Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

૨૦૨૦ માં આવશે અધિકમાસ

હિન્દુ તહેવારો આ વર્ષે ગત વર્ષ કરતા ૧૧ દિ' વહેલા

ગુરૂપૂર્ણિમાંથી માંડીને નૂતનવર્ષ સુધીના તહેવારોની તારીખમાં ૧૧-૧૨ દિ'નું અંતર

નવી દિલ્હી તા ૨૦  : હિંદુ પંચાગ અને શાસ્ત્રોમાં ચંદ્ર અને સુર્યના રાશી પરિવર્તનના તફાવતને આધારે દર ત્રણ વર્ષે એકવાર અધિક માસનો ઉમેરો થાય છે. ગત ૨૦૧૮ની સાલમાં અધિક એટલે કે  પુરૂષોતમ માસ આવ્યા બાદ હવે આગામી વર્ષ ૨૦૨૦ માં અધિક માસ આવશે, જેને લઇને ચાલુ વર્ષે શરૂ થયેલા હિન્દુ પર્વોની મોસમ પર સીધી અસર જોવા મળશે. હિન્દુ પંચાગ પ્રમાણે અઢીથી ત્રણ વર્ષે આવતા અધિક માસને લઇને આ વર્ષે  ગુરૂપૂર્ણિમાથી માંડીને નૂતન વર્ષ સુધીના પર્વ ૧૧ દિવસ વહેલા આવશે.

જયોતિષાચાર્ય ભાવિન પંડયાના જણાવ્યા મુજબ, હિન્દુ પંચાગ પ્રમાણે ચંદ્રમાં દર ૨૭ દિવસે રાશિ બદલે છે. જયારે સુર્ય એક મહિને રાશિ પરિવર્તન કરે છે. આ બન્ને વચ્ચે ૩ દિવસનો રહી જતા તફાવતને કારણે દર ત્રીજા વર્ષે પૂર્ણ માસ બને છે. દર અઢીથી ત્રણ વર્ષે એક માસનો થતો વધારો અધિક માસ અથવા તો પુરૂષોતમ માસ ગણવામાં આવે છે. બે અધિક માસ વચ્ચે સામાન્ય પણે ૨૮ થી ૩૬ માસનું  અંતર હોય છે. કેટલાક શાસ્ત્રોમાં આ અંતર ૩૨ મહિના ૧૪ દિવસ અને ૪ કલાકનું નોંધવામાં આવ્યું છે. જે મહિને સુર્ય સંક્રાંતિ ન હોય તે અધિક માસ હોય છે. તેનાથી વિપરીત જે મહીને બે સુર્ય સંક્રાંતિ હોય તે ક્ષય માસ ગણવામાં આવે છે. આ બન્ને મહિને શુભ કાર્યો થઇ શકતા નથી. ૨૦૧૮ની સાલમાં ૧૬ મે થી ૧૩ જુન સુધી જેઠ માસ સાથે અધિક માસ હતો. જયારે હવે આગામી વર્ષે ૨૦૨૦માં સપ્ટેમ્બર માસમાં આસો માસની સાથે અધિક માસ આવશે.

આગામી વર્ષ ૨૦૨૦ માં અધિક માસ હોય તેની અસર ચાલુ વર્ષે આવનારા હિન્દુ પર્વો પર થશે. અઢી વર્ષ બાદ અધિક માસનો ઉમેરો થવાનો હોય ચાલુ વર્ષે તમામ પર્વો ૧૧ થી ૧૨ દિવસ વહેલા આવશે. ૨૦૧૮ ની સાલમાં શરૂઆતમાં જ અધિક માસ હોવાને કારણે ગત વર્ષે પર્વો ૧૦ દિવસ મોડા આવ્યા હતા. જયારે હવે આગામી વર્ષે અધિક માસને લીધે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પર્વોની ઉજવણી  વહેલી થશે. એટલુંજ નહીં આગામી વર્ષે ઓગષ્ટમાં આવતા પર્વો પણ  વહેલા થશે, ત્યારબાદના વર્ષમાં આવતા પર્વ ફરીવાર મોડા આવશે. ૨૦૨૦ બાદ ૨૦૨૩ની સાલમાં ફરી અધિક માસ આવશે.

પર્વોની તારીખમાં ફેરફાર પર એક ઝલક

પર્વ

૨૦૧૮

૨૦૧૯

ગુરૂર્પર્ણિમા

૨૭ જુલાઇ

૧૬ જુલાઇ

શ્રાવણ માસ શરૂ

૧૨ ઓગસ્ટ

૧ ઓગસ્ટ

રક્ષાબંધન

૨૬ ઓગસ્ટ

૧૫ ઓગસ્ટ

જન્માષ્ટમી

 ૩ સપ્ટેમ્બર

૨૩ ઓગસ્ટ

ગણેશ ચતુર્થી

૧૩ સપ્ટેમ્બર

૨ સપ્ટેમ્બર

અનંત ચોૈદશ

૨૪ સપ્ટેમ્બર

૧૨ સપ્ટેમ્બર

નવરાત્રી આરંભ

૧૦ ઓકટોબર

૨૯ સપ્ટેમ્બર

દશેરા

૧૯ ઓકટોબર

૮ ઓકટોબર

વાઘ બારસ

૪ નવેમ્બર

૨૫ ઓકટોબર

ધનતેરસ

૫ નવેમ્બર

૨૫ ઓકટોબર

દિવાળી

૭ નવેમ્બર

૨૭ ઓકટોબર

નુતન વર્ષ

૮ નવેમ્બર

૨૮ ઓકટોબર

(11:34 am IST)