Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભેંસ ગર્ભવતી થઈ તો આખું રાજય કરી રહ્યું છે ઉજવણી

જંગલી ભેંસ છત્તીસગઢનું રાષ્ટ્રીય પશુ છેઃ જેની પ્રજાતિ લુપ્ત થવાની કગાર પર છે

રાયપુર, તા.૨૦: છત્તીસગઢમાં હાલના દિવસોમાં પશુપ્રેમીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે  કે છત્ત્।ીસગઢના પશુપ્રેમીઓ હાલ એક જંગલી ભેંસને લઈને ખુબ ખુશ છે. કારણ કે આ ભેંસ માતા બનવાની છે. આ જ કારણ છે કે ચારેબાજુ લોકો આ જંગલી ભેંસની ચર્ચા કરી રહ્યાં છે. આ જંગલી ભેંસનું નામ ખુશી છે અને આખા વન વિસ્તારના લોકો હાલ ખુશીની દેખરેખમાં લાગ્યા છે.

વિસ્તારના લોકોના જણાવ્યાં મુજબ માસના અંત સુધીમાં કે પછી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ખુશી બાળકને જન્મ આપી શકે છે. આવામાં ખુશીની દેખરેખમાં લાગેલા લોકો તેની સારી રીતે દેખભાળ કરી રહ્યાં છે. એટલું જ નહીં ડોકટરો પણ ખુશીથી ચેકઅપ કરવા માટે આવે છે. ખુશીનો કોઈ તકલીફ ન થાય તે માટે કોઈને કોઈ ત્યાં હાજર રહે છે. ખુશી ગર્ભવતી હોવાના કારણે વન વિભાગ ખુબ ખુશ છે. ખુશીને સ્પેશિયલ દેખરેખમાં રખાઈ છે.

નોંધનીય છે કે જંગલી ભેંસ છત્તીસગઢનું રાષ્ટ્રીય પશુ છે. જેની પ્રજાતિ લુપ્ત થવાની કગાર પર છે. ઉદંતી અભ્યારણ્યમાં માત્ર ૮ જંગલી ભેંસો બચી છે અને તેમા પણ માદા જંગલી ભેંસ તો માત્ર બે જ છે. એક આશા અને બીજી ખુશી.

આશા હવે વૃદ્ઘ થઈ ગઈ છે અને પ્રજનન યોગ્ય નથી. જયારે તેની પુત્રી ખુશી જ હવે વંશને આગળ વધારી શકે તેમ છે. ખુશી પહેલીવાર ગર્ભવતી બની છે. આથી વન વિભાગ તેની દેખરેખમાં કોઈ કમી રાખવા માંગતો નથી. હાલ ખુશીને ઉદંતી અભ્યારણ્યના વાડામાં રાખવામાં આવી છે. જયાં વિશેષજ્ઞ ડોકટરો દ્વારા તેની નિયમિત તપાસ થઈ રહી છે.

(3:54 pm IST)