Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બાંગ્લાદેશની ધનિક યુવતીએ ઉંઘની ગોળીઓ ગટગટાવી જીવ દેવા પ્રયાસ કર્યો

લાલબત્તી : ચેતજો : ફેસબુક પર પ્રેમ પાંગર્યો : પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતા બળાત્કારની ફરિયાદ નોંધાવી : જાહેરાત છપાવી

રાજકોટ તા. ૨૦ : ફેસબુક પર મિત્રતા બાદ શાહીબાગમાં રહેતા એક યુવકના પ્રેમમાં પાગલ બનેલી બાંગ્લાદેશની યુવતી અવારનવાર યુવકને મળવા ફલાઈટમાં અમદાવાદ આવતી હતી. જોકે બાદમાં યુવકે લગ્નનો ઈન્કાર કરતા આઘાત પામેલી યુવતીએ ઊંઘની ગોળીઓ લઈને બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે પહેલા યુવક સામે નોંધાવેલી બળાત્કારની ફરિયાદ પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાંથી પાછી ખેંચી લીધી હતી. હાલમાં યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

આ બનાવની વિગત મુજબ બાંગ્લાદેશમાં રહેતી યુવતી શાહીબાગમાં રહેતા વિપુલ (નામ બદલ્યું છે) નામના મિકેનીકલ એન્જીનીયરિંગનો અભ્યાસ કરનારા યુવક સાથે ૨૦૧૦માં ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવી હતી. બાદમાં બન્ને એકબીજાના પ્રેમમાં પડયા હતા.

બાંગ્લાદેશમાં ઓનલાઈન બિઝનેસ કરતી આ યુવતી વિપુલના પ્રેમમા એટલી પાગલ હતી કે તે અવારનવાર ફલાઈટમાં અમદાવાદ આવતી હતી. બાદમાં બન્ને દિલ્હી અને મુંબઈ ફરવા જતા હતા. દરમિયાન બન્ને એકબીજા સાથે મોબાઈલથી સંપર્કમાં રહેતા હતા. યુવતીએ લગ્નની ઈચ્છા વ્યકત કરતા વિપુલ અચકાયો હતો. ધીમેધીમે તેણે યુવતી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે યુવતી બાંગ્લાદેશથી અમદાવાદ આવતી હતી અને તેને મનાવતી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવતીએ વિપુલ વિરૂધ્ધ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ પણ વિપુલના કહેવાથી પાછી ખેંચી હતી. ઊપરાંત કોર્ટના માધ્યમથી બન્ને વચ્ચે સમાધાન થયું હતું. તેમછતા વિપુલે લગ્નનો ઈન્કાર કરતા યુવતી અમદાવાદ એરપોર્ટ પર જ ૭ જુલાઈના રોજ ઊંઘની ૩૫ ગોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તેણે યુવતીનો ફોન બ્લોક કર્યો હોવાથી યુવતીએ બીજી વ્યકિતના ફોનથી વિપુલનો સંપર્ક કર્યો હતો અને તેના શાહીબાગ સ્થિત ઘરે ગઈ હતી. જયાં વિપુલના પિતાએ તેને સારો આવકાર આપ્યો હતો. ત્યારબાદ યુવતી પરત બાંગ્લાદેશ ચાલી ગઈ હતી. જોકે વિપુલ લગ્ન માટે તૈયારી દર્શાવતો ન હતો. અંતે ૧૫ જુલાઈના રોજ યુવતી અમદાવાદ આવી હતી અને વિપુલના ઘરે તપાસ કરતા તેના ઘરે તાળુ હતું. ત્રણ કલાક સુધી તે વિપુલના ઘર સામે રાહ જોતી ઊભી રહી હતી.

બાદમાં સોસાયટીવાળાએ તેને ચાલ્યા જવા કહ્યું હતું. અંતે યુવતીએ ફરીથી ઊંઘની ૪૫ ગોળી ખાઈ લેતા તેને સિવિલ હોસ્પિટલ દાખલ કરવી પડી હતી. ભાનમાં આવ્યા બાદ શાહીબાગ પોલીસ અને મેજીસ્ટ્રેટે તેનું નિવેદન લીધું હતું.

(12:32 pm IST)