Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

યુપી સરકાર લાવશે વસ્તી નિયંત્રણ પર કાયદો : 2થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી લાભ

લો કમિશન આગામી બે મહિનામાં રાજ્ય સરકારને તેનો રિપોર્ટ સોંપશે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની યોગી સરકાર વસ્તી નિયંત્રણ પર કાયદો લાવવા જઇ રહી છે. રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં આ નવો કાયદો બનાવવા માટે આયોગે અન્ય રાજ્યોમાં લાગુ કાયદાનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ટૂંક સમયમાં આયોગ તેનો ડ્રાફ્ટ તૈયાર કરશે અને સરકાર સમક્ષ રજૂ કરશે.

વસ્તી નિયંત્રણ પર કાયદો બનાવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં 2થી વધુ બાળકોના માતા-પિતાને આગામી સમયમાં સરકારી સુવિધાઓ અને સબસિડીથી વંચિત રહેવું પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ માટે કાયદા બનાવવાનું શરૂ કરી દીધુ છે.

માનવામાં આવી રહ્યું છે કે લો કમિશન આગામી બે મહિનામાં રાજ્ય સરકારને તેનો રિપોર્ટ સોંપશે. આયોગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં લાગુ કાયદાઓનો અભ્યાસ શરૂ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવા કાયદામાં બે કરતા વધુ બાળકોના માતાપિતાને મળતી સરકારી સુવિધાઓ અથવા મળતી સબસિડીમાં ઘટાડો કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. વધતી વસ્તીને કારણે ઉભી થતી બેરોજગારી અને સરકારી યોજનાઓનો લાભ મળવામાં થતી સમસ્યાઓનો પણ આયોગ અભ્યાસ કરી રહ્યું છે, જેથી કાયદા કડક બનાવવામાં આવે અને લોકોને પણ જાગૃત કરવામાં આવે.

રાજ્ય કાયદા પંચના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલના જણાવ્યા પ્રમાણે વધતી વસ્તીને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જે લોકો વસ્તી નિયંત્રણમાં મદદ કરી રહ્યા છે, તેઓને સરકારી સુવિધાઓનો લાભ મળતો રહેવો જોઈએ. પરંતુ જેઓ આ સુવિધાઓનો લાભ લેવા માંગતા નથી તેઓ સ્વતંત્ર છે.વસ્તી નિયંત્રણ કાયદો કુટુંબિક નિયોજન કરતા અલગ છે, તે કોઈ પણ ધર્મ અથવા માનવાધિકાર વિરુદ્ધ નથી.

આ કાયદા સાથે એક પ્રયાસ એ છે કે તે લોકો માટે સરકારી સંસાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ જે વસ્તી નિયંત્રણમાં ફાળો આપવા માટે મદદ કરી રહ્યાં છે. રાજ્ય કાયદા પંચ ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ડ્રાફ્ટ તૈયાર થયા પછી, તે રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

(8:21 pm IST)