Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અવિશ્વાસ દરખાસ્ત : ચર્ચાનો પ્રારંભ : ૬ વાગ્યા બાદ મતદાન

સરકારની અગ્નિપરીક્ષા છતાં જીત નક્કી : સંખ્યાબળના આધારે એનડીએનું પલ્લુ ભારેઃ રાહુલ સહિતના વિપક્ષી નેતાઓ સરકાર ઉપર માછલા ધોશે તો મોદી બધાને આપશે જડબાતોડ જવાબ

નવી દિલ્હી તા. ૨૦ : કેન્દ્રની મોદી સરકાર અંદાજે સાડાચાર વર્ષના કાર્યકાળમાં આજરોજ પ્રથમ વખત વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર આજરોજ સવારે ૧૧ વાગ્યે ચર્ચા શરૂ થઇ છે જે અંદાજે ૭ કલાક સુધી ચર્ચા ચાલશે. આજે સંસદમાં બોલવાની રાહુલ ગાંધીની ઇચ્છા પુરી થશે. તેઓ સરકાર ઉપર માછલા ધોશેએ નક્કી છે.

સાંજે ૬ વાગ્યા બાદ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. જો કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારની જીત થશે તેવું લાગી રહ્યું છે. સંખ્યાબળની દ્રષ્ટિના આધાર પહેલા એનડીએ સરકારનો અન્નાદ્રમુકનું સમર્થન મળતા અને બીજેડી-ટીઆરએસ પક્ષના મતદાન દૂર રહેવાના નિર્ણયથી શકિત પરીક્ષણનું સસ્પેન્સ ખત્મ થઇ ગયું છે.

આજે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને સંસદમાં ચર્ચા થવાની છે, જેમાં ભાજપે બહૂમતિ સાબિત કરવાની રહેશે. આ પહેલા સંસદમાં બંને પક્ષે ચર્ચા થયા બાદ વોટિંગ કરવામાં આવશે. આ માટે તમામ પક્ષોએ પોત-પોતાના સાંસદોની વ્હીપ પણ આપી દીધું છે.

મહત્વનું છે કે, ૨૦૦૩માં જે પ્રમાણે વાજપેયી સરકાર સામે અગ્ની પરીક્ષા હતી તેવી જ રીતે હવે પીએમ મોદી સામે પડકાર છે. ફરી એ જ સત્ર, એજ સંસદ, એજ NDA સરકાર અને એ જ સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં મોદી સરકાર માટે આજે અગ્નિપરિક્ષામાંથી પાસ થવું અને થોડા સમય બાદ લોકસભાની ચૂંટણીમાં પોતાને સાબિત કરવું એ પડકાર હશે.

મહત્વનું છે કે, મોદી સરકાર સામે આ પડકાર એવા સમયે આવ્યો છે જયારે લોકસભાની ચૂંટણીમાં માત્ર એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે NDA પાસે પુરતું સંખ્યા બળ છે જેથી ભાજપ પર હાલ કોઈ શંકટ દેખાતું નથી.

૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની આજે પહેલી મોટી કસોટી છે. શાસક ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપના ભૂતપૂર્વ સાથીપક્ષ તેલુગુ દેસમ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ઘ રજૂ કરેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા થશે અને ચર્ચાને અંતે મતદાન થશે.

આંધ્ર પ્રદેશ રાજયને વિશેષ દરજ્જો આપવાના વચનનું મોદી સરકારે પાલન ન કરતાં ટીડીપી પાર્ટીએ એનડીએ સાથેનો છેડો ફાડી નાંખ્યો છે અને હવે સંસદમાં એની વિરૂદ્ઘ વલણ અખત્યાર કર્યું છે. એના અવિશ્વાસના પ્રસ્તાવને કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોનો ટેકો છે, પરંતુ આ પ્રસ્તાવ ઊંધે માથે પડવાની પૂરી શકયતા છે, કારણ કે લોકસભામાં ભાજપ પાસે પૂરતું, ૨૭૩દ્ગફ્રત્ન સંખ્યાબળ છે. વિશ્વાસનો મત જીતવા માટે સરકારે ૨૬૮ મત મેળવવા પડે. ભાજપને કેટલાક સાથી પક્ષોના સભ્યોનો પણ ટેકો હોવાથી એનડીએને ૩૧૩ સભ્યોના મત મળવાની ધારણા છે.

