Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

હવે પૈસા આપીને જેલમાં રહેવા અને ખાવાનો અનુભવ મળશે કેરળમાં

કોચી તા. ૨૦ : થોડાક સમય પહેલા તેલંગણમાં ૨૨૦ વર્ષ જુની એક સેન્ટ્રલ જેલમાં ૫૦૦ રૂપિયામાં એક દિવસ જેલમાં રહેવાનો અનુભવ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે આ જ દિશામાં કેરળ પણ આગળ વધવા માંગે છે. કેરળના જેલ-અધિકારીઓએ તાજેતરમાં રાજ્યની એક સેન્ટ્રલ જેલને ટૂરીઝમ  માટે ઓપન કરવાની વિચારણા કરી છે. એમાં પે એન્ડ સ્ટે સ્કીમ મુજબ તમે પૈસા આપીીને એક દિવસ માટે જેલમાં રહેવાનો અનુભવ મેળવી શકશો.  ખરી જેલ કેવી હોય એનો અનુભવ અહી તમને મળશે. જેલમા તમને કેદીઓ જેવો યુનિફોર્મ  આપવામાં આવશે અને જેલમાં કેદીઓને આપવામાં આવતુ સાદુ ભોજન કેદીની જેમ જ પીરસવામાં આવશે. થિસુર જિલ્લામાં વિય્યુર સેન્ટ્રલ જેલમાં શરૂ થઇ રહેલા પ્રિઝન- મ્યુઝિયમનો જ આ એક ભાગ હશે.  આ મ્યુઝિયમ બની રહ્યુ છે અને એની બાજુમાં જ ટુરિસ્ટોને જેલનો અનુભવ કરાવે એવા સેલ્સ બનાવવામાં આવ્યા છે. ૩ કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યુ છે અને જેલ  ખાતાનુ માનવુ છે કે જો અહી લોકો  જેલનો અનુભવ પણ લઇ શકશે તો એનુ આકર્ષણ  અનેકગણુ વધી જશે.  કેરળમાં કુલ ૫૪ જેલ છે. એમાથી વિય્યુર સેન્ટ્રલ જેલમાં ઐતિહાસિક જેલ મ્યુઝિયમ બની રહ્યુ છે.

(3:32 pm IST)