Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

USના રાષ્ટ્રપતિ બાઇડનના સાથી ચેમ્પનું નિધન થયું

ફેસબુક પોસ્ટ વાયરલ થઈ : અમેરિકાના રાષ્ટ્રપતિએ ચેમ્પનું નિધન થતા લખેલી ફેસબુક શ્રદ્ધાંજલિને ૪૮૦૦૦ કરતા વધુ લોકોએ શેર કરી

વૉશિંગ્ટન,તા.૨૦ : અમેરિકાના રાષ્ટ્રપતિને જગત જમાદારની દેશી ઉપમા અપાય છે અને સ્વાભાવિક છે તે શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્ર પ્રમુખ છે. તેમની કહેલી વાતોની સમગ્ર વિશ્વ પર અસર થાય છે. તેઓ ફેસબૂક પર સત્તાવાર રીતે પેજ પરથી વિશ્વ સાથે સંવાદ સાધે છે. આ પેજ પર તે પોતાના જીવનની તમામ વાતો સત્તાવાર રીતે રજૂ કરે છે. તેમણે શનિવારે પોતાના ૧૩ વર્ષના એક પ્રિય સાથીના નિધનના સમાચાર આપ્યા અને ફેસબૂક પર તે એટલી હદે વાયરલ થયા કે ન પૂછો વાત. અમેરિકાના રાષ્ટ્રપતિની વાતોનું મહત્ત્વ હોય છે પરંતુ તેમના જ આ પેજ પરથી તેમની અન્ય પોસ્ટને છેલ્લા કેટલાય દિવસોમાં ન મળ્યો હોય તેવો પ્રતિસાદ મળ્યો છે. તેમણે આપેલી શ્રદ્ધાંજલિની પોસ્ટ ૪૮ હજાર લોકોએ ફરી શેર કરી છે જ્યારે તેમના પર ૧ લાખ ૬૨ હજાર કમેન્ટ્સ આવી છે. આવું છેલ્લા ઘણા સમયમાં તેમના ફેસબૂક પેજ પર મૂકાયેલી અન્ય પોસ્ટ સાથે થયું નથી.

           વાત એવી છે કે બાઇડન ફેમિલી પાસે જર્મન શેફર્ડ પ્રજાતિનો ચેમ્પ નામનો શ્વાન હતો જે તેમની સાથે વર્ષ ૨૦૦૮થી હતો. બે જર્મન શેફર્ડની જોડમાનો ચેમ્પ ગઈકાલે ૧૩ વર્ષની આયુમાં નિધન પામ્યો. સામાન્ય માણસના શ્વાન મૃત્યુ પામે તે સમાચાર નથી બનતો પણ અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમાં પણ જોઇ બાઇડન જેવા સંવેદનશીલ વ્યક્તિ દુખ વ્યક્ત કરતા નજરે પડ્યા તો સમગ્ર વિશ્વએ તેમના આ દુખમાં ભાગીદારી નોંધાવી જેની સાબિતી તેમની વાયરલ થયેલી ફેસબુક પોસ્ટ પરથી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ બાઇડને લખ્યું કે છેલ્લા તેર વર્ષોથી તેઓ અમારો સતત ખીલખીલાટ કરતો સાથી હતો. સમગ્ર બાઇડન પરિવારને તેના પ્રત્યે ખૂપ પ્રેમ હતો. જીવનના છેલ્લા દિવસોમાં પણ ચેમ્પની જીજીવિષા જોવા મળતી હતી. જ્યારે પણ અમે રૂમમાં પ્રવેશ મેળવીએ ત્યારે તે કૂદકો મારીને અમારી પાસે આવી જતો હતો. અમારા અતિશય સુખના દિવસોમાં અને અતિશય દુખના દિવસોમાં તે હંમેશા અમારી સાથે રહ્યો હતો. અમારા ન કહેવાયા પ્રત્યેક શબ્દોને તે લાગણીની વાચાથી સમજી જતો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પાસે મેજર નામનો અન્ય એક જર્મન શેફર્ડ શ્વાન પણ છે.

(7:47 pm IST)