Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કેન્દ્રના પગલે ગુજરાત સરકાર : લાગુ કરશે નવો ભાડુઆત કાયદો

ગુજરાત સરકાર આ જૂના કાયદાની જગ્યાએ કેન્દ્રના મોડેલ ભાડુઆત કાયદાની જેમ નવો કાયદો લાગુ કરી શકે છે : હાલ ગુજરાતમાં બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એકટ-૧૯૪૭ લાગુ છે : આ ઉપરાંત ભાડાની પ્રોપર્ટી માર્કેટને રેગ્યુલેટ કરવા માટે રેરા જેવી એક ઓથોરિટી સંસ્થાની પણ રચના કરવામાં આવશે

નવી દિલ્હી તા. ૨૦ : ભારત સરકારના મોડેલ ટેનન્સી એકટ ૨૦૨૧ના આધારે ગુજરાત સરકાર પણ રાજયમાં જૂના બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એકટ, ૧૯૪૭ ના બદલે નવો ભાડુઆત કાયદો લાગુ કરવાની યોજના ધરાવે છે. જોકે નવા કાયદાના માળખામાં મિલકતના માલિક અને ભાડૂઆત બંને માટે નિષ્પક્ષતાની ખાતરી કરવામાં આવશે, જોકે નવો કાયદો મિલકત માલિકોને ભાડૂતો દ્વારા ખોટી કનડગતથી બચાવશે તેવી અપેક્ષા છે. નવા કાયદાથી રાજયમાં ભાડાની મિલકતોના વિકાસની સુવિધા મળશે. હાલના કાયદામાં મિલકતના માલિકોને ઓછું રક્ષણ મળે છે, જેથી તેઓ સંપત્ત્િ। ભાડે આપવાને લઈને આશંકા રાખે છે કારણ કે ઘણા કિસ્સામાં જગ્યા ખાલી ન કરતા ભાડૂતો દ્વારા મકાન માલિકને પજવણીનો ભય રહે છે.

નવા કાયદામાં ભાડાની પ્રોપર્ટી માર્કેટને નિયંત્રિત કરવા માટે રાજય-સ્તરની રેગ્યુલેટરી ઓથોરિટી સ્થાપિત કરવાની જોગવાઈ હશે. આ બાબતે જાણકાર એક સૂત્રએ જણાવ્યું હતું કે, રાજય સરકારે બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એકટ, ૧૯૪૭ ને બદલવાનો નિર્ણય લીધો છે, જેમાં ભારત સરકાર દ્વારા મોડેલ એકટના આધારે નવો ભાડા કાયદો બનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજય સરકાર વિધાનસભાના આગામી ચોમાસા સત્ર દરમિયાન કંઈ નહીં અથવા નજીવા ફેરફારો સાથે મોડેલ એકટ અપનાવે તેવી સંભાવના છે.

મોડેલ ભાડુઆત કાયદા હેઠળ મકાન માલિક અને ભાડૂતને લેખિત કરાર પર હસ્તાક્ષર કરવો ફરજિયાત બનશે જેમાં ભાડુ, એગ્રીમેન્ટનો સમયગાળો અને અન્ય સંબંધિત શરતોનો ઉલ્લેખ હોય. તમામ ભાડે લેવાયેલી સંપત્ત્િ।ના વ્યવહારોને નિયંત્રિત કરવા રાજય સરકાર રેરા (રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી) જેવી એક સંસ્થાની સ્થાપના કરશે. મોડેલ એકટ ભલામણ કરે છે કે રહેણાંક જગ્યાને ભાડે આપવા માટે સિકયોરિટી ડિપોઝીટ પેટે વધુમાં વધુ જગ્યાનું બે મહિનાનું ભાડા અને બિન-રહેણાંક એટલે કે વ્યાપારી કે ઔદ્યોગિક જગ્યા માટે વધુમાં વધુ છ મહિનાના ભાડા જેટલી રાખવામાં આવે. નવા કાયદામાં મિલકતોને સબ-લેટિંગ પર આપવાની જોગવાઈ હશે.

(3:10 pm IST)