Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા શિવસેનાનો મોદી સરકારને ઝટકો : 'સામના'માં લખ્યું કે...

આ સમયે દેશમાં તાનાશાહી ચાલી રહી છે

મુંબઇ તા. ૨૦ : અવિશ્વાસના પ્રસ્તાવના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને તગડો ઝટકો આપ્યો છે. શિવસેનાએ સરકારને સમર્થન નહી આપવાના સંકેત આપ્યા છે. શિવસેનાએ સામના લખ્યું છે કે આ સમયે દેશમાં તાનાશાહી ચાલી રહી છે. તેનું સમર્થન કરવાની જગ્યાએ શિવસેના જનતાની સાથે જવાનું ઇચ્છશે.

૫૪૩ સાસંદની લોકસભામાં આ સમયે ૧૧ બેઠક ખાલી છે. જેને કારણે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા ૫૩૨ છે. જેને લઇને બહુમતિ માટે જરૂરી આંકડા ૨૬૭ બેઠકનો છે. હાલમાં ભાજપના ૨૭૨ સાંસદો સહિત સરકારના પક્ષમાં કુલ ૨૯૫ સાંસદ છે. જો કે આ આંકડો ૩૧૩ સુધી થઇ શકે છે પરંતુ શિવસેનાએ હજુ સુધી પોતાનો મત રજૂ કર્યો નથી.જયારે વિરોધમાં ૧૪૭ સાંસદ છે, જયારે શિવસેના ૧૮ સાંસદોને મળીને આ સંખ્યા ૧૬૫ થઇ જશે. અત્યાર સુધીમાં ૯૦ સાંસદે અવિશ્વાસ પ્રસ્તાવ પર સમર્થન કરશે કે વિરોધ તે નિશ્ચિત કર્યું નથી. જો કે હજુ સુધી એવુ માનવામાં આવી રહ્યું હતું કે શિવ સેના સરકાર સાથે જશે.

ગુરૂવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ઘવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યાર બાદ એક અહેવાલ મુજબ શિવસેના મોદી સરકારના સમર્થનમાં મતદાન કરશે તેવું જાણવા મળ્યું હતું. જો કે આજે શિવસેનાએ સામનામાં અપ્રત્યક્ષ રીતે સાફ કરી દીધું છે કે તેઓ મોદી સરકારની તરફેણમાં મતદાન નહી કરે.

જો કે પક્ષ તરીકે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. એઆઇડીએમકે પણ હજી સુધી પોતાનો મત સાફ કર્યો નથી. પક્ષના ૩૭ સાંસદો કોને મત આપશે તે નક્કી કરાયું નથી. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરીક્ષા કરતાં વિપક્ષની પરીક્ષા વધારે હોય તેમ દેખાઇ રહ્યું છે, કારણે સંખ્યાબળ સરકાર સાથે છે. આમ હવે એટલું જોવાનું રહ્યું કે સરકાર વિરુધ્ધ વિપક્ષ કેટલી મજબૂતી સાથે ટકી શકે છે. (૨૧.૧૪)

(11:38 am IST)