Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળ પુર : ૨૦૦૦૦ કરોડનું કારોબારી નુકસાન થઇ ચુક્યું

ચા-કોફી, મરી, ટ્યુરિઝમને ભારે નુકસાન : ૨૮૦૦૦ હેક્ટર ખેતીની જમીન પુરના પાણીમાં ગરકાવ

કોચી, તા. ૧૯ : ગોડ્સ ઓફ કન્ટ્રીના નામથી લોકપ્રિય કેરળમાં ભારે વરસાદ અને પુરથી અર્થતંત્રને મોટો ફટકો પડી ગયો છે. ઉદ્યોગ સંસ્થા એસોચેમના કહેવા મુજબ આગામી અનેક મહિના સુધી તેની અસર જોવા મળશે. કારોબારી નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદ અને પુરથી પાકને અભૂતપૂર્વ નુકસાન થયું છે. ચા, કોફી અને મસાલાના કારોબારને સૌથી વધુ નુકસાન થયું છે. પ્રદેશમાં મોટાપાયે રબરની ખેતી થાય છે. રબરના ઉત્પાદનમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્યુરિઝમ, રોકડિયા પાક, બંદરથી આંતરરાષ્ટ્રીય કારોબારને પણ ભારે નુકસાન થયું છે. આશરે ૮ લાખ કરોડ રૂપિયાનું અર્થતંત્ર ધરાવનાર પ્રદેશ પર ગંભીર સંકટ આવી ગયું છે. ટ્યુરિઝમ, ઇલાઇચી, ચા-કોફી, નારિયેળ, મરી જેવા પાકનું યોગદાન અર્થતંત્રમાં ૧૦ ટકાથી વધારે છે. કૃષિ સચિવ બીકે સિંહના કહેવા મુજબ કેરળમાં ૨૮૦૦૦ હેક્ટર ખેતીની જમીન પૂરના પાણીમાં છે. ખેડૂતોને હજુ સુધી ૬૮૦ કરોડનું નુકસાન થયું છે. હોટલના બુકિંગ રદ થવાથી ભારે નુકસાન થયું છે. એસોચેમના કહેવા મુજબ આ નુકસાન આગામી દિવસોમાં વધુ ઉભરીને આવે તેવી શક્યતા છે. કેરળમાં ૧૮૦૦૦૦ ખેડૂતોને નુકસાન થયું છે. ૩૧૦ કરોડના નુકસાનમાં રબરબેલ્ટમાં ૯૩ કરોડનું નુકસાન થયું છે. કેરળ દેશના એવા રાજ્યો પૈકી છે જ્યાં સૌથી વધારે વિદેશી નાણા આવે છે. અહીં મુખ્યરીતે અખાત દેશમાં રહેતા લોકો નાણા મોકલે છે. પોતાના પરિવારના સભ્યો માટે પૈસા મોકલવામાં આવે છે. કેરળના અર્થતંત્રને અભૂતપૂર્વ નુકસાન થયું છે. ૨૦૦૦ કરોડથી વધુ નુકસાનનો આંકડો મુખ્યમંત્રી વિજયન દ્વારા પણ આપવામાં આવી ચુક્યો છે. આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો કરવામાં ખુબ સમય લાગશે. ભારે વરસાદ અને ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે ત્યાના નિવાસીઓની સાથે પ્રવાસીઓની સામે પણ પડકારની સ્થિતિ આવી ગઈ છે. એસોચેમના સેક્રેટરી જનરલ બીએસ રાવતે કહ્યું છે કે, કેરળની અર્થવ્યવસ્થામાં ટ્યુરિઝમ અને રોકડિયા પાકનું યોગદાન સૌથી મોટુ છે. આ બંનેને આ વખતે સૌથી વધારે નુકસાન થયું છે. કેરળના કોચી અને અન્ય બંદર ઉપર મોટાપાયે આંતરરાષ્ટ્રીય કારોબાર હાલમાં ઠપ સ્થિતિમાં છે. આનો આંકડો હજુ સુધી મેળવી શકાયો નથી પરંતુ ટુંકમાં જ આ આંકડો જારી થશે.

(12:00 am IST)