Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમેરિકાની ધરા પર સૌ પ્રથમ બનેલા શ્રી સ્વામિનારાયણ મંદિર, સીએટલનો ૫૧ મો પાટોત્સવ ઊજવાયો...

સીએટલ: દુનિયામાં મહાસત્તા તરીકે વિખ્યાત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રાષ્ટ્રના વોશિંગ્ટન સ્ટેટના સીએટલ શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૫૧ મો પાટોત્સવ દબદબાભેર અને ઉલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો. સીએટલ શહેર ધરતીનો છેડો કહેવાય. એના પછી આગળ સમુદ્ર છે. જાપાન ઊગતા સૂર્યનો દેશ છે તો સીએટલ આથમતા સૂર્યનો કહીએ તો વાંધો નહીં. અહીં અને ભારતના સમયમાં ૧૩ કલાકનો ફેર છે. ભારતમાં સૌ જાગે તો અહીં ઊંઘે અને અહીં સૌ ઊંઘે તો ભારતમાં જાગે...

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ અમેરિકા રાષ્ટ્રની ધરા પર પદાર્પણ યુગદ્રષ્ટા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર  શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજથી ૪૮ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૭૦ના ઓકટોબરની ૨૬ મી તારીખે કર્યું હતું. પ.ભ. શ્રી લાલજીભાઈ ગરવલીયા અને સુપુત્ર કૃષ્ણલાલે પરમ ઉમળકાભેર સ્વાગત કરી કૃતકૃત્યતા અનુભવી હતી. તેમને ગૃહે જ મંદિર હતું. દર્શન કર્યા બાદ આર્ષદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આશિષ ઉદ્ગારો ઉચ્ચાર્યા હતા કે, “અમેરિકા જેવા દેશમાં આટલે દૂર શ્રી ઘનશ્યામ મહારાજ અને જીવનપ્રાણ અબજી બાપાશ્રી બિરાજેલા તે સદાય પ્રગટ જ છે. મણિનગરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ પોતે જ અહીં બિરાજે છે એમાં કોઈ શક નથી.”

સીએટલ પેસિફિક કોલેજ અને વોશિંગ્ટન યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા ગુજરાતી નવયુવકો સ્વામીબાપાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યાતીત બન્યા હતા. વળી, બરફાચ્છાદિત માઉન્ટ રેનીયર, સ્પેઇસ નીડલ, વોશિંગ્ટન પાર્ક, લેઈક  વગેરે સ્થળો પર પધારી તેને તીર્થત્વ બક્ષ્યું હતું. તેમજ પેસિફિક કોલેજના  ડીન ડો. કલેન્ટ, ખ્રીસ્તી ધર્મના પ્રચાર ડીન પ્રો. માઈક વગેરે અનેક મુમુક્ષુઓને અભય વરદાન અર્પ્યા હતા. તા. ૨૬ થી ૩૦ ઓક્ટોબર ૧૯૭૦ – પાંચ દિવસના પાવનકારી વિચરણના અંતિમ દિને એટલે કે વિક્રમ સંવત ૨૦૨૬ આસો વદ ૦)) અમાસ – દીપાવલી, શ્રી સદ્ગુરુ દિન અને અન્નકૂટોત્સવ – ત્રિવેણીસંગમ સમ મહા ઉત્સવ હતો. સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી અને તત્સંકલ્પ સ્વરૂપો સમક્ષ ભવ્ય અને દિવ્ય અન્નકૂટની સજાવટ કરવામાં આવી હતી. સ્વામીબાપાના આશીર્વાદ, અન્નકૂટ આરોગતા સ્વામિનારાયણબાપાની આરતી, સ્નેહમિલન વગેરે કાર્યક્રમો સંપન્ન થયા યુગપ્રવર્તક શ્રી મુક્તજીવન સ્વામીબાપા બાદ સંત ભક્ત મંડળ સહ સીએટલથી ન્યૂયોર્ક પધાર્યા હતા.

ઉપરોક્ત અનેકવિધ ઈતિહાસ ધરાવતા શ્રી સ્વામિનારાયણ મંદિરના ૫૧ મા પાટોત્સવ પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, નીરાજન વગેરે કરવામાં આવ્યા હતા. જેમાં અનેક સત્સંગીઓ અને ભાવિકો હાજર રહી ધન્યતા અનુભવી હતી. 

(11:57 pm IST)