Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

૪૦ કરોડ મજૂરોને સામાજીક સુરક્ષા આપવા તૈયારી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તૈયાર કરશે અસંગઠિત ક્ષેત્રના મજુરોની ઓળખ સંખ્યાનો ડેટાઃ મજુરોને પેન્શન-સ્વાસ્થ્ય સુવિધા-મહિલા પ્રસુતી લાભ ઉપલબ્ધ થશેઃ નાણામંત્રાલયની મંજૂરીઃ ૧૭ સપ્ટેમ્બરે 'વિશ્વકર્મા' દિવસે યોજનાનું એલાન

નવી દિલ્હી તા. ર૦ :.. કેન્દ્ર સરકાર અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લગભગ ૪૦ કરોડ મજૂરોને સામાજીક સુરક્ષા કવચ આપવાની તૈયારી કરી રહી છે. આના માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયને આ ક્ષેત્રમાં કામ કરતા મજૂરોની સંખ્યા નકકી કરવાની જવાબદારી આપી દેવાઇ છે. આશા સેવાઇ રહી છે કે આગામી ૧૭ સપ્ટેમ્બરની આની શરૂઆત વડાપ્રધાન મોદી કરશે. કેન્દ્રની આ યોજનાને લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જોવાઇ રહી છે.

સરકારના એક ઉચ્ચ અધિકારી અનુસાર, અસંગઠીત ક્ષેત્રના મજૂરોને રોજગારી ઉપલબ્ધ કરાવવા, તેમને આરોગ્ય સેવા કે બીજી કોઇ મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચાલે છે પણ તેની જાણકારી હોતી નથી. જેનું મુળ કારણ આ યોજનાઓ અલગ અલગ મંત્રાલયો સાથે જોડાયેલી હોવાનું છે. જયારે કેટલીક યોજનાઓ માટે પૈસા કેન્દ્ર સરકાર આપે છે પણ તેને અમલી બનાવવાની જવાબદારી રાજય સરકારોની છે.  આ બધા કારણોથી ખબર નથી પડતી કયા લાભાર્થીને કઇ યોજનાનો લાભ મળે છે અને કોને નથી મળતો એટલે સરકાર અસંગઠીત ક્ષેત્રે કામ કરતા મજૂરોની ઓળખ સંખ્યા (યુડબલ્યુઆઇએન) બનાવશે. જે આધાર નંબર સાથે જોડાયેલ હશે. એના માટે યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયાની લીલીઝંડી મળી ગઇ છે. જેના દ્વારા સામાજીક સુરક્ષા, પેન્શન, આરોગ્ય લાભ, મહીલાઓને પ્રસુતિના લાભ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

નાણા મંત્રાલયે આપી મંજૂરી

કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક વિભાગના એક અધિકારી અનુસાર, આ યોજનાને લીલીઝંડી મળી ચુકી છે. દેશના ૪૦ કરોડ લોકોને આધાર નંબર પર આધારીત ઓળખ નંબર આપવા માટે ૪૦ર કરોડ રૂપિયાનું બજેટ પણ મંજૂર થઇ ગયુ છે. એટલું જ નહિ, આ યોજનાને વિશ્વ બેંક તરફથી ટેકનીકલ મદદ પણ મળશે, જે નોન લેડીંગ ટેકનીકલ આસીસ્ટન્સ સ્કીમ હેઠળ ઉપલબ્ધ થશે.

પેન્શન આપવામાં મદદરૂપ

અધિકારી અનુસાર, અસંગઠીત ક્ષેત્રે કામ કરતા મજૂરોની મોટી સમસ્યા એ છે કે વય વધી ગયા પછી તેમની પાસે આજીવીકાનું કોઇ સાધન નથી હોતું. તેથી એવા લોકોને પેન્શન આપવામાં આ યોજના મદદરૂપ થશે. સાથે જ, આવા મજૂરોની આરોગ્ય સેવા તથા કર્મચારી રાજય વીમા અધિનિયમ હેઠળ મળતી બીજી કેટલીક સુવિધાઓ આપવા બાબતે પણ વિચારણા થઇ રહી છે. તેમના કહેવા પ્રમાણે જો જરૂર પડશે તો સરકારની બીજી કેટલીક યોજનાઓના લાભ પણ આ યોજના હેઠળ આપી શકાશે. બધા મજૂરોને યુડબલ્યુઆઇએન મળી ગયા પછી તેમના માટે બીજી કેટલીક યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે.

(10:44 am IST)