Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ઈરાકી સરહદ સામે સાઉદી અરેબીયામાં લશ્કર અને મિસાઈલો ખડકી દેતું અમેરિકા

ઈરાકની ભૂમીનો ઉપયોગ કરી ઈરાન હવે પછી ઈઝરાયલ અને અમેરિકી મથકોને નિશાન બનાવી હુમલા કરે તેવો ભય

વોશિંગ્ટન, તા. ૨૦ :. ઈરાકી સરહદની બરાબર સામે આવેલ સાઉદી એરબેઝ ઉપર ઈરાક સરહદ સામે ટ્રમ્પે ૫૦૦ અમેરિકી સૈનિકો ખડકી દીધા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ૧૦૦૦ સૈનિકો અહીં મુકવામાં આવનાર છે. આ સાથે જ અહીં પેટ્રીઅટ અણુ મિસાઈલો પણ ગોઠવી દેવામાં આવી છે. સાઉદી અરબના એરબેઝ ઉપર સતત બીજી વખત ઈરાન તરફી તત્વોએ ડ્રોન હુમલો કરતા આ પગલુ લેવાયુ છે.

દરમિયાન લંડનમાં રોયલ નેવીએ જાહેર કર્યુ છે કે ઓઈલ ટેન્કરોને એસ્કોર્ટ કરવા માટે ગલ્ફ વિસ્તારોમાં ત્રીજું અમેરિકી યુદ્ધ જહાજ 'એચએમએસ કેન્ટ' મોકલવામાં આવ્યુ છે.

આ વિસ્તારમાં આવેલ અમેરિકન ટાર્ગેટ અને સાથી અમેરિકી દળો ઉપર હવે પછી ઈરાકને મુખ્ય મથક બનાવી ઈરાન હુમલાઓ કરે તેવી પુરી શકયતાઓના પગલે અમેરિકા આ વિસ્તારમાં વધુ ક્રૂમકો-મિસાઈલો ખડકી રહ્યાનું ઈઝરાયલી વર્તુળો જણાવે છે.

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ તાજેતરમાં જ નિર્દેશ આપ્યા હતા કે અમેરિકા બગદાદ (ઈરાક) ખાતેની એલચી કચેરી બંધ કરી તે દેશમાં રહેલા અમેરિકી રાજદ્વારીઓને હટાવી લેવા માગે છે. ઈરાનના અમેરિકી વિરોધી હુમલાઓનું હવે પછીના નિશાનમાં ઈઝરાયલ હોવાનું અને આ હુમલાઓ પણ ઈરાક તરફથી આવશે તેમ ઈઝરાયલી જાસુસી તંત્રના વર્તુળો માની રહ્યા છે.

(1:11 pm IST)