Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ટ્રાન્સપોર્ટ હડતાલ શરૂ : રોજનું ૨ હજાર કરોડનું નુકશાન

રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છની સેંકડો કંપનીઓ પાસે રો-મટીરીયલ ન પહોંચ્યું: આજથી જ ઉત્પાદન બંધ કરી દેતા દેકારો... : હજારો-લાખો મજુરો-કારીગરોના ભથ્થા કપાઈ ગયાઃ હાઈવે સૂમસામઃ જગ્યા મળે ત્યાં ટ્રકો ઉભા રાખી દેવાયાઃ થપ્પા લાગી ગયા : પ્રથમ દિવસે ખાનગી ટ્રાવેલ્સ જોડાયાઃ રાજકોટ સૌરાષ્ટ્રથી બસો ન ઉપડી : રાજકોટમાં ત્રણ સ્થળે કંટ્રોલ રૂમ શરૂ : ટ્રાન્સપોર્ટરોએ બે છાવણી ઉભી કરીઃ વાહન વ્યવહાર મંત્રી સાથેની મંત્રણા પડી ભાંગીઃ હડતાલ લંબાશે તો આમ આદમી ઉપર અસર...

રાજકોટ, તા. ૨૦ :. દેશભરના ટ્રક ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે ૯૦ લાખ ટ્રક અને આજે ૫૦ લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. ગઈકાલે વાહન વ્યવહાર મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે મંત્રણા પડી ભાંગતા હડતાલ યથાવત રહી છે.

ટ્રક અને બસ ઓપરેટર્સ એસોસિએશનની મુખ્ય માગ પેટ્રોલ અને ડીઝલના રોજે-રોજ વઘતા-ઘટતા ભાવ છે. જેના પગલે તેઓ રોજ પોતાના દર વધારી કે ઘટાડી શકતા નથી. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની માગ છે. આ ઉપરાંત ટોલ ટેકસ સમાપ્ત કરવાનો પણ સરકારે વાયદો કર્યો હતો. સરકાર ૩૬૫ ટોલ પ્લાઝા પરથી દર વર્ષે ૧૮ હજાર કરોડનો ટોલ ટેકસ વસુલે છે.

આજે રાજકોટ-સૌરાષ્ટ્રથી એક પણ ખાનગી ટ્રાવેલ્સ ઉપડી નથી, ૧૫૦૦ બસ ઠપ્પ થઈ ગઈ છે.

દેશમાં ટોલ પ્લાઝા પર ટ્રક ઉભી રહે તેનાથી ૯૮ હજાર કરોડ રૂપિયાનું ઈંધણ બરબાદ થાય તેવો સરકારી આંકડો છે. ત્યારે ટ્રક ઓપરેટર્સ ઈચ્છે છે કે સરકાર ડીઝલ પર એક રૂપિયો ટોલના નામે લે તો તેનાથી ૧૮ હજાર કરોડથી અનેકગણી આવક મળશે. અને ટોલ વસુલવાનો ખર્ચ પણ નહીં કરવો પડે. આ સાથે જ અન્ય મુખ્ય માંગ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેની છે. જેનું પ્રિમીયમ દર વર્ષે વધારી દેવાય છ, અને સરકાર તેના પર ૧૮ ટકા જીએસટી લગાવ્યો છે.

આજે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મુખ્ય શહેરોમાં ટ્રાન્સપોર્ટરોએ કંટ્રોલ રૂમ ખોલ્યા છે, એક પણ ઓફિસ ખુલી નથી, હાઈવે સૂમસામ છે.

ટ્રક હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર થાય છે, કારણ કે ટ્રક હડતાલથી દૂધ-શાકભાજી અને બાકી સામાનોનું સપ્લાય બંધ થઈ જાય છે. એવામાં ડિમાન્ડ વધી જાય છે અને સપ્લાય ઘટી જાય છે. જેથી સામાન્ય પ્રજાએ કેટલીક વસ્તુઓના વધારાના પૈસા ચુકવવા પડે છે.

રાજકોટમાં ૪-ભકિતનગર ખાતેના કંટ્રોલ રૂમ ઉપર રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના ચેરમેન શ્રી હસુભાઈ ભગદે, મંત્રી શ્રી મીહીરભાઈ વિગેરે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ડીઝલની કિંમતોને જીએસટી હેઠળ લાવવામાં આવે, અથવા હાલના સમયમાં તેના પર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ટેકસ ઓછો લેવામાં આવે. ટોલ કલેકશન સિસ્ટમને પણ બદલવામાં આવે, કારણ કે ટોલ પ્લાઝા પર ઈંધણ અને સમયના નુકસાનથી વર્ષે ૧.૫ લાખ કરોડનું નુકશાન થાય છે. થર્ડ પાર્ટી વીમા પ્રીમીયમ પર જીએસટીની છૂટ મળે અને આમાં એજન્ટને મળતું કમીશન પણ ખતમ કરવામાં આવે. ઈન્કમ ટેકસ એકટના સેકશન ૪૪ખ્ચ્જ્રાક્નત્ન પ્રિઝેંટિવ ઈન્કમ હેઠળ લાગનાર ટીડીએસને બંધ કરવામાં આવે અને ઈ-વે બિલમાં સંશોધન થાય.

ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ મીડિયા સાથે વાતચીતમાં એ વાતનો સંકેત આપ્યો કે, બે ડ્રાઈવર રાખવાની અનિવાર્યતામાં રાહત આપવામાં આવી શકે છે. જયારે ફિટનેસની વાત કરીએ તો, દર વર્ષને બદલે બે વર્ષ કરવાની રાહત આપવામાં આવી શકે.

દરમિયાન હડતાલ અફર રહેતા રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની નાની-મોટી તમામ પ્રકારની કંપનીઓએ આજથી જ માલનું ઉત્પાદન બંધ કરી દીધુ છે. સેંકડો કંપનીઓ એવી છે કે, જેને રો-મટીરીયલ્સ ગુજરાત કે ગુજરાત બહારથી આવે છે તે પહોંચ્યું નથી, આથી ફરજીયાત ઉત્પાદન બંધ કરી દેવાયુ છે, હજારો કંપનીઓએ ઉત્પાદન બંધ કરી દેતા લાખો કારીગરો-મજુરોની રોજીરોટી ઉપર પહેલા દિવસે જ ગંભીર અસર પહોંચી છે. રાજકોટમાં ત્રણ સ્થળે કંટ્રોલ રૂમ તો માલીયાસણ નજીક અને મેટોડા ગેઈટ નં. ૧ નજીક બે છાવણી શરૂ કરી દેવાઈ છે. જગ્યા મળે ત્યાં ટ્રકો ઉભા રાખી દેવાયા છે. હાઈવે વહેલી સવારથી સૂમસામ બની ગયા છે.

(3:22 pm IST)