Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ : હવે પીએમ મોદી અને રાહુલ ગાંધી ઉતરશે મેદાનમાં

કોંગ્રેસ તરફથી સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધી કમાન સંભાળશે : વિરોધીઓના આરોપોનો પલટવાર કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજી સંભાળી શકે છે : દિગ્ગજ વકતા રજૂ કરશે સરકારનો પક્ષ : ભાજપને બીજેડી - ટીઆરએસ પાસે આશા : લૈંગિક અધિકારો પર કોંગ્રેસ સરકારને ઘેરશે

નવી દિલ્હી તા. ૨૦ : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ પહેલા ગુરુવારે ભાજપના મોટા માથા અને કેન્દ્રીય મંત્રીઓએ એનડીએને સહયોગ અને બીન-કોંગ્રેસી દળોના સમર્થનનો સંપર્ક કર્યો અને ચર્ચા દરમિયાન વિરોધ પક્ષને જવાબ આપવા માટે શું રણનીતિ બનાવવી તેના પર ચર્ચા કરવામાં આવી.

ભાજપના અધ્યક્ષ અમિત શાહએ કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના સાંસદો સાથે સંસદ ભવનમાં બેઠક કરીને શુક્રવારે થનારી ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિરોધી દલો પર સત્તા પક્ષ દ્વારા કઈ રીતે નિશાન સાધવું તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. ભાજપના નેતાઓએ એ નથી જણાવ્યું કે સરકાર તરફથી કયા નેતાઓને બોલવાની તક આપવામાં આવશે. ઓબીસી નેતા હુકુમદેવ નારાયણ યાદવ, ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ વીરેન્દ્ર સિંહ અને પાર્ટીના મુખ્ય વ્હિપ અનુરાગ ઠાકુર સરકાર તરફથી પક્ષ રજૂ કરી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ તરફથી સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધી કમાન સંભાળશે. વિરોધીઓના આરોપોનો પલટવાર કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજી સંભાળી શકે છે. પીએમ અંતિમ ભાષણ કરશે અને સરકારની ઉપલબ્ધિઓની સાથે કોંગ્રેસના ત્રણ તલાક અને મહિલા અનામત જેવા મુદ્દે ઘેરી શકે છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓને આશા છે કે બીજેડી અને ટીઆરએસ જેવા પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ પર તટસ્થ વલણ રજૂ કરશે. બીજેડી અને ટીઆરએસ જયાં વિરોધીઓનું સમર્થન નહીં કરે તેવી આશા છે, ત્યારે ૩૭ સાંસદવાળી એઆઈડીએમકેએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રસ્તાવ પર તેઓ સરકારની સાથે છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો વકતાઓમાં સમાવેશ થવાની સંભાવના છે. જયારે લૈંગિક અધિકારો પર કોંગ્રેસની નિંદા કરવા માટે ત્રણ તલાક અને હલાલા જેવા મુદ્દા ઉઠાવી શકે છે. ભાજપને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે, જયારે કોંગ્રેસને લગભગ ૪૦ મિનિટનો સમય મળશે.

ભાજપ તરફથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી એક-એક સાંસદ અમુક મિનિટ સુધી બોલવાની તક આપવામાં આવશે. આ ત્રણે રાજયોમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચામાં અંતિમ સમયમાં બોલશે તેમ માનવામાં આવી રહ્યું છે. સૂત્રો કહે છે કે મોદી એક કલાકથી વધુ સમય બોલી શકે છે.

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વડાપ્રધાનને જવાબ આપવા માટે સાંજના ૬ વાગ્યા સુધીનો સમય આપ્યો છે, પણ સૂત્રો કહે છે કે વડાપ્રધાન આ પહેલા સંબોધન શરૂ કરી શકે છે. સરકારને વડાપ્રધાન બોલે તે સમયે વિપક્ષ વોકઆઉટ કરે તેવી પણ સંભાવના છે. પાછલા કેટલાક સમયથી નારાજ રહેલા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેઓ હંમેશા 'રાજ ધર્મ કે પાર્ટી ધર્મ'નું પાલન કરે છે અને તેઓ 'સંકટ સમયમાં પાર્ટીની સાથે છે.' ભાજપમાંથી હાંકી કઢાયેલા કિર્તી આઝાદ હાલ લંડનમાં છે. તેમના પત્નીનો ઈલાજ ચાલી રહ્યો છે.

લોકસભા ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે પાર્ટીના નારાજ નેતાઓને લોકસભા ચૂંટણીની ટિકિટ ના મળવાની આશા દેખાઈ રહી છે છતાં તેઓ વ્હિપનું ઉલ્લંઘન નહીં કરે, કારણ કે તેમની સભ્યતા સમાપ્ત થઈ શકે છે. વ્હિપની સામે વોટ આપવાથી તેમને લોકસભા ચૂંટણી માટે ભાજપ ટિકિટ ન મળવી પાક્કું છે. ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવ સામે સમર્થન માટે વિરોધી દળોનો પણ સંપર્ક કર્યો છે. જેમાં શિવસેનાએ સમર્થનની જાહેરાત કરી છે.

(11:31 am IST)