Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કેન્દ્રીય એજન્સી કરે છે હેરાન : આપણે ભાજપ સાથે ગઠબંધન કરવું જોઈએ : શિવસેનાના ધારાસભ્યે લખ્યો ઉદ્ધવ ઠાકરેને પત્ર

પ્રદીપ સરનાઈકે લખ્યું -- મુંબઇ, થાણે, પુણે અને નાગપુર સહિત 10 શહેરોમાં યોજાનારી આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ સાથે હાથ મિલાવવો જોઇએ.

મુંબઈ : શિવસેનાના ધારાસભ્ય અને પ્રવક્તા પ્રતાપ સરનાઇકે પાર્ટી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સાથે ગઠબંધન કરવા કહ્યું છે. ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, શિવસેનાએ મુંબઇ, થાણે, પુણે અને નાગપુર સહિત 10 શહેરોમાં યોજાનારી આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ સાથે હાથ મિલાવવો જોઇએ.

પત્રમાં સરનાઇકએ કહ્યું કે, શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવી છે, ત્યારે તેણે માત્ર કોંગ્રેસ અને એનસીપીને મદદ કરી છે. સરનાઇકે આક્ષેપ કર્યો છે કે એનસીપી અને કોંગ્રેસ શિવસેનાના નેતાઓ અને કાર્યકરોને તેમના પક્ષમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરિણામે પાર્ટી નબળી પડી રહી છે

પ્રતાપ સરનાઇકે પત્રમાં વધુમાં લખ્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે અને તેમના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે પરંતુ કોંગ્રેસ અને એનસીપી અમારા પક્ષને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં લખ્યું છે કે મારું માનવું છે કે જો તમે પીએમ મોદીની નજીક આવશો તો સારું રહેશે. જો આપણે વધુ એક વખત ભેગા થઈશું, તો તે પાર્ટી અને કાર્યકરો માટે ખૂબ ફાયદાકારક રહેશે. કેન્દ્રીય એજન્સીઓ અમારો કોઈ દોષ ન હોવા છતા અમને નિશાન બનાવી રહી છે, જો તમે પીએમ મોદીની નજીક આવશો તો રવિન્દ્ર વાયકર, અનિલ પરબ, પ્રતાપ સરનાઇક જેવા નેતાએ અને તેમના પરિવારોની પીડા દૂર થશે.

(8:57 pm IST)