીંગ બુથ સુધી લઇ જવાનું હશે. એની ઉપર શેરી પ્રમુખ રહેશે જે કોઇ પણ કાર્યકર્તા પર દબાણ બનાવશે. એટલે ભાજપા આ વખતે દરેક પર ધ્યાન આપવાની રણનિતીમાં લાગેલ છે.

(3:42 pm IST)