Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કેન્દ્ર સરકારે 24મીએ બોલાવેલી જમ્મુ કાશમીરના મુદ્દે સર્વપક્ષીય બેઠકમાં મેહબૂબા મુફ્તી હાજરી નહીં આપે !

પ્રાદેશિક પાર્ટીઓના ગુપકાર સંગઠનના નેતા તરીકે પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા ભાગ લેશે.

નવી દિલ્હી : પીએમ મોદીએ જમ્મુ કાશમીરના મુદ્દે તમામ પક્ષના નેતાઓની એક બેઠક બોલાવી છે ત્યારે સરકાર આ બેઠકમાં કયો મુદ્દો ઉઠાવે છે તેને લઈને અટકળો તેજ બની ગઈ છે.

જોકે, આ અટકળો વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યાં છે કે, 24 જૂને યોજાનારી આ બેઠકમાં પીડીપી પ્રમુખ અને રાજ્યના પૂર્વ સીએમ મહેબૂબા મુફતી હાજર રહેશે નહીં. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની પ્રાદેશિક પાર્ટીઓના ગુપકાર સંગઠનના નેતા તરીકે પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા ભાગ લેશે.

એ પહેલા મહેબૂબા મુફતી કહી ચુકયા છે કે, કેન્દ્ર સરકાર તરફથી ફોન કરીને આ બેઠકમાં ભાગ લેવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યુ છે. 24 જૂને બેઠક દિલ્હીમાં યોજાવાની છે. આ પહેલા પીડીપી દ્વારા એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા આમંત્રણ પર ચર્ચા કરવામાં આવી હતી.

મુફતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પીડીપીના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો.જોકે દેશની નજર 24 જૂને મળનારી બેઠક પર છે અને તેમાં કેન્દ્ર સરકાર શું ચર્ચા કરવા માંગે છે તે જાણવા બધા આતુર છે. 2019માં જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો કેન્દ્ર સરકારે નાબૂદ કર્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પહેલી વખત તમામ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવવામાં આવી રહી છે

(7:19 pm IST)