અવિશ્વાસના પ્રસ્તાવ પર લોકસભા ગૃહમાં ચર્ચા માટે સ્પીકર સુમિત્રા મહાજને સાત કલાક ફાળવ્યા છે. એમાંથી ત્રણ કલાક અને ૩૩ મિનિટનો સમય ભાજપને આપવામાં આવ્યો છે. પ્રસ્તાવ રજૂ કરનાર ટીડીપીને ૧૩ મિનિટ આપવામાં આવી છે. લોકસભામાં ટીડીપીના ૧૬ સભ્યો છે. પક્ષના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે, પણ અમુક સાંસદો ગેરહાજર રહે એવી ધારણા છે.

વડા પ્રધાન મોદી ગૃહમાં હાજર રહેશે અને સંબોધન પણ કરશે. મતદાન યોજાતા કદાચ રાત પડી જવાની સંભાવના છે. છેલ્લા ૧૫ વર્ષમાં કેન્દ્ર સરકાર વિરુદ્ઘ આ પ્રકારની આ પહેલી જ પરીક્ષા છે.

મોદી સરકારના પહેલા અવિશ્વાસ પ્રસ્તાવનો કોને લાભ મળશે? શું સરકાર તે પછી વધુ મજબૂત થશે કે વિપક્ષ માટે ફરીથી સંગઠીત થવાની મોટી તક છે? લોકસભા ચૂંટણીના બરાબર ૧૦ મહિના પહેલા રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાના પહેલા સંસદથી લઇને ગલી-ગલીમાં તેને લઇને ચર્ચા અને ઉત્સુકતા છે.

શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો અંત પીએમ નરેન્દ્ર મોદી કરશે. વિપક્ષ પણ પીએમ મોદીની સંવાદ કરવાની ક્ષમતા અને એજન્ડા સેટ કરવાની તાકાતને માને છે. તો ભાજપને લાગે છે કે વિપક્ષએ પીએમ મોદીને ફ્રી હિટ આપી દીધી છે, જયાંથી તેઓ ફરી એકવખત રાજકીય એજન્ડા સેટ કરવા ઉપરાંત પોતાની નબળાઈઓને ઉજાગર કરી દેશે. પીએમ મોદી તેના બીજા દિવસે યુપીમાં એક સભાને પણ સંબોધિત કરશે. સ્પષ્ટ છે કે, આ પ્લેટફોર્મ પર મોદી વિરુદ્ઘ બધાનો એજન્ડા સેટ કરવાનો પ્રયાસ કરશે.

આંકડા નથી કે દમદાર સ્પીકર નથી. સંસદમાં લાંબી ચર્ચા, એ જાણતા હોવા છતાં કે તેનું પરિણામ સરકારના પક્ષમાં નથી આવવાનું, તો પણ વિપક્ષે કેમ આ રસ્તો પસંદ કર્યો? અમારા સહયોગી એનબીટીએ જયારે વિપક્ષના કેટલાક સીનિયર નેતાઓને આ સવાલ પૂછ્યો તો એ સામાન્ય વાત સામે આવી કે તે લડતા હોવાનું બતાવવા ઈચ્છે છે. લોકસભા ચૂંટણીના બરાબર ૧૦ મહિના પહેલાથી તે એ બતાવવા ઈચ્છે છે કે તે લડવા માટે હવે માનસિક રીતે તૈયાર છે.

કોંગ્રેસના એક સીનિયર નેતાએ કહ્યું કે, હવે રક્ષણાત્મક રાજનીતિનો સમય નથી. વિપક્ષને લાગે છે કે દિવસભર ચાલનારી ચર્ચામાં હવે લોકો તેમના પોઈન્ટ પણ સાંભળશે અને આ તેમના માટે એક સારી તક હશે. વિપક્ષનો દાવો છે કે, શુક્રવારે લોકો બંને પક્ષોની વાત સાંભળશે અને તેમના માટે આ સારી તક છે પોતાની વાત રાખવાની, બલે જ તેનું પરિણામ કંઈ પણ કેમ ન હોય. આ કારણે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી કમાન સંભાળશે. પાર્ટી તરફથી જયોતિરાદિત્ય સિંધિયા અને મલ્લિકાર્જૂન ખડગે પણ બોલશે.

બુધવારે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જયારે સરકારે ટીડીપીના અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકાર કરી શુક્રવારે જ તેના પર ચર્ચા કરવાની જાહેરાત કરી તો વિપક્ષ પણ આશ્યર્યમાં મૂકાઈ ગયો. ગત સત્રમાં આ ચર્ચાથી સતત ભાગતી જોવા મળેલી સરકાર પાસે આ અપેક્ષા રાખવામાં આવતી ન હતી, પરંતુ તે પછીના ઘટનાક્રમથી હવે એવું લાગી રહ્યું છે કે, સરકાર પૂરી યોજના સાથે પહેલેથી તૈયાર હતી. એવામાં ટીડીપીનો પ્રસ્તાવ સ્વીકાર કરવો હવે સરકારની રણનીતિ જ લાગી રહી છે. જયારથી પ્રસ્તાવ સ્વીકાર થયો છે, ત્યારથી સરકાર દાવો કરી રહી હતી કે તેમાં જેટલા વોટ લેશે, તેનાથી વિપક્ષ આશ્યર્યમાં મૂકાઈ જશે. હવે, સરકારનો પૂરો પ્રયાસ આ દાવાને અમલમાં લાવવાનો છે.

સરકારના પક્ષમાં કોણ રહશે અને સરકારની વિરુદ્ઘ કોણ રહેશે, તેમાં કેટલાક પક્ષોએ ગુરુવારે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. જોકે, સરકારની સહયોગી શિવસેના શુક્રવારે જ પોતાના પત્ત્।ા ખોલશે. યુપીએ, ટીડીપી ઉપરાંત એસપી અને ટીએમસી પક્ષોએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે, પરંતુ જે રાજકીય પક્ષો પર સૌથી વધુ નજર રહેશે તે પક્ષ છે- એઆઈએડીએમકે, બીજેડી અને ટીઆરએસ. સૂત્રો મુજબ, તેમાં એઆઈએડીએમકે અને ટીઆરસી તો ટીડીપીના સમર્થનવાળા પ્રસ્તાવની સાથે નહીં જાય. પરંતુ સરકારને સપોર્ટ કરશે કે વોટિંગમાં ગેરહાજર રહી ન્યૂટ્રલ સ્ટેન્ડ લેશે, એ અંગે હજુ આશંકા છે.

બંને પક્ષો પાસે સરકારને સપોર્ટ કરવાની પાછળનો તર્ક ટીડીપીનો પ્રસ્તાવ છે. તેલંગાણાનો આંધ્ર પ્રદેશ સાથે પોતાનો વિવાદ છે, તો એઆઈડીએમકેનો તર્ક છે કે કાવેરી નદીના મુદ્દા દરમિયાન ટીડીપીએ સપોર્ટ નહોંતો કર્યો. બીજેડી સૂત્રોએ પણ જણાવ્યું કે, તે સંસદની અંદર સરકાર પર હુમલો કરી ન્યૂટ્રલ સ્ટેન્ડ લઈ શકે છે. જો ત્રણે પક્ષો કોઈનો પણ સાથ નહીં આપે તો, સરકાર અને વિપક્ષના વધુમાં વધુ સહયોગી ભેગા કરવાની લડાઈ ડ્રોમાં ફેરવાઈ શકે છે. એસપી સૂત્રો મુજબ, વર્તમાન સ્થિતિમાં સરકારનું સમર્થન કરવાનો કોઈ આધાર નથી અને સંસદમાં વિપક્ષની સાથે રહેશે.

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા બોલ્યા મોદી, ટ્વીટ કરીને કહ્યું-લોકતંત્રનો મોટો દિવસ : આશા છે યોગ્ય ચર્ચા થશે

નવી દિલ્હી તા. ૨૦ : સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ થવાનુ છે. દરેક પક્ષો પોતાની સંખ્યા સાચવવા અને સંખ્યાબળ વધારવા માટે કમરકસી રહ્યાં છે, જોકે, મોદી સરકાર પાસે પુરતી બહુમતી છે જેથી કોઇ ખતરો નડી શકે તેમ નથી. સંસદમાં ચર્ચા ૧૧ વાગે શરૂ થશે ત્યારબાદ વોટિંગ થશે. આજનો દિવસ મોદી સરકાર માટે ખાસ મહત્વનો છે, સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ આજે મોદી સરકાર સામે પહેલીવાર અવિશ્વાસ પ્રસ્તાવ આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આજનો દિવસ લોકતંત્ર માટે મોટો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, 'આજે અમારા સંસદીય લોકતંત્રનો એક મહત્વપૂર્ણ દિવસ છે. મને આશા છે કે સાથી સાંસદ અને સહયોગી આ પ્રસંગે એક રચનાત્કમક, વ્યાપક, રૂકાવટ મુકત અને કામની ચર્ચા કરશે. અમે આ માટે આપણાં બંધારણના નિર્માતાઓને શ્રેય આપીએ છીએ. આજે ભારત અને ઝીણવટપૂર્ણક જોશે.'

 

(3:31 pm IST)