Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

દેશમાં રાત્રે નવ વાગ્યા બાદ ATMમાં કેશ મુકાશે નહીં

આગામી વર્ષથી નવા ધારાધોરણો અમલી કરાશે : રોકડ રકમ લઇને જતા વાહનોની સાથે બે ગાર્ડ હથિયારો સાથે રહેશે : ગામડામાં છ વાગ્યા બાદથી કેશ નહીં મુકાય

નવી દિલ્હી, તા. ૧૯ : આગામી વર્ષથી શહેરોમાં કોઇપણ એટીએમમાં રાત્રે નવ વાગ્યા બાદ રોકડ રકમ મુકવામાં આવશે નહીં. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં સ્થિત એટીએમમાં સાંજે છ વાગ્યા સુધી જ રોકડ રકમ મુકવામાં આવશે. ગૃહમંત્રાલય દ્વારા આ સંદર્ભમાં નવા દિશા નિર્દેશો જારી કરવામાં આવી ચુક્યા છે. રોકડ રકમ લઇને જતા વાહનોની સાથે બે સશસ્ત્ર ગાર્ડ રહેશે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં એટીએમમાં સાંજે ચાર વાગ્યા સુધી જ રોકડ રકમ ઉમેરવામાં આવશે. બીજી બાજુ રોકડ રકમની દેખરેખ કરનાર ખાનગી કંપનીઓ બેંકો પાસેથી લંચ બ્રેકથી પહેલા કેસ લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ખાનગી કંપનીઓ લંચ બ્રેક બાદ રોકડ રકમ લઇ શકશે નહીં. કેસને માત્ર મજબૂત વાહનોમાં જ લઇ જવામાં આવશે. ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ૮મી ફેબ્રુઆરી ૨૦૧૯થી લાગૂ કરવામાં આવશે. કેસવેન, કેસવોલ્ટ અને એટીએમ છેતરપિંડી અને અન્ય છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં ખાનગી ક્ષેત્રની આશરે ૮૦૦૦ કેસવેનથી એટીએમમાં રોકડ રકમ ઉમેરવામાં આવે છે. દરરોજ આશરે ૧૫૦૦૦ કરોડ રૂપિયા રોકડની અવરજવર થાય છે. કેટલીક વખત ખાનગી કંપનીઓ રાત્રિ ગાળા દરમિયાન રોકડ પોતાના કેસવોલ્ટમાં રાખે છે. રોકડ રકમ લઇ જવા માટે એજન્સીઓને ખાનગી સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની રહેશે. દરેક કેસ વાનમાં એક ડ્રાઇવર ઉપરાંત બે સિક્યુરિટી ગાર્ડ, બે એટીએમ અધિકારી રહેશે. હથિયાર સાથે રહેલા ગાર્ડને ડ્રાઇવરની સાથે બેસવું પડશે જ્યારે અન્ય એક ગાર્ડ

પાછળની સીટ ઉપર બેસશે. રોકડ રકમ ઉમેરતી વેળા અથવા તો કાઢતી વેળા ચા અથવા લંચનો સમય ઓછામાં ઓછા એક કાર્ડને કેસવેનની સાથે રાખવામાં આવશે. રોકડ પરિવહન માટે પૂર્વ સુરક્ષા કર્મીઓના સુરક્ષા ગાર્ડને નિમણૂંકમાં પ્રાથમિકતા આપવામાં આવશે. દરેક કેસવેનમાં ટીપીએસ સાધનો ગોઠવવામાં આવશે જે ગાડી ઉપર નજર રાખશે. કોઇપણ કેસવેન એક વખતમાં પાંચ કરોડ રૂપિયાથી વધારે રકમ લઇને આગળ વધી શકસે નહીં. કોઇપણ ખાનગી સુરક્ષા એજન્સી રોકડ પરિવહન માટે કોઇપણ વ્યક્તિની નિમણૂંક પૂર્ણરીતે પોલીસ તપાસ, આધાર, આવાસના સરનામા, પૂર્ણ પુછપરછને ધ્યાનમાં લેવામાં આવશે. દરેક કેસ બોક્સને અલગ અલગ ચેઇન સાથે બાંધી દેવામાં આવશે. આના તાળાના ચાવી અલગ અલગ સંરક્ષણ અધિકારી અને એટીએમ અધિકારીઓની સાથે રહેશે.

એટીએમને લઇ પગલા

*    આગામી વર્ષથી શહેરોમાં કોઇપણ એટીએમમાં રાત્રે નવ વાગ્યા બાદ રોકડ રકમ ઉમેરાશે નહીં

*    ગ્રામીણ વિસ્તારમાં એટીએમમાં સાંજે છ વાગ્યા બાદ રોકડ ઉમેરાશે નહીં

*    નક્સલી વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ એટીએમમાં પૈસા મુકાશે નહીં

*    ગૃહમંત્રાલય તરફથી નવા આદેશ જારી કરાયા

*    રોકડની દેખરેખ કરનાર ખાનગી સંસ્થાઓને બેંક પાસેથી લંચ બ્રેક પહેલા રોકડ લઇ લેવી પડશે

*    ૮મી ફેબ્રુઆરી ૨૦૧૯થી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર લાગૂ થશે

*    દરેક કેશવાનમાં એક ડ્રાઇવર ઉપરાંત બે સિક્યુરિટી ગાર્ડ, બે એટીએમ અધિકારી રહેશે

*    રોકડ પરિવહન માટે પૂર્વ લશ્કરી અધિકારીઓના સુરક્ષા ગાર્ડને પ્રાથમિકતા અપાશે

(12:00 am IST